Get The App

''ગેરસમજ-સમજફેર'' .

Updated: Feb 23rd, 2022

GS TEAM

Google News
Google News
''ગેરસમજ-સમજફેર''                             . 1 - image

- કોઇપણ અવતારી મહાપુરૂષોના મૃત્યુ બાદ તેમની બોધ વાણીનો તેમના શિષ્યો મનગમતો અર્થ કાઢી શકે છે

ભા ગવતના દશમસ્કંધમાં શ્રીકૃષ્ણ વિશે થયેલ સમજફેરની એક કથા આવે છે. સૂર્ય ભગવાને સત્રાજિતને સ્યંમતક મણિ ભેટ આપ્યો હતો. આ મણિ દરરોજ આઠ ભાર સોનું આપતો અને તેના પ્રભાવથી રોગ, પીડા, દુકાળ જેવા અમંગળ તત્વો દૂર રહેતા. કૃષ્ણએ સત્રાજિતને વિનંતિ કરી કે ''સૌના કલ્યાણ માટે'' તેણે મણિ રાજા ઉગ્રસેનને આપવો જોઇએ. પણ લાલચુ સત્રાજિત ના માન્યો. એકવાર સત્રાજિતનો ભાઈ પ્રસેન મણિ ગળામાં પહેરીને શિકાર કરવા ગયો. ત્યાં જંગલમાં એક ઘાતકી સિંહે હુમલો કરી તેને મારી નાંખ્યો. હજુ સિંહ તેજસ્વી વસ્તુ શું છે એ સમજે એ પહેલાં ત્યાં ઋક્ષરાજ જાંબવાન આવી ગયો. બન્ને વચ્ચે જીવલેણ લડાઈ થઇ. છેવટે સિંહ મરાયો. જાંબવાને તેજસ્વી મણિ રમકડું સમજી લઇ લીધો અને ગુફામાં જઇ બાળકોને રમવા આપી દીધો. બાળકો ખુશ થઇ ગયા.

પોતાના ભાઇ પ્રસેનના મૃત્યુની ખબરથી સત્રાજિત દુઃખી દુઃખી થઇ ગયો. તેને તરત કૃષ્ણ પર શંકા ગઈ. સ્યમંતક મણિ માટે કૃષ્ણએ પ્રસેનને મારી નાખ્યો છે એવી સમજફેરની અફવા આખા દ્વારકામાં ફ્ેલાઈ ગઈ. જ્યારે આવી સમજફેર થાય ત્યાર ેગુણી વ્યક્તિના સદ્ગુણો વિસરાઈ જાય છે. વિશ્વાસ તૂટી જાય છે. સ્નેહની ધારા સુકાઈ જાય છે. મનમાં મૂંગી બેઠેલી અધૂરપને નિંદા કરવા લાંબી જીભ મળી જાય છે. સમજફેરની પાલખીમાં બેઠેલી બુધ્ધિ આછકલી બનીને આખા ગામમાં ભટકે છે.

કૃષ્ણ જેવા કૃષ્ણને લોકો શંકાની નજરે જોવા લાગ્યા. વાત ભલે ગમે તે હોય, ગેરસમજ કે સમજફેરની હોય પણ કૃષ્ણ માટે તેમના ચારિત્ર્ય પર કલંક સમાન હતી. તેમણે નક્કી કર્યું કે સત્ય પ્રગટ કરીને પોતાના પર લાગેલું કલંક દૂર કરવું જ જોઇએ. કૃષ્ણ થોડા ઠરેલ બુધ્ધિના નગરજનોને સાથે લઇ જંગલમાં પ્રસેનને શોધવા નીકળ્યા. ઘણું રખડયા બાદ એક જગ્યાએ પ્રસેન મરેલી હાલતમાં મળ્યો. કૃષ્ણએ જોયું કે થોડે દૂર એક સિંહ પણ મરેલી હાલતમાં હતો. સિંહની બાજુમાં રીંછનાપગલાં દેખાતાં હતા. જે એક ગુફા તરફ જતાં હતા. કૃષ્ણએ પગલાંને અનુસરીને ગુફા પાસે પહોંચ્યા. સૌને બહાર ઊભા રાખી જાતે ગુફામાં દાખલ થયા. તેમણે અંદર જઇને જોયું તો બાળકો સ્યમંતક મણિ રમકડું સમજીને રમી રહ્યા હતા. કૃષ્ણને અચાનક આવેલા જોઇ તે ચોંકી ગયા. ચીસો પાડી. બાળકોનો ગભરાટ સાંભળી ઋક્ષરાજ જાંબવાન તરત દોડી આવ્યો. કશું જ સમજ્યા વગર એ કોપાયમાન થઇ ગયો. કૃષ્ણ એને વાત સમજાવે એ પહેલાં તો લડવા તૈયાર થઇ ગયો. ગુફામાં બન્ને વચ્ચે ૨૮ દિવસો સુધી અવિરત યુદ્ધ ચાલ્યું. છેવટે જાંબવાન થાક્યો ને સમજી ગયો કે જરૂર આ કોઇ અવતારી પુરૂષ છે. તે મનની આંખથી ઓળખી ગયો. ''માફ કરો પ્રભુ. આપ જ મારા 'રામજી' છો. મને દર્શન આપવા રૂપ બદલીને પ્રગટ થયા છો.''  એ ગદ્ગદ થઇ ગયો. પૂજા કરી. કૃષ્ણએ તેને સમગ્ર વાત સમજાવી. જાંબવાને તરત સ્યમંતક મણિ કૃષ્ણના હાથમાં મૂકી દીધો. બીજે દિવસે કૃષ્ણએ સત્રાજિતને રાજસભામાં બોલાવ્યો. નગરજનોની હાજરીમાં સત્ય જાહેર કર્યું. સ્યમંતક મણિ સત્રાજિતને પાછો આપ્યો. આમ સમજફેરથી લાગેલું કલંક કૃષ્ણએ દૂર કર્યું.

સમજફેર થતાં જ વ્યક્તિ આરોપી બની જાય છે. કોર્ટમાં ચાલતા કેસની માફક લોકો સાબિતી, પુરાવા અને ખુલાસા માંગે છે. અર્નેસ્ટ હેમિંગ્વેએ કહ્યું છે. માણસ ગેરસમજ કે સમજફેરની વાતોથી તરત આકર્ષાય છે. કારણ કે તેને પોતાની કિંમત ઊંચી આંકવાની તક મળે છે. ક્યારેક વર્ષોથી સાથે રહેવા છતાં આપણે સાવ નજીકની અંગત વ્યક્તિના મનોભાવો પામી શકતા નથી. તેમની જીવનશૈલી સમજી શકતા નથી.

સોક્રેટીસને એથેન્સના નવયુવકોને ભડકાવવા બદલ મૃત્યુદંડની સજા કરવામાં આવી. સોક્રેટીસનો એક ખાસ મિત્ર હતો ક્રીટો. તેણે જેલમાંથી ભાગી જવાની બધી સગવડ કરી રાખી હતી. પણ સોક્રેટરીસ તો અમૃતનો સ્વાદ લેતો હોય એમ ઝેર પણ ઘુંટડે ઘુંટડે પી ગયો. સાધારણ માણસની માફક સોક્રેટીસ પણ જીવ બચાવવા જેલમાંથી ભાગી જશે પણ એ ક્રીટોની સૌથી મોટી સમજફેર હતી તે દંગ રહી ગયો. તેને સમજાઈ ગયું કે સચેત અને જાગૃત માણસો જીવવા મરવાનો હિસાબ અલગ નથી રાખતા. એ જેવું વિચારે છે એવું જ જીવે છે. તેમના આચાર-વિચારમાં ફરક નથી હોતો.

કોઇપણ અવતારી મહાપુરૂષોના મૃત્યુ બાદ તેમની બોધ વાણીનો તેમના શિષ્યો મનગમતો અર્થ કાઢી શકે છે. શ્રીમદ્ ભગવત ગીતા તો એક જ છે. પણ તેના ઉપરની ટીકાઓનો પાર નથી. દરેક ટીકાકારો પોતાની પ્રજ્ઞાા મુજબ શ્લોકોના અર્થો સમજાવે છે. ક્યારેક જુદા જુદા અર્થો મળવાથી સાધારણ માણસોમાં સમજફેર થવાની સંભાવના વધી જાય છે. બુધ્ધના મૃત્યુ બાદ તેના શિષ્યો ૩૬ અલગ અલગ સ્કુલોમાં વહેંચાઈ ગયા અને બુધ્ધવાણીના ૩૬ અલગ અલગ અર્થ તારવી લેવાયા.

આપણા મનમાં પૂર્વ નિયોજીત સંસ્કારોનું રજીસ્ટ્રેશન થયેલું હોય છે. તેથી આદતવશ આપણે એ જ વાત સ્વીકારીએ છીએ જેની આપણને ટેવ પડેલી હોય છે. પુનર્જન્મની વાત હિન્દુ, બૌધ્ધ કે જૈન તરત સ્વીકારી લેશે પણ મુસલમાન, યહુદી કે ઇસાઇઓ જલ્દી નહિ સ્વીકારી શકે. તેમને સમજફેર થવાની જ. કારણ તેમના ધર્મ ગ્રંથોના સંસ્કારોની છાપ તેમના મન ઉપર રહેવાની જ ! કઇ વાત સ્વીકારવીએ દરેકનો હક્ક છે. અલગ અલગ ધર્મોના સંસ્કારો બાબતે સમજફેર ન થવી જોઇએ. સત્ય સ્વીકારવું જોઇએ.

Nothing in life is to be misunderstand. It is only to be understood.  (જીવનમાં સમજફેર કરવા જેવું કશું જ નથી. ફક્ત તેને સમજવાની જરૂર છે.) સમજફેર કેમ થાય છે ? કારણ કે આપણે ગાફેલ છીએ. જાગૃત નથી. કોઇના મનોભાવ પારખવાની સમજણ નથી. કોઇની સાથે ઝગડો થાય, મતભેદ થાય, અબોલા થાય કે સમજફેર થાય ત્યારે શું બને છે ? શું આપણે એ માંદા પડેલા સંબંધને ફરી તંદુરસ્ત બનાવવા આપણા તરફથી પહેલો પ્રયત્ન કરીએ છીએ ? કદાચ...ના... કારણ કે, સમાધાન ના કરવા માટે આપણી પાસે સામેની વ્યક્તિના અવગુણોનું ચેકલીસ્ટ તૈયાર હોય છે. આપણે કાચિંડાની માફક વિચારોના રંગો બદલી શકીએ છીએ પણ પતંગિયાની માફક સમજણના રંગો ધરી નથી શકતા. સમજફેરની ઘેરી અસર દાંપત્યજીવન પર પડે છે. દાંપત્યજીવનમાં પ્રેમ અને વિશ્વાસ ના પાંગર્યો હોય તો સમજફેરથી જીવનનો છોડ કરમાઈ જાય છે. વ્યક્તિની સંસ્કારિતાનું માપ વ્યક્તિને થયેલી સમજફેર પછી પણ તે સામી વ્યક્તિ સાથે કેવું વર્તન કરે છે એના પરથી નક્કી થાય છે. જો આપણે વાતો સમજદારીની કરતા હોઇએ અને વર્તન ગેરસમજ ઊભી થાય એવું કરતા હોઇએ તો સામેની વ્યક્તિ પણ વાતો સમજદારીની જ કરશે પણ વિશ્વાસ એક રૂપિયાનો નહિ કરે.

ગોરખ કહે સુનો હો અવધૂ, જગ મેં ઐસે રહેણા

આંખો દેખના, કાનોં સુણના, મુખ સે કુછ ના કહેણા

- ગોરખનાથના કહેવાનો એટલો જ અર્થ છે. શબ્દોનો બેફામ ઉપયોગ કરવાથી સમજફેર ઓર વધે છે. માટે જેટલું વિચારીએ એટલું બોલીએ નહિ-અને- જેટલું બોલીએ એ વિચાર કરીને બોલીએ.

- સુરેન્દ્ર શાહ