- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
શ્રીકૃષ્ણ પરમાત્માના પુત્રો પલક અને શ્યામ, બન્નેએ અશ્વશાળાનાં કંદર્પ નામે એક દિવ્ય અશ્વની માગણી કરી.
શ્રીકૃષ્ણ કહે, 'તમે બંને એક જ અશ્વની માગણી કરો છો, તો અશ્વ એક અને તેને ઇચ્છવાવાળા તમે બન્ને. તો હું અશ્વ બંનેને કઇ રીતે આપી શકું?' બન્ને કહે, 'અમારે તો આ જ અશ્વ જોઇએ છે.'
શ્રીકૃષ્ણ કહે, 'ભલે, ચાલો, કાલે સવારે જે પ્રથમ ભગવાન નેમિનાથનાં દર્શન કરશે તેને હું આ અસ્વ આપીશ.'
અશ્વપ્રાપ્તિની તીવ્ર ઝંખનામાં તે બરાબર ઊંઘી ન શક્યો. સૂર્યોદય થવાને થોડી વાર હતી ત્યારે એ ઉઠી ગયો અને તૈયાર થયો. પરોઢનાં પયગંબર બનીને આવેલું સૂર્યનું પ્રથમ કિરણ જોતાં જ પલક ભગવાન નેમિનાથ જે ઉદ્યાનમાં બિરાજમાન હતા તે તરફ ત્વરિત ગતિએ ચાલવા માંડયો અને પ્રભુને દર્શન-વંદન કરીને ત્વરિત પિતાજી પાસે જવા નીકળી ગયો. સૂર્યોદય થતાં જ શ્યામે બન્ને હાથને સાથે રાખી હસ્તહૃદયમાં જાણે સિદ્ધાલય બિરાજમાન સિદ્ધભગવંતોના સ્મરણ સાથે વંદન કરી અને વિચાર્યું કે, 'હવે મારે ભગવાન નેમિનાથનાં દર્શન વંદન કરવા જવાનું છે, પરંતુ ત્યાં જઇને વંદન-દર્શન કરતાં પહેલાં અહીં જ વંદના કરી લઉં.' તેણે ભાવપૂર્વક ભગવાન નેમિનાથનું પાવન સ્મરણ કરી ચિત્તમાં તેની છબી અંકિત કરી અને અગિયાર વંદના કરી લીધી અને પછી પ્રભુ પાસે પ્રત્યક્ષ પ્રભુ નેમિનાથ દર્શન-વંદન કરી અને ત્યાં જ સત્સંગમાં પ્રભુચરણે બેસી ગયો.
પલકે શ્રીકૃષ્ણને કહ્યું,'પિતાશ્રી, ભગવાન નેમિનાથનાં પ્રથમ દર્શન કરીને હું આપની પાસે કંદર્પ લેવા આવ્યો છું.લ્લ શ્રીકૃષ્ણ કહે, 'ચાલો, આપણે ભગવાન પાસે જઇએ અને એમના મુખેથી જ સાંભળીએ કે પ્રથમ વંદના કોણે કરી છે?' બન્ને પ્રભુ પાસે આવે છે અને શ્રીકૃષ્ણ કહે છે કે, 'મારા પુત્રોમાંથી આજે પહેલું વંદન આપને કોણે કર્યું ?' પ્રભુએ કહ્યું કે, 'પ્રત્યક્ષ અહીં આવીને પહેલું દ્રવ્યવંદન તમારા પલકે કરેલું.' શ્રીકૃષ્ણએ પૂછયું કે, પ્રભુ, તો પહેલું વંદન કોનું ગણવું? પ્રભુ કહે કે, 'શ્યામના ભાવ-વંદનને પહેલું વંદન કહેવાય.' શ્રીકૃષ્ણ કહે, 'ભાવવંદન સર્વોપરી છે'.
માતા, પિતા ધર્મગુરુ, વિદ્યાગુરુ, પરિવારનાં દાદા, દાદી, નાના, નાની અને આપણા જીવનનો ઉપકારી આત્માઓ પ્રતિ વિવેક અને વિવેકપૂર્ણ વંદન જરૂરી છે. અવંદનીયને વંદન ન કરાય, દોષ લાગે, અસંયમી કે પતિનને વંદન ન કરાય. દ્રવ્યભાવ ઉત્તમ પ્રકારના ચરિત્રથી સંપન્ન ત્યાગી, વૈરાગી ને પંચપરમેષ્ઠીને વંદન કરાય. વંદનના બે ભેદ, દ્રવ્ય અને ભાવવંદન. માત્ર દ્રવ્યવંદન કાયાની કસરત છે. પવિત્ર ભાવનાથી ઉપયોગપૂર્વક કરેલ ભાવવંદન કલ્યાણકારી છે.
શ્રીકૃષ્ણ વાસુદેવ અને મિત્ર વીરકકૌલિક ભગવાન નેમિનાથના દર્શનાર્થે ગયા. શ્રીકૃષ્ણ મહારાજાએ ભગવાન નેમિનાથને અને અન્ય સાધુવૃંદને પવિત્ર શ્રદ્ધા અને ઉચ્ચ ભાવપૂર્વક વંદન કર્યું. વીરકકૌલિક પણ કૃષ્ણને વંદન કરતા જોઈ કૃષ્ણને પ્રસન્ન કરવા ખાતર વંદન કરતો રહ્યો. શ્રીકૃષ્ણે ભગવાનને પ્રશ્ન કર્યો કે, હે ભગવાન ! વંદન કરવાથી મને અને વીરકકૌલિકને શું લાભ થશે ? ભગવાન કહે, હે શ્રીકૃષ્ણ! તમે ભાવવંદન કર્યું છે તેથી તમે ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કર્યું. તીર્થંકર ગોત્રનો બંધ કર્યા અને કેટલેક અંશે દુર્ગતિનાં બંધનને તોડયાં, પરંતુ વીરકકૌલિકે ભાવશૂન્ય વંદન કર્યું છે તેથી તે માત્ર દ્રવ્યવંદન હોવાથી તે લાભથી વંચિત રહ્યો છે. વંદનથી વિનયના ભાવ આવે છે. જો આરંભસમારંભનો અતિરેક કે હિંસા ન હોય તો કુળના કે રાજાના દેવને શાસન કે રાષ્ટ્રની રક્ષા કાજે, માનવસર્જિત કે કુદરતી આફત વખતે દેવ-દેવીને વંદન કરવા તે અપવાદ માર્ગ છે.
વંદનની ક્રિયામાં શરીરવિજ્ઞાન, યોગવિજ્ઞાન અને મનોવિજ્ઞાનનાં પરિબળો કામ કરે છે. નમવાથી આપણું પેટ દબાશે અને પેટ નીચેની પેન્ક્રીયાસમાંથી રસ ઝરશે જે તામસી તત્ત્વને શાંત કરશે. આ શરીરવિજ્ઞાનની પ્રક્રિયા થઈ. સાષ્ટાંગ પ્રણામની સ્થિતિમાં વંદન કરવું એટલે સમગ્ર ક્રિયાથી સમથળપણે પૃથ્વીના સાન્નિધ્યે આપણે દંડવત્ થઇએ ત્યારે વૈશ્વિક ચેતનાનું આપણી સાથે અનુસંધાન થતાં જગતની શક્તિનો સહજ પ્રવેશ થાય છે. બાહ્યકૃતિ સાથે આંતરપરિવર્તન થતાં પ્રણામ-વંદના માટે આપણે જ્યારે નમીએ છીએ ત્યારે ભીતરસ્થિત અહંકાર પણ નમી જાય છે, ઝૂકી જાય છે. આપણામાંથી આપણી ચોપાસ સતત નીકળતું, સર્જાતું અહમ્ની સુરક્ષાનું વર્તુળ ભાંગી પડે છે. આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાથી આપણે રચેલ અહમ્ અને મમની દીવાલોમાં તિરાડ પડે છે. શરણાગતિનો આભ્યંતર ભાવોના પ્રવેશ માટે સહાયક બને છે. આ વંદનની ક્રિયામાં પવિત્ર ભાવના ભળવાથી આ ક્રિયા ભાવવંદના બને છે. લોકોત્તર વંદનની આ યાત્રા શરણાગતિમાં પરિણમે છે.


