'મીરા કહે એવા વરને વરીને શું કરું જે આજ જીવે ને કાલ મરી જાય ! હું તો વરુ ગિરિધર ગોપાલને મારો ચુડલો અમર થઈ જાય.!'
- મીરાબાઈ પોતાના પદો દ્વારા એક જ સંદેશો આપે છે કે, જીવનો જગત સાથેનો સંબંધ એ જૂઠ્ઠો છે પણ પરમાત્મા સાથેનો સંબંધ એ સાચો છે માટે જ મીરાબાઈ કહે છે કે, 'ગોવિંદો પ્રાણ અમારો રે, લાગે મને જગ ખારો રે.' જેવી પ્રેમ લક્ષણા ભક્તિ કરી મીરાબાઈ કૃષ્ણ પરમાત્મા ને પામ્યા એવી કૃષ્ણ ભક્તિનો અનુભવ કરી આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ
મ ધ્યકાલીન ભક્તિ પરંપરામાં કૃષ્ણ ભક્તિ ઉપર ઘણા બધાં પદો ભક્ત કવિઓના પ્રસિદ્ધ થયાં. પણ, મધ્યકાલીન ભક્તિ પરંપરામાં જો ગોપીભાવ કોઈનોે હોય તો, તે મીરાબાઈનોે છે. ગોપી ભાવ એટલે 'પુરુષ' અને પુરુષ એ ભગવાન શ્રી કૃષ્ણ જ છે બાકી બધીજ ગોપીઓ છે. આપણે ત્યાં ભક્તિના નવ પ્રકારો છે પણ દસમી ભક્તિ એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રકૃષ્ટ જો કોઈ ઉદાહરણ હોય તો એ મીરાબાઈ છે.
એમનાં જીવન પ્રસંગ બાબતે થોડું જાણીએ તો, એમનો જન્મ રાજસ્થાનમાં 'મેળતા' માં થયો હતો. બાળપણથી જ તેઓ કૃષ્ણ ભક્ત હતાં. મન, કર્મ અને વચનથી ભગવાન શ્રી કૃષ્ણને પતિ તરીકે માનતા. વિદ્વાનો એવું માને છે કે, તેમના વિવાહ વિક્રમ નામના રાજા સાથે થયાં અને મીરાબાઈ મેવાડ પધાર્યાં. એક જ વર્ષમાં તેમના પતિનું મૃત્યુ થયું. મીરાબાઈને વૈધવ્ય આવ્યું. પણ એ તો કૃષ્ણને જ પોતાના પતિ તરીકે માનતા હતાં. એના માટે ખૂબ સુંદર એક પંક્તિ છે કે, 'મીરા કહે એવા વરને વરીને શું કરું જે આજ જીવે ને કાલ મરી જાય ! હું તો વરુ ગિરિધર ગોપાલને મારો ચુડલો અમર થઈ જાય.!' પોતાના પતિના મૃત્યુ પછી મીરાબાઈના જે દિયર હતાં એમને મીરાબાઈ 'રાણાજી' કહેતા હતાં અને તેઓ મીરાબાઈને ખૂબ કષ્ટ આપતા હતાં. રાણાજીએ મીરાને મારવા તેમને માટે વિષનો પ્યાલો મોકલ્યો તે કૃષ્ણની કૃપાથી અમૃત બની ગયો. પણ, આ બધી સ્થિતિ જોઈ મીરાબાઈએ મહેલ છોડયો. તે સમયની પંક્તિ પણ ખૂબ પ્રસિદ્ધ છે કે, 'સાંઢયુ વાળા સાંઢ શણગાર જે, મારે જાવું સો સો કોસ, રાણાજીના રાજમાં મારે જળ રે પીવાનો દોશ.' આવો ભાવ ધારણ કરી મીરાબાઈ દ્વારિકામાં આવ્યાં અને દ્વારિકાધીશની મૂર્તિમાં જ તેઓ સમાઈ ગયાં.
મીરાબાઈના પદો ઉપર જો આપણે વિચાર કરીએ તો, મીરાબાઈ એક એવા ભક્ત કવિયત્રિ છે કે જેના પદો ત્રણેય ભાષામાં છે - ગુજરાતી, રાજસ્થાની અને વ્રજભાષા. જેમાં કેટલાંક પદો ઉપર વિચાર કરીએ તો મીરાબાઈ શ્રી કૃષ્ણને જ પોતાના પતિ માનતા હતાં. તેમનું એક પદ છે કે, 'મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું' આ પદ દ્વારા એક વાત સમજવા મળે છે કે, મીરાબાઈએ ભગવાનનું મુખ જોયું એટલે એમને જગત ખારું- ખારું લાગ્યું. જ્યારે આપણે તો ભગવાનનું મુખ દર્શન કર્યું નથી તોય આપણને જગત ખારું- ખારું લાગે છે. એ જ ભાવ મીરાબાઈએ પોતાના પ્રસિદ્ધ પદમાં આપ્યો છે કે, મેરે તો ગિરધર ગોપાલ, દુસરો ના કોઈ ! સાધુ સંગ બૈઠ-બૈઠ લોક લાજ ખોઈ.' આ પદથી સિદ્ધ થાય છે કે, શ્રી કૃષ્ણ ભક્તિની પરાકાષ્ટા મીરા બાઈ હતાં.
રાજસ્થાની ભાષામાં મીરાબાઈનું પદ છે જેમાં મીરાબાઈ સંતોનો મહિમા વર્ણવે છે. જેના શબ્દો છે - 'ઘરતી માતારો પહેરું ઘાઘરો અમર ચુંદડી ઓઢું, મેં તો સંતો રે ભેરી રેવું મેં આદ્યપુરુષ રી ચેલી.' આમ, મીરાબાઈ સમજાવે છે કે, જીવનમાં સંતોના સંગ જેવું કોઈ સુખ નથી. એક ત્રાજવામાં લૌકિક સુખો મુકો અને બીજા ત્રાજવામાં સત્સંગ મુકો તો સત્સંગનું પલ્લુ ભારે છે.
ભગવાન શ્રી કૃષ્ણ ઉપર મીરાબાઈનો પ્રેમ કેવો હતો !? એનું એક સુંદર પદ છે જેમાં પ્રિયતમ એના પ્રેમીને ઠપકો પણ આપી શકે તો મીરાબાઈએ પણ આ પદમાં ભાવ વ્યક્ત કર્યો છે - સાંઈ મેં તો પકડી આંબલિયાની ડાળ, જંગલ બીચ મેં ખડી, નદીને કિનારે બેઠો એક બગલો હંસલો જાણીને કીધી પ્રિત, મોઢામાં લીધી માછલી.' વ્રજભાષામાં ગુરૂ મહિમાને પ્રગટ કરતું એક પદ છે કે, 'મોહે લાગી લટક ગુરૂ ચરણન કી, ચરણ બીના મોહે કછુ નહિં ભાવે ઝૂઠી માયા સબ સ્વપનન કી.' આ પદ દ્વારા મીરાબાઈ સમજાવે છે કે, જીવનમાં ગુરૂ એ જ શિષ્યને સાચુ જ્ઞાન આપે છે. જ્ઞાન આપે એ ગુરૂ નહિં પણ ગુરૂ હોય તો જ જ્ઞાન મળે.
મીરાબાઈ પોતાના પદો દ્વારા એક જ સંદેશો આપે છે કે, જીવનો જગત સાથેનો સંબંધ એ જૂઠ્ઠો છે પણ પરમાત્મા સાથેનો સંબંધ એ સાચો છે માટે જ મીરાબાઈ કહે છે કે, 'ગોવિંદો પ્રાણ અમારો રે, લાગે મને જગ ખારો રે.' જેવી પ્રેમ લક્ષણા ભક્તિ કરી મીરાબાઈ કૃષ્ણ પરમાત્મા ને પામ્યા એવી કૃષ્ણ ભક્તિનો અનુભવ કરી આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના સાથે..અસ્તુ !.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી