મૌનમ્ શરણં... ગચ્છામિ..!! .
ઘણીવાર માણસને બોલતાં તો શું, પણ સાંભળતાં પણ નથી આવડતું. ગાડી ક્યારે આડા પાટે ચઢી જાય કે ક્યારે આંધળે બહેરું કુટાય એનું કશું નક્કી નહીં. આંખનું કાજળ ગાલે ઘસ્યું એવા હાલ થાય. માણસે એ યાદ રાખવું ઘટે કે જેમ બોલવું એ કળા છે એમ સાંભળવું એ પણ કળા છે. ગાંડો મમરો મૂકવાથી વાત ક્યાંયના ક્યાંય પહોંચી જાય છે. મુદ્દો વણસી પણ જાય છે.
બોલવા-સાંભળવા ઉપરાંત માનવને મૌન રહેવાની કળા પણ ભેટમાં મળી છે. જેનો યોગ્ય ઉપયોગ કરીને માણસ પોતાના માનસિક સ્વાસ્થ્યને વધારે મજબૂત બનાવી શકે છે. ચૂપ રહેવું અને મૌન ધારણ કરવું બંનેમાં આકાશ-પાતાળનો ફરક છે. યોગ્ય સમયે, અન્યાયના સમયે, જ્યાં કોઈનું ભલું થતું હોય ત્યાં મૌન ન રહેવાય. તમે કશેક વાંક ગુનામાં હો એન ચૂપ રહો તે વ્યાજબી છે. તમને સ્પર્શતી કોઈ ઘટના તમારી મેલી મંથરાવટીને ઉજાગર કરે તેમ હોય તે સમય મૌન રહો એમાં જ તમારી આબરુ છે. નહિ તો 'ચૂપ' કહીને કોઈ તમારી બોલતી બંધ કરાવી શકે. આવે વખતે...મૌનમ શરણં ગચ્છામિ જ જવું પડે.
આપણે સૌ માનવપ્રાણીઓ બહું બોલીને તેમજ બહું સાંભળીને થાકી જતા હોઈએ છીએ. બધાને બધાનું બોલવું ગમતું હોતું નથી. પરાણે પણ સાંભળવું પડતું હોય છે. કોઈ મનગમતા અવાજને, એની વિચારધારાને... બસ... સાંભળ્યા જ કરીએ એવું પણ થતું હોય છે. સાંભળવું, બોલવું, મૌન થઈ જવું, ચૂપ રહેવું. એ તમારા સ્વભાવ, રસ-રુચિ તેમજ ગમા અણગમા ઉપર આધારિત છે. તથા સામેની વ્યક્તિને ઓળખવાની તીક્ષ્ણ બુધ્ધિ જરૂરી છે.
આપણને મળતો વ્યક્તિ આપણી વિચારધારા સાથે સંમત ન પણ હોય. એની પાત્રતા ન હોય અથવા એ અંધશ્રદ્ધાળુ, વહેમીલો, દ્વેષિલો કે ડંખીલો હોય. જેનામાં સમજદારી ઓછી હોય. જેને પોતાના સ્વાર્થ સિવાય બીજુ કાંઈ દેખાતું ન હોય. જે પોતાનો જ કક્કો ખરો કરવા તલવાર ખેંચે. જે બીજાને ઉતારી પાડવા અવનવા પેંતરા રચે કે પછી બધું પથ્થર ઉપર પાણી હોય અથવા તમારું બોલેલું કોઇને ગમતું ન હોય. આવા તમામ સમયે અને પ્રસંગે મૌનમ્ શરણં. ગચ્છામિ જવું અને પછી જ શ્રીકૃષ્ણ શરણં મમ... ગાવું. કારણ કે મૌન થાવ તો જ મન શાંત થાય. શાંત મને જ ભક્તિ થાય. શાંત મને જ ઓમ નમ:શિવાય બોલવાનો અને સાંભળવાનો અલૌકિક આનંદ આવે.
- દિલિપ રાવલ