Get The App

ભગવાન વિષ્ણુનો વામન અવતાર

Updated: Sep 11th, 2019

GS TEAM

Google News
Google News
ભગવાન વિષ્ણુનો વામન અવતાર 1 - image


ભગવાન વામને યજ્ઞામંડપમાં પ્રવેશ કર્યો ત્યારે સૌએ તેમનું સ્વાગત કર્યું, અભિવાદન કર્યું. રાજા બલિ વામન રૂપે આવેલા પોતાના આરાધ્ય તથા ઇષ્ટને ઓળખી ગયા. એવામાં વામન રૂપે આવેલા વિષ્ણુએ બલિ પાસે ત્રણ ડગલાં જમીન માગી

ધર્મપરાયણ બલિ મહાન ભક્ત પ્રહ્લાદના પૌત્ર અને દાનશ્રેષ્ઠ વિરોચનના પુત્ર હતા. તેમનો જન્મ ભલે દૈત્યકુળમાં થયો હોય પરંતુ તેઓ ભગવાનના અનન્ય ભક્ત હતા. તેઓ અતિ ધાર્મિક અને પુણ્યાત્મા હતા. તેઓ ન્યાયપ્રિય અને નીતિપરાયણ રાજા હતા. તેમને આધીન પ્રજા ખૂબ સુખી અને સંતુષ્ટ હતી. તેઓ પોતાનાં અપાર બળ, શૌર્ય અને પરાક્રમથી સર્વત્ર અજેય હતા. તેમના ગુરુનું નામ શુક્રાચાર્ય હતું.

એ દિવસોમાં ઇન્દ્રલોકમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. દેવતાઓ ભોગવૃત્તિમાં ડૂબી ગયા હતા. તેઓ ઉર્વશી, રંભા, મેનકા વગેરે અપ્સરાઓના રૂપરંગ તથા નૃત્યમાં બધું ભૂલી ગયા હતા. તેમની આવી આસુરીવૃત્તિને કારણે ધરતી પર સમયસર વરસાદ ન થવો, દુષ્કાળ પડવો, ઋતુચક્રમાં પરિવર્તન જેવી અનેક જાતની ગરબડો પેદા થઈ હતી.

એટલે ઇન્દ્રલોકના આવા કુશાસનને સુશાસનમાં બદલવા માટે રાજા બલિએ ઇન્દ્રલોક પર ચડાઈ કરી દેવતાઓને પરાજિત કર્યા. સમયાંતરે રાજા બલિના સુશાસનથી ઇન્દ્રલોકમાં સાત્ત્વિક વાતાવરણ નિર્માણ થયું અને ત્યાં જપ, તપ, સેવાપૂજા તથા ધાર્મિક પ્રવૃત્તિઓ થવા લાગી. ત્રણે લોકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનવા લાગ્યું. પર્યાવરણમાં સંતુલન રચાતાં ઋતુચક્રમાં પરિવર્તન આવતું ગયું. જે ધરતી માટે સમૃદ્ધિનું કારણ બન્યું.

આવી સ્થિતિમાં ભોગવાદમાં ડૂબેલા દેવતાઓએ ઇન્દ્રની સાથે મળીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે અમને દેવલોક પાછો અપાવો. ભગવાન વિષ્ણુ ધર્મપરાયણ બલિ સાથે યુદ્ધ કરવા તૈયાર નહોતા. છતાં તેઓ છળ કરી દેવતાઓને મદદ કરવા તૈયાર થયા. અને મહર્ષિ કશ્યપની પત્ની અદિતિના ખોળામાં ભગવાન વિષ્ણુ વામનરૂપે પ્રગટ થયા.

તેજસ્વી આંખો, ચમકતો ચહેરો, વિશાળ વૃક્ષસ્થળ, લાંબી લાંબી ભુજાઓ અને માથા પર કાળા વાળથી સુશોભિત તેઓ બાળસૂર્ય જેવા લાગતા હતા. અંતે તેઓ માતાને પ્રણામ કરી, નર્મદાજીના તટ પર આવેલા તે સ્થળે પહોંચ્યા જ્યાં રાજા બલિ અશ્વમેઘ યજ્ઞા કરી રહ્યા હતા.

ભગવાન વામને યજ્ઞામંડપમાં પ્રવેશ કર્યો ત્યારે સૌએ તેમનું સ્વાગત કર્યું, અભિવાદન કર્યું. રાજા બલિ વામન રૂપે આવેલા પોતાના આરાધ્ય તથા ઇષ્ટને ઓળખી ગયા. એવામાં વામન રૂપે આવેલા વિષ્ણુએ બલિ પાસે ત્રણ ડગલાં જમીન માગી. દૈત્યગુરુ શુક્રાચાર્યે બલિને કંઈ ન આપવા ખૂબ સમજાવ્યો.

પરંતુ રાજા બલિએ મક્કમતાથી કહ્યું:' ગુરુદેવ ! યાચક બનીને આવેલા ભગવાનને હું ખાલી હાથે નહિ જવા દઉં.' એવામાં ભગવાન વામનમાંથી વિરાટ બની ગયા. અને બે ડગલામાં ત્રણ લોક માપી લીધા. અને કહ્યું : 'બલિ ! હવે હું મારું ત્રીજું ડગલું ક્યાં મૂકું ?' ત્રીજું ડગલું મૂકવા માટે બલિ પાસે કંઈ ન હોતું. તેણે કહ્યું: ' પ્રભુ ! મારી પાસે હવે ધરતી નથી તો શું થયું ? આપ આપનું ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો.

આમ રાજા બલિ પોતાનું સર્વસ્વ આપીને પણ પ્રસન્ન હતા. પરંતુ ભગવાનને પોતાના દ્વારા કરવામાં આવેલા છળને કારણે ક્ષોભ હતો. આ ક્ષોભથી તેઓ દુ:ખી હતા. તેમણે બલિને કહ્યું: 'વત્સ ! આ અદ્ભુત દાનને કારણે તારી કીર્તિ અમર રહેશે. જ્યારે મારા છળને કારણે મને વિરાટ હોવા છતાં વામન કહેવામાં આવશે.' અંતે તેના પ્રાયશ્ચિતરૂપે તેમને મહારાજ બલિના નગરમાં દ્વારપાળ બનવું પડયું. આ છે ભગવાન વિષ્ણુનો વામન અવતાર.

- કનૈયાલાલ રાવલ

Tags :