Get The App

માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ: .

Updated: Sep 27th, 2023

GS TEAM

Google News
Google News
માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ:                                            . 1 - image


કો ઈપણ માંગલિક કાર્યમાં જે ભગવાનની આપણે સૌથી પહેલા પૂજા કરીએ છીએ એવા ભગવાન ગણેશ પોતાના માતા-પિતાને જ દેવ માનતા હતા અને એટલે જ મા-બાપની પ્રદક્ષિણા કરીને એમણે માતૃદેવો ભવ: અને પિતૃદેવો ભવ: ને ચરિતાર્થ કર્યું હતું. આપણે સૌ ગણપતિ દાદાની પૂજા કરીએ છીએ પણ તેમણે જે માતપિતાને દેવ સાબિત કર્યા હતા તે બાબતે આપણે આંખઆડા કાન કરીએ છીએ. દાદાને માનીએ છીએ, પણ દાદાનું નથી માનતા...!!! કેવી કરૂણતા.!!!

આપણે શ્રાધ્ધ પર્વમાં સ્વર્ગસ્થ મા-બાપને યાદ કરીને તર્પણ કરીને દૂધ-શાક અને લાડુ ખાઈને શ્રાધ્ધપર્વ મનાવીને સંતોષ માની લઈએ છીએ. મા-બાપના સ્વર્ગવાસ બાદ રૂઢિ અને પરંપરાને માત્ર નિભાવવાથી જ શ્રાધ્ધપર્વ મનાવીએ અને જીવીત મા-બાપનું જતન ન કરીએ તે કેમ ચાલે...? એમના હૈયાને ટાઢક આપવાની જવાબદારી કોની...?

મા-બાપ આ પૃથ્વી ઉપરના જીવતા જાગતા દેવ છે એવું સમજવા છતાં આજે ઘરડાંઘરને વૃધ્ધાશ્રમની સંખ્યા સતત વધી રહી છે તે માત્ર સમાજનું જ નહિ, સંતાનો માટે પણ કલંક રૂપ છે. કેટલાક ઘરોમાં તો મા-બાપ દયનીય હાલતમાં જીવતા હોય છે. ફર્નિચરની જેમ ઘરના એક ખૂણામાં ગોઠવાયેલા માલૂમ પડે છે. પુત્ર-પુત્રવધુઓને મા-બાપને, સાસુ-સસરાને 'કેમ છો' એવું કહેવાનો ટાઈમ પણ નથી. સતત હડધૂત અને ઉપેક્ષા કરતા હોય છે.

ઘડ પણ એટલે બાળપણ. મા-બાપનું બાળપણ ઘડપણમાં પાછું આવતું હોય છે. સંતાનોના બાળપણને જેમ મા-બાપ વેઠતા હોય છે, લાડ લડાવતા હોય છે, બરાબર એમ જ યુવા સંતાનોએ માબાપના ઘડપણને બાળપણ સમજીને વ્હાલ કરવાનું આવે છે. હયાત મા-બાપને હથેળીમાં રાખો, અઢળક પ્રેમ આપો, તેમની દયા ખાવ. એ ન ભૂલશો કે તેમના આર્શીવાદ અમૃત બની જશે.

- અંજના રાવલ

Tags :