- ખરેખર, માણસને જીવવા માટે શું જોઈએ? બીજાનો ટેકો, આધાર, આક્ષય, મદદ, અવલંબન,.... ના, સંપ જોઈએ. પ્રેમ જોઈએ. સ્વમાન જોઈએ. ગર્વીલું વ્યક્તિત્વ જોઈએ. અડગ ઊભા રહેવાની જિજીવિષા જોઈએ. ભીંત ફાડીને ઊગી નીકળતા પીપળા જેવી તાકાત જોઈએ.
દ્રોણાચાર્ય પિતા પાસે વેદ, વેદાંગ અને ધનુર્વિદ્યા શીખ્યા હતા. પિતાના આશ્રમમાં પૃષતનો પુત્ર દ્રુપદ પણ અભ્યાસ કરતો હતો. એક સાથે રહેવાથી બન્ને વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ ગઈ હતી. હજુ અભ્યાસ અધૂરો હતો ત્યાં જ પિતા ભરદ્વાજનું મૃત્યુ થયું. શિષ્યો આશ્રમ છોડી બીજે જતા રહ્યા. આશ્રમ સૂમસામ થઈ ગયો. આવક બંધ થઈ ગઈ. મિત્ર દ્રુપદે જતાં પહેલાં દ્રોણાચાર્યને વચન આપ્યું. (મમ ભોગાશ્ચ વિત્તં ચ ત્વદધીનં સુખાનિ ચ) 'મિત્ર જ્યારે રાજસત્તા મારા હાથમાં આવશે ત્યારે ભોગ-વિલાસ, ધન-દોલત અને સુખ પર તારો પણ અધિકાર રહેશે.' દ્રોણનો પુત્ર અશ્વત્થામા હજુ નાનો હતો. દિવસે દિવસે ચીથરેહાલ થતા સંજોગોને લીધે ગરીબીએ ઘરના ખૂણે ખૂણે અડિંગો જમાવ્યો હતો. અશ્વત્થામા દૂધ માંગતો ત્યારે માતા કૃપીની આંખો ભીંજાઈ જતી. તે લોટમાં પાણી મેળવીને આપતી. પણ તેના બાળ મિત્રો સાચી વાત કરી તેને ચીડવતા. 'અશ્વત્થામા, તને દૂધના સ્વાદની ખબર છે કે નહિ ! તારા માતા તને દૂધ નહિ લોટમાં પાણી ઉમેરીને આપે છે !!' આ જાણી અશ્વત્થામા રડતો, ગુસ્સે થતો પગ પછડાતો અને હઠ કરતો. 'મા, મને દૂધ આપ. મારે ગાયનું દૂધ જોઈએ.' માતા-પિતા દીકરાની હાલત જોઈ જાણે અંગારા પર આંગળી અડીને દાઝી ગઈ હોય એમ ધખધખી જતા. થોડા વખત પછી દ્રોણને સમાચાર મળ્યા કે રાજા પૃષતના મૃત્યુ બાદ મિત્ર દ્રુપદ રાજા બની ગયો છે. જો કે દ્રોણને તેની પાસે મદદ માંગવા જવું યોગ્ય નહોતું લાગતું. પણ પત્નીએ તેમને દ્રુપદે આપેલું વચન યાદ અપાવ્યું. મિત્ર મિત્રને મદદ કરે એ અહેસાન ના ગણાય. પણ દ્રુપદ હવે મિત્ર નહિ રાજા બની ગયો હતો. તેણે ભર્યા દરબારમાં દ્રોણાચાર્યનું અપમાન કર્યું. 'અરે દ્રોણ, તું ! હવે તને ભાન હોવું જોઈએ કે ક્યાં હું છું - ક્યાં તું !! (સામ્યાદ્ધિ સખ્યં ભવતિ) સમાનતા હોય ત્યારે મિત્રતા થાય છે. (ન ધનાઢય: સખાઢયસ્ય...) દ્રોણ, ગરીબ ધનવાનનો, મૂર્ખ વિદ્વાનનો અને કાયર શૂરવીરનો મિત્ર નથી થઈ શકતો. છતાંય તું ભૂખ્યો હોય તો એક રાત માટે તારા કુટુંબના ભોજનની વ્યવસ્થા હું કરાવી શકું છું.' દ્રોણ સમસમી ગયો. આંખો લાલચોળ થઈ ગઈ. તેણે મનમાં પ્રતિજ્ઞાા લીધી કે આ તિરસ્કાર, આ અપમાનનો યોગ્ય જવાબ તે જરૂર આપશે. તે ત્યાંથી આશ્રમમાં આવ્યો. તે આશ્રમની જમીનમાં બાગાયત કરતો. સમય મળતાં પરશુરામ અને મહર્ષિ અગ્નિપશ્ય પાસે વધુ શિક્ષા મેળવી. હવે તે આચાર્ય થયો. લોકો દ્રોણાચાર્ય કહેતા. છતાં તે ગુપ્તરૂપે કૃપાચાર્યના ઘરમાં રહેતા. નબળા સંજોગોમાં પણ તે સ્વમાનભેર જીવતા. બીજાને ત્યાં અધમકક્ષાની મજૂરી કરવાનું કે આતતાયીના હાથ નીચે ગુલામી કરવાનું તેમને રુચતું નહિ. એકવાર વનમાં બેઠા હતા ત્યારે એક ઘટના ઘટી.
કૌરવો અને પાંડવકુમારો ગિલ્લી દંડાની રમત રમતા હતા. તેમનાથી ગિલ્લી કૂવામાં પડી ગઈ. વૃક્ષ નીચે બેઠેલા દ્રોણાચાર્યએ આ જોયું. તે કૂવા પાસે ગયા. આજુબાજુથી લીલું ઘાસ ભેગું કર્યું. એકને છેડે એક એમ વળ ચડાવી દોરી બનાવી અને દોરીને અભિમંત્રિત કરી ગિલ્લી બહાર કાઢી આપી. કુમારો આ જોઈ પ્રભાવિત થયા. તેમણે આ વાત ભીષ્મને કરી. ભીષ્મ સમજી ગયા કે જરૂર આ કામ દ્રોણાચાર્યનું હોવું જોઈએ. તે ખુદ દ્રોણાચાર્ય પાસે ગયા. અભિવાદન કરી આદરપૂર્વક વંદન કર્યા. અને હસ્તિનાપુરમાં રહી રાજકુમારોને સારા સંસ્કાર આપી અસ્ત્રવિદ્યા શીખવવાનું આમંત્રણ આપ્યું. જે માણસ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાની અસ્મિતા કિંમતી દાગીનાની માફક સાચવી રાખે છે તેને એક દિવસ ગર્વીલું સ્થાન પ્રાપ્ત થાય જ છે.
સ્વામી વિવેકાનંદનું પ્રારંભિક જીવન અસહનીય વિષમતાઓથી ભરેલું હતું. પિતાના અવસાન પછી એક ટંકનું ભોજન માંડ મળતું. પિતાના ખાસ મિત્રો એક પછી એક ખસી ગયા. પિત્રાઈ ભાઈઓ વિવેકાનંદને અદાલત સુધી ખેંચી ગયા. મકાન માલિકે શરમ રાખ્યા વગર ગુસ્સે થઈ ઘરનો સામાન બહાર ફેંકી દીધો. ઉપર આભ નીચે ધરતી ! કોઈ આશ્વાસન નહિ, કોઈ મદદ નહિ, કોઈ આધાર નહિ. નોકરી માટે સવાર સાંજ ભટકતા. એકવાર રામકૃષ્ણ પરમહંસે કાલિમંદિરમાં જઈ મા જગદંબા પાસે જે જોઈએ તે માંગી લેવા કહ્યું. પણ ત્રણ ત્રણ વાર પગે લાગીને પાછા આવ્યા. આવી રીતે માંગવું તેમને મહારાજા પાસે શાકભાજી માંગવા જેવું લાગતું. બસ, તેમણે રામકૃષ્ણ પાસે હિંમત માંગી, શક્તિ માંગી, શ્રદ્ધા માંગી અને આપણે જાણીએ છીએ કે ફક્ત ઓગણચાલીસ વર્ષની ઉંમરમાં તે કોઈપણ ટેકા વગર અનુપમ જીવન જીવી ગયા. આખી દુનિયામાં ભારતનું નામ ઉજ્જવળ કરી ગયા.
કોઈપણ જાતના ટેકા વગર અસહ્ય મુશ્કેલીમાંથી પસાર થઈ આગળ વધી જનાર માણસના ચહેરાની આભા અલગ જ હોય છે. એ ચહેરાની ચમકમાં સંજોગોને હરાવ્યા પછી મેળવેલ જીતનો સંતોષ દેખાય છે. એવા લોકો ઘૂંટણિયે પડી, લાચારીભર્યા સમાધાનો નથી કરતા. એમને સંઘર્ષમાંથી સમજદારીનો જન્મ થાય છે. અને સમજદાર માણસ તેમના માનવીય મૂલ્યોને વિપત્તિઓના પગ નીચે કચડવા નથી દેતા. તેઓ હાર, નિષ્ફળતા કે દુ:ખનો દોષ નસીબ, ઇશ્વર કે દુનિયા ઉપર નથી લગાડતા.
જ્યારે સમડીને એવું લાગે કે તેના બચ્ચાં ઊડવા જેટલાં સશક્ત થઈ ગયાં છે ત્યારે તે પોતાના બચ્ચાંને સ્વાવલંબી બનાવવાની તૈયારી કરે છે. માળાનું એક એક તણખલું ફેંકી માળો વિખેરવાની શરૂઆત કરે છે. સાથે સાથે બચ્ચાંને બહાર ધકેલવાની કોશિશ પણ કરે છે. ડર દૂર થાય છે અને પોતાની પાંખોની શક્તિનો ખ્યાલ આવતાં જ ધીરે ધીરે હવામાં ઊડવા માંડે છે.
ભગવાને દરેકને ગુપ્ત શક્તિ આપેલી છે. તેને ઓળખવા માટે જરૂર છે શ્રદ્ધા, ઉત્સાહ અને ધીરજની. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે. (ન હિ કલ્યાણકૃત કશ્ચિત્ દુર્ગતિમ્ તાત ગચ્છતિ) હે પાર્થ, જે માણસ શુભકર્મ કરીને જીવે છે તેની દુર્ગતિ થતી નથી. ખરેખર, માણસને જીવવા માટે શું જોઈએ ? બીજાનો ટેકો, આધાર, આક્ષય, મદદ, અવલંબન,.... ના, સંપ જોઈએ. પ્રેમ જોઈએ. સ્વમાન જોઈએ. ગર્વીલું વ્યક્તિત્વ જોઈએ. અડગ ઊભા રહેવાની જિજીવિષા જોઈએ. ભીંત ફાડીને ઊગી નીકળતા પીપળા જેવી તાકાત જોઈએ.
- સુરેન્દ્ર શાહ


