- અસુક્ષિત હોય, તે પોતાની ભૂલ અને નબળાઈને છુપાવવા અભિપ્રાયનો દુરૂપયોગ કરી ખોટી વાતને સાચી સાબિત કરવા મથામણ કરે છે. શૂર્પણખાએ રાવણની કામવાસનાની કમજોરીનો લાભ લઈ રાવણને ઉશ્કેર્યો
પંચવટીમાં ગોદાવરી નદીના કિનારે શ્રીરામના સૌંદર્યથી મોહિત થઈ શૂર્પણખા કામાસકત થઈ ગઈ. તેણે સ્ત્રી સહજ વર્તણૂંકથી તેમને રીઝવવા ઘણા પ્રયત્નો કર્યો. જ્યારે તેની લંપટવિદ્યા કામ ના લાગી ત્યારે તેણે 'સીતામ્ ભક્ષ્યામિલ્લ સીતાને ખાઈ જવાની ધમકી આપી. આ ગુસ્તાખી સહનના થતાં લક્ષ્મણે શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા. ત્યાર પછી લડવા આવેલા ખર, દૂષણ અને ત્રિશિરાનો પણ વધ કર્યો. શૂર્પણખા ધૂંઆપૂંઆ થઈ ગઈ. તે ભાઈ રાવણ પાસે ગઈ. જે અસુક્ષિત હોય, તે પોતાની ભૂલ અને નબળાઈને છુપાવવા પોતાના અભિપ્રાયનો દુરૂપયોગ કરી ખોટી વાતને સાચી સાબિત કરવા મથામણ કરે છે. શૂર્પણખા રાવણની કામવાસનાની કમજોરીથી વાકેફ હતી. તેણે તેનો લાભ લઈ રાવણને ઉશ્કેર્યો. ''ભાઈ, આજે મેં વનમાં એક રૂપ સુંદરી જોઈ. સ્વર્ગની અપ્સરા, ગંધર્વ, નાગ કે મનુષ્ય જાતિમાં સીતા જેવી રૂપવતી સ્ત્રી'' ન દ્રષ્ટાના શ્રુતા 'મેં કદી ના જોઈ છે ના સાંભળી છે ! ભાઈ, બળજબરીથી તેને તમારી પત્ની બનાવવા મેં અથાક પ્રયત્નો કર્યા, એ ખેંચતાણમાં લક્ષ્મણે રામના કહેવાથી મારા નાક કાન કાપી નાખ્યા. એટલું જ નહિ આપણા ખર, દુષણ અને ત્રિશિરાનો પણ વધ કર્યો.'
રાવણે બહેનનો લોહી નીતરતો ચહેરો જોઈ તેની સાથે ઘટેલી ઘટના સારી માની લીધી. શ્રીરામ-લક્ષ્મણ વિષેનો અભિપ્રાય સાચો માની લીધો. રાવણે જે જોયું, તેને કહેવામાં આવ્યું તેમાં કેટલું સત્ય છે તે ચકાસવાની તેનામાં ધીરજ નહોતી. તે અધીરો થઈ ગયો. તરત સમુદ્રના બીજા કિનારે રહેતા મારીચના ઘેર ગયો. શૂર્પણખા સાથે બનેલી હિંસક ઘટનાની વિગતે વાત કરી. પછી પોતાની ભાવિ યોજના મારી અને સમજાવી. ''મારીચ, હું કહું તે ધ્યાનથી સાંભળ. તું માથાથી સુરવ્ણમૃગનું રૂપ ધારણ કરજે. શ્રી રામ અને લક્ષ્મણને તેમની કુટિરથી દુર લઈ જજે. ત્યાં સીતા એકલી પડશે ત્યારે હું સાધુવેશ ધારણ કરી તેનું અપહરણ કરીશ. મારી બહેનને કશા વાંક વગર નાક કાન કાપનારને હું ભયંકર સજા આપીશ.''
મારીય માયાવી હતો. તે હંમેશા નિર્ગુણ નિરાકાર શ્રી હરિનું ધ્યાન ધરતો. તેણે કહ્યું - ''રાવણ, તવ હિતં વદતો મમ ભાવિતં'' હું તારા કલ્યાણની વાત કહું છું તે ધ્યાનથી સાંભળ. શૂર્પણખાએ શ્રી રામ વિષે જે વાતો કરી તેવા શ્રી રામ નથી. રામ કદી અધર્મના કરી શકે. રામ કદી સ્ત્રીઓનું અપમાન ના કરી શકે. વગર કારણે શ્રીરામ હિંસાના કરી શકે. તેમણે પૃથ્વીનો ભાર ઉતારવા અવતાર ધારણ કર્યો છે. તે સાધારણ મનુષ્ય નથી સ્વયં નારાયણ છે. ''છતાં રાવણ તેની વાત સમજતો નથી. અને મારીચની સહાયથી વનમાં જઈ સીતાજીનું અપહરણ કરે છે. રાવણના જીવનમાં આ બન્ને બનાવો ક્રમબધ્ધ બને છે. શૂર્પણખા જે રામ વિષે ઘસાતું બોલીને નિંદા કરે છે એ જ રામ વિષે મારીચ સારો અભિપ્રાય આપે છે. રાવણની સામે શ્રેય અને પ્રેય જેવા બે રસ્તા આવે છે. શ્રેય એટલે જીવ માટે કલ્યાણકારી-ફાયદાકારક અને પ્રેય એટલે દૈહિક કે સાંસારિક સુખ આપનાર રાવણ બહેનનું મંતવ્ય સાચું માની નિર્ણય લે છે, અને વિનાશ થાય છે.''
ધંધામાં, સંબંધમાં કે રાજકારણમાં ઘણી વખત એકબીજાના વિચારોનો મેળ નથી ખાતો, અહમના કારણે અણગમો પણ પેદા થાય છે. છતાં માણસે દરેક પરિસ્થિતિમાં વ્યક્તિમાં રહેલી સારપને ગ્રહણ કરવી જોઇએ. તેની અચ્છાઈને બિરદાવવી જોઈએ. ચર્ચિલને નહેરૂ પ્રત્યે અણગયો હતો. આઝાદીની ચળવળમાં ધણીવાર નહેરૂને જેલમાં પૂર્યા હતા. પણ પછી નહેરૂ ભારતના વડાપ્રધાન બન્યા. કોમનવેલ્થના વડાપ્રધાનોની મિટિંગમાં નહેરૂ ઈગ્લેન્ડ ગયા ત્યારે ચર્ચિલે આગ્રહપૂર્વક પોતાના ઘેર આમંત્ર્યા. ખુલ્લાદિલે ઘણી વાતો કરી. એકવાર પત્રકાર પરિષદમાં ચર્ચિલે કહ્યું હતું, ''નહેરૂ સાથે ઘણીવાર ઘર્ષણ થયું હતું. પણ તેમના જેટલું ઉદાર વ્યક્તિત્વ મેં જોયું નથી. તેમને ઘણીવાર જેલમાં પૂર્યા પણ તે કદી ગુસ્સે થયા નથી.''when we are good to others, we are best to ourself. જ્યારે આપણે બીજી પ્રત્યે શધ્ભાવપૂર્ણ વ્યવહાર કરતા હોઈએ છીએ ત્યારે ખરેખર, આપણે આપણો પ્રત્યે સર્વોત્તમ હોઈએ છીએ.
એક બાદશાહના દરબારમાં એક ગુનેગારને હાજર કરવામાં આવ્યો. ખરેખર તે નિર્દોષ હતો. પણ સાક્ષીઓના મંતવ્યોને સાચા માની તેને ફાંસીની સજા થઈ. આગલી રાતે ગુનેગાર રડયો, ખિભયો અને રાજાને અન્યાયી કહ્યો. આ વાતની ખબર બાદશાહને થઈ, વજીરને બોલાવીને પૂછયું ત્યારે તેણે કહ્યું, ''માલિક, કેદીએ તેની ભાષામાં કહ્યું કે તે નિર્દોષ છે. ભલે બાદશાહે ન્યાયના કર્યો પણ ઈશ્વર દયાળુ છે. ઈશ્વર તેમને સદ્દબુધ્ધિ આપી ન્યાયી અને દયાળુ બનાવે. જેથી ફરી કોઈ નિર્દોષને ફાંસીના થાય.'' બાદશાહે આખી રાત વિચાર કરી સવારે તેને છોડી મૂક્યો. એક દરબારીએ કાન ભંભેરણી કરી. ''માલિક, વજીર જૂઠું બોલે છે.'' ત્યારે બાદશાહે કહ્યું, ''ઈર્ષા અને બદઈરાદાથી કહેલા જૂઠ કરતાં ભલાઈ કરવાના નેક ઈરાદાથી કહેલું જૂઠ બહેતર છે. મારો અનુભવ છે મોત સામે હોય ત્યારે માણસ જૂઠુંના બોલી શકે.'' સમાજમાં આપણી છબી શિષ્ટ અને આદરણીય રહે તેના માટે થોડું ધસાઈને ઉજળું રહેવું પડે છે. આપણા વિષેના અભિપ્રાયમાં ઝાંખપ ના લાગે તેના માટે તૈયાર રહેવું પડે છે. બીજાની નજરમાં સારા દેખાવા માટે સારા બનવું, જરૂરી છે.
પુત્રવધૂ પહેલી વાર રસોઈ બનાવે છે. સૌ ડાઈનિંગ ટેબલ પર બેઠા છે. ઘરના વડીલને પૂછાય છે. ''પપ્પાજી, દાળ કેવી બની છે ?'' વડીલમાં ઊંડી સૂજ હશે તો એ વિચારી લેશે કે પારકે ઘેરથી આવેલી દીકરીનું આગમન મહત્ત્વનું છે કે દાળ ? જો દાળ મહત્ત્વની લાગશે તો કહેશે દાળમાં ખટાસ સહેજ વધારે છે. પણ જો એમ વિચારશે કે દાળ કરતાં પુત્રવધૂ મહત્ત્વની છે તો કહેશે વાહ, આવી સ્વાદિષ્ટ દાળ તો મેં પહેલી વાર ખાધી ! દાળમાં ખટાશ હોવા છતાં સંબંધોમાં મીઠાશ આવી શકે છે. આપણા સંબંધોનો આધાર આપણે અભિપ્રાયનો સદુપયોગ કરીએ છીએ કે દુરુપયોગ-એના પર છે.
- સુરેન્દ્ર શાહ


