Get The App

શ્લોકનો મહિમા .

Updated: Jun 5th, 2019

GS TEAM

Google News
Google News
શ્લોકનો મહિમા                                                    . 1 - image



આપણે ત્યાં એક ખુબ જાણીતો શ્લોક છે. પુણ્યશ્લોકો નલો રાજા, પુણ્યશ્લોકો યુધિષ્ઠિર. પુણ્યલોકા ચ વૈદેહી, પુણ્યશ્લોકો જર્નાદન ।।

નળ રાજા, યુધિષ્ઠિર, વૈદેહી તથા જનાર્દનને પુણ્યશ્લોક માનવામાં આવે છે. આપણાં સંસ્કૃત સાહિત્યમાં શ્લોકનો મહિમા અનન્ય છે. સંસ્કૃતનાં સુભાષિતો શ્લોક સ્વરૂપે જોવા મળે છે. સંસ્કૃતએ દેવોની ભાષા છે. સંસ્કૃત ઉપરથી સંસ્કૃતિ ઉતરી આવેલ છે.

સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો ચાણક્યનીતિ (ચાણકય), શતકત્રય (ભર્તૃહરિ), વિદુરનીતિ, શાન્તિશતક (બિલ્હણકૃત ) તથા પં જગન્નાથનાં ભામિની વિલાસમાં અસંખ્ય સુભાષિતો જોવા મળે છે. સંસ્કૃતના અમુલ્ય ગ્રંથોનો અનુવાદ અર્ધમાગધી કે બિહારી (વ્રજ) ભાષામાં થયા છે. શ્લોકનાં માધ્યમથી આપણને વિદ્યા તથા વિનયની પ્રાપ્તિ થાય છે. સંસ્કૃત ઉક્તિઓ વાણીનું ભૂષણ છે.

કોઈ પણ મોટા યજ્ઞા, નવચંડી, ગણેશ- યાગ કે ગાયત્રી પાત્ર, વિષ્ણુપાત્ર બાદ બ્રાહ્મણોને મહાપ્રસાદમાં ભોજન આપવામાં આવે છે. આ સમયે બ્રાહ્મણો એક એક લાડુ આરોગતાં આરોગતાં તેમની ખાસ શૈલી તથા પ્રદ્ધતિમાં એક એક શ્લોક બોલતા  જાય છે. શ્લોકનું ગાન સાંભળવામાં પણ આનંદ આવે છે.

રામચરિત માનસમાં સોરકા, ચોપાઈઓ ઉપરાંત શ્લોક પણ જોવા મળે છે. મહાભારતમાં એક લાખ શ્લોક છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ૭૦૦ શ્લોકો છે. ઉપનિષદ, શ્રૂતિ, સ્મૃતિ, ભાગવત, મીમાંસા, વેદવાણીમાં અસંખ્ય શ્લોકો સમાયેલા છે. દર્શનશાસ્ત્રમાં પણ શ્લોકોના દર્શન થાય છે. વિવિધ ગ્રંથો, પુરાણો, શાસ્ત્રો શ્લોકમાં જ લખાયેલાં જોવા મળે છે.

શ્લોકનું પઠન તથા વાંચન કરવાની પણ ખાસ પદ્ધતિ છે. કેટલાક શ્લોકો ગાઈ પણ શકાય છે. શ્લોક બોલવાની પણ પ્રથા હોય છે. વિવિધ છંદો તથા રાગમાં શ્લોકનું બંધારણ જોવા મળે છે. શ્લોક દ્વારા ઇશ્વરની  સ્તુતિ- પ્રાર્થના થઈ શકે છે. શ્લોક દિવ્યલોકમાં લઈ જાય છે. સંસ્કૃતમાં શ્લોકોનું વાંચન કરી શકતા ન હોય તે હિંદી, ગુજરાતી કે અન્ય ભાષામાં થયેલ અનુવાદ પણ વાંચી શકે છે. અનુવાદનું પણ ફળ મળે છે.

શ્લોકનાં પઠનથી ઇશ્વર પ્રત્યેનો ભાવ વધે છે. શ્લોક પ્રાર્થના તથા સ્તુતિનું અગત્યનું માધ્યમ છે. શ્લોકમાં અઘરી જોડણી તથા સંઘી હોય છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં અઘરા શબ્દોની સંઘી જોવા મળે છે.  સંસ્કૃત સાહિત્યનાં કાવ્યો, ગ્રંથો તથા મીમાંસામાં અસંખ્ય શ્લોકનું નિરૂપણ જોવા મળે છે.

વારંવાર શ્લોકનું વાંચન કે પઠન જો કરવામાં આવે તો શ્લોક કંઠસ્થ થઈ જાય છે. જામનગર તથા રાજકોટમાં આવેલ ગીતા વિદ્યાલયોમાં નાનાં બાળકોને શ્રીમદ્દ ભગવદ્દગીતાના શ્લોકો શીખવવામાં આવે છે.

બાળકો તે કંઠસ્થ પણ કરે છે. એટલું જ નહીં પરંતુ આવા અઘરા શ્લોકની અંતાક્ષરી પણ તેઓ સરળતાથી રમી શકે છે. શ્લોકનું પઠન કરવાથી માનસિક શાંતિ મળે છે. તથા એકાગ્રતામાં પણ વધારો થાય છે. શ્લોકનો મહિમા વ્યક્તિને પુણ્યશ્લોક સુધી પહોંચાડે છે.

કોઈ પણ પદ્ય ગ્રંથોની રચનામાં શ્લોકને અધિક મહત્વ અપાય છે. શ્લોકની દિવ્યતા અનંત છે. શ્લોક ભવ્યતાનાં શીખર સુધી લઈ જાય છે. સંસ્કૃત ભાષા, સાહિત્ય તથા વેદ- પુરાણ શ્લોકને આભારી છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા શ્લોકની દુનિયાને વારંવાર વંદન.

- ભરત અંજારિયા

Tags :