Get The App

માતૃપ્રેમે પુત્રને મહાન બનાવ્યો .

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
માતૃપ્રેમે પુત્રને મહાન બનાવ્યો                            . 1 - image


પુત્ર એડિસન-માતા નેન્સી. માતાએ પુત્રને સ્કૂલમાં ભણવા દાખલ કરાવ્યો. એડિસનનું ધ્યાન વર્ગમાં રહેતં- ન હતું. તે સંશોધનપ્રવૃત્તિના વિચારોમાં રચ્યોપચ્યો રહેતો હતો. નિશાળના શિક્ષણની અસર થતી ન હતી. ખૂબ કંટાળીને શિક્ષકે એક બંધ પત્ર એડિસનને આપ્યો. અને કહ્યું કે આ પત્ર તારી મમ્મીને આપજે. તેમાં શિક્ષકે માતાને તેના પુત્રની ફરિયાદ કરી હતી અને તેને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. માતાએ ચિઠ્ઠી વાંચી નિરાશ થયાં પણ નિરાશા દબાવીને હસતુ મોં રાખ્યું. એડિસને પૂછયું, 'મમ્મી, ચિઠ્ઠીમાં સાહેબે શું લખ્યું છે? મારી કશી ફરિયાદ કરી છે.'

માતાએ કહ્યું, 'તારા શિક્ષકે લખ્યું છે કે તમારો દીકરો થોમાસ આલ્વા એડિસન વધારે પ્રમાણમાં બુધ્ધિશાળી છે. તેની બુધ્ધિપ્રભા અમારા કરતાં વિશેષ છે. કોઈ શિક્ષક તેને ભણાવી શકે તેમ નથી. ઘેર રાખીને શીખવજો.'

માતાએ સો શિક્ષકની ગરજ સારી. એડિસન વિદ્યુત બલ્બ બનાવવા માગતો હતો. તેણે સંશોધનો કર્યા. માતાએ તેને ખૂબ સહકાર અને ઉત્તેજન આપ્યું. તેણે આગવી પ્રયોગશાળા ઉભી કરી. આખરે તે વિદ્યુત બલ્બ બનાવવામાં સફળ થયો. તેણે જે પ્રથમ બલ્બ બનાવ્યો તે બસો પચીસ કલાક પર્યત પ્રકાશ આપતો રહ્યો. પછી જે બલ્બ બનાવ્યા તે બુઝાવાનું નામ લેતા ન હતા. સમય જતાં તેણે મૂવી, કેમેરા તથા રિચોર્જેબલ બેટરીની શોધ કરી. તે જનસમાજ માટે ઉપકારક નીવડેલી છે. કેટલાંક વર્ષો પછી માતા મૃત્યુ પામ્યાં. એક દિવસ એડિસન ઘરની જૂની ચીજ સામગ્રી તપાસતા હતા. ત્યારે પેલી જે ચિઠ્ઠી શિક્ષકે તેમનાં માને લખેલી હતી તે હાથ આવી. તે વાંચતાંની સાથે એડિસન માતાના સ્નેહાળ સ્મરણોથી દ્રવી ઊઠયા અને તે રડી પડયા. તેમાં લખ્યું હતું કે 'તમારો દીકરો એડિસન પાગલ જેવો છે. અમારાથી તેને ભણાવાશે નહિ', એ વાંચીને એડિસને પોતાની રોજનીશીમાં નોંધ કરી કે - 'થોમસ આલ્વા એડિસનને તેનાં પ્રેમાળ અને મહાન માતા નેન્સીએ વિશ્વવિખ્યાત વિજ્ઞાની બનાવ્યો છે.'

- ડો સુરેન્દ્ર આસ્થાવાદી

Tags :