મંગલાશાસન (શુભકામના)
મં ગલા શાસન શબ્દ સંસ્કૃત અને સાંપ્રદાયિક છે. આ શબ્દ ભાગ્યે જ ક્યાંય સાંભળવા મળતો હશે. ખાસ કરીને દક્ષિણ ભારતમા રામાનુજ સંપ્રદાય માં આ શબ્દોનો મહત્તમ ઉપયોગ થાય છે. મંગલાશાસન એટલે શું? કોઈ અન્ય વ્યક્તિ નું શુભ ઈચ્છવુ, અર્થાત બીજા પ્રત્યે પ્રેમ હોવો, તેની સંભાળ લેવી, તેમને શુભકામનાઓ પાઠવી આ ઘટનાને મંગલાશાસન કહેવાય. આ બાબતને હજી સરળ શબ્દોમાં જોઈએ તો, મંગલાશાસન એટલે વાત્સલ્ય.
માતા તેના બાળક પ્રત્યે જે પ્રેમ બતાવે છે જે વાત્સલ્ય બતાવે છે, જેમકે બાળકને રમતા હરતા-ફરતા ઈજા ન થાય તેના બાળકને કોઈ દુઃખ ન પડે બાળકને કોઇ મુશ્કેલી ન પડે આવી માતાની બાળક પ્રત્યેની ભાવનાને મંગલાશાસન કહેવાય. ટૂંકમાં વાત્સલ્યની પરિસિમા એટલે મંગલાશાસન. શાસ્ત્રની ભાષામાં મંગળ આશીર્વાદ એટલે મંગલાશાસન. આપણે ભગવાન પ્રત્યે પ્રેમ રાખીએ છીએ તે બાબત - તે ભાવના એટલે મંગલાશાસન. હવે પ્રશ્ન એ થાય કે ભગવાન પોતે જ છ પ્રકારના એશ્વર્ય થી ભરપુર છે, પોતે જ કલ્યાણ ગુણોનો ભંડાર છે, પોતે જ મંગલ ધામ છે.
તો આપણી જેવા પામર જીવે ભગવાનનું મંગલાશાસન શું કામ કરવું જોઈએ. શાસત્ર આપણને શીખવે છે કે નિત્ય- હંમેશા ભક્તોએ ભગવાનનું મંગલાશાસન કરવું જ જોઈએ, પ્રભુ પ્રત્યે અપાર વાત્સલ્ય અને પ્રેમ રાખવો જોઈએ, તો ભક્તો નો ભગવાન સાથેનો સંબંધ અતુટ બનશે. ભક્તોએ ભગવાનનું
મંગલાશાસન કરવું જોઈએ. આ બાબતે શાસ્ત્રમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે. કૃષ્ણાવતારમાં પુતના નો વધ કર્યા પછી માતા યશોદા પોતાના પોતાના પુત્ર બાલકૃષ્ણ પ્રત્યે મંગલાશાસન ની ભાવના પ્રગટ કરે છે. કનૈયા ના તમામ અંગો ની રક્ષા માટે તેને ગૌમૂત્ર છાણ અને ઔષધિ દ્વારા પવિત્ર સ્નાન કરાવે છે.
ગૌ પુછ કાના ઉપર થી સાત વખત ફેરવી ભગવાનની આસપાસ ની નકારાત્મક ઉર્જા દૂર કરે છે. આ જે ભાવના હતી એ ભાવના ને મંગલાશાસન કહેવાય. આવી જ ભાવના દેવકી માતા, કૌશલ્યા માતા તથા અદિતી માતાની પોતાના પુત્રો પ્રત્યેની હતી. આ ભાવનાને મંગલાશાસન કહેવાય છે.
ભગવાનનું મંગલાશાસન શું કામ કરવું તેના ઉત્તરો પણ આપણી ભાવના મુજબ આપી શકાય. ભગવાને ત્રિવિક્રમ સ્વરૂપે ત્રણ ડગલાં બ્રહ્માંડના ચૌદ લોક માપ્યા ત્યારે ભગવાન ના ચરણો ને કષ્ટ પડયું, રામચંદ્રજી ચૌદ વરસ વનમાં ફર્યા હતા ત્યારે પણ તેના શરીરને ખૂબ કષ્ટ પડયું, કૃષ્ણાવતારમાં અનેક અસુરોનો સંહાર કર્યો ત્યારે પણ શ્રીકૃષ્ણના શરીરને ખૂબ કષ્ટ પડયું, ટચલી આંગળી ઉપર ગોવર્ધન છત્રી સમ ધારણ કર્યો.
આવી અનેક ઘટનામાં પ્રભુએ ભક્તો માટે કષ્ટ સહન કર્યું. તો ભક્તોની પણ ભાવના એવી હોવી જોઈએ કે પ્રભુનુ મંગલાશાસન કરવું જોઈએ. શાસ્ત્રમાં ધર્મગ્રંથોમાં અનેક જગ્યાએ પ્રભુનું મંગલાશાસન થયું છે તે બાબત નું સમર્થન આ રીતે જોવા મળે છે. તે વિષ્ણુ સહસ્ત્રનામ માં આપણે બોલીએ છીએ ને,
" પવિત્રાણાં પવિત્રંયો મંગલાનાં ચ મંગલમ્"
દરરોજ સવારમાં આપણે આ શ્લોક દ્વારા પ્રભુનું મંગલ કરીએ છીએ,
ઓમ મંગલમ ભગવાન વિષ્ણું મંગલમ ગરુડધ્વજ,મંગલં પુંડરીકાક્ષ મંગલાયતનુ હરિ ।
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે।।
તુલસીકૃત રામાયણ ની ચોપાઈ માં પણ મંગલા શાસનની જ ભાવના છે
" મંગલ ભવન અમંગલ હારી
દ્રવઉસુ દશરથ અજિર બિહારી"
વાલ્મીકિ રામાયણમાં દંડકારણ્યમાં જ્યારે રામ પધાર્યા રાક્ષસનો સંહાર કર્યો ત્યારે રામની સુકુમારતા જોઇને ઋષિઓ પણ તેનુ મંગલાશાસન કરવા લાગી ગયા. તો આપણે ભક્તોએ શા માટે મંગલા શાસનની ભાવના ન કરવી. ભગવાન સાથે જીવાત્મા ના નવ પ્રકાર ના સંબંધ છે, જેને નવવિધ સંબંધ કહેવાય છે. (૧) પિતા - પુત્ર (૨) રક્ષ્ય- રક્ષક(૩)શેષ-શેષી (૪) પતિ-પત્ની (૫) જ્ઞાાતુ - જ્ઞોય (૬) સ્વ- સ્વામી (૭) આધાર - આધેય (૮)શરીર - આત્મા અને (૯) ભોકતા-ભોગ્ય.
જીવ આ નવ પ્રકારમાંથી કોઈ પણ એક સંબંધે ઈશ્વર સાથે તેનો સંબંધ નિશ્ચિત કરીને, નિત્ય ભગવાન પ્રત્યે મંગલ ભાવના પ્રગટ કરશે તો અવશ્ય પ્રભુ પણ જીવાત્મા સાથે પોતાનો સંબંધ સુ નિશ્ચિત કરીને જીવનો ઉદ્ધાર અવશ્ય કરશે જ તેમાં જરા પણ શંકા નથી. જય શ્રી કૃષ્ણ.
- જ્યોતીન્દ્ર કે અજવાળીયા