Get The App

હિંડોળા ઉત્સવનું મહાત્મ્ય... .

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
હિંડોળા ઉત્સવનું મહાત્મ્ય...                                        . 1 - image

ગુજરાતની પ્રજા એટલે ઉત્સવ અને ભક્તિપ્રિય પ્રજા... દરેક મહિનાઓમાં ઉત્સવની ઉજવણી થાય છે. તેમાં પણ ચાતુર્માસ એટલે ઉત્સવોની પરંપરા.. અષાઢ અને શ્રાવણમાં તો સપ્તાહે ઉત્સવ...

અષાઢ અને શ્રાવણમાસમાં ભક્તિભાવ પૂર્વક ઉજવાતો ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ... આ હિંડોળા ઉત્સવની પૂર્ણાહુતિ શ્રાવણ વદ - બીજના રોજ થાય છે.

આ હિંડોળ ઉત્સવમાં ભક્તોના હર્દયમાં એક જ ભાવ હોય છે કે, હું ભગવાનને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુજીને હિંચોળું...ભગવાનના હિંડોળા પણ ભક્તજનો નિત્ય નવીન પ્રકારે શણગારતા હોય છે. વિવિધ પુષ્પો, ફળો, સૂકોમેવો, રાખડી, પવિત્રાં, હીર, કઠોળ, અગરબત્તી, મીણબત્તી, ચાંદી અને સોનાના દાગીના, કોડી, શંખલા, છીપલાં, મોરપીંછ, સિક્કા, બોલપેન, આદિ વિવિધ ભાત - ભાતના પદાર્થોથી હિંડોળા પ્રેમીભક્તો ભગવાનને માટે તન-મન-ધન સેવા કરીને તૈયાર કરે છે.

અયોધ્યામાં પણ ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ 'ઝુલા-ઉત્સવ' તરીકે ઉજવાય છે. વૃંદાવનમાં પણ કલાત્મક હિંડોળાની રચનાઓ કરવામાં આવે છે. ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઉજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ શ્રી કૃષ્ણ ભગવાનને વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા માટે હિંડોળામાં ભગવાનને ઝુલાવીને ગાય છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરુપે દર્શન આપતાં હતા ત્યારે તેમને પણ સંતો-ભક્તો હિંડોળમાં ઝુલાવતા હતા. શિલ્પીકળામાં માહેર એવા સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ વડતાલમાં શ્રીજીમહારાજને હિંડોળામાં ઝુલાવવા માટે એક હિંડોળો તૈયાર કર્યો. આંબાની ડાળી વચ્ચે, રેશમી, દોરી વડે બાંધ્યો હતો. શ્રીજીમહારાજે હરિભક્તોને એકી સાથે બાર સ્વરૂપે દર્શન આપ્યાં હતાં. આવા હિંડોળા ઉત્સવમાંથી અનેક પ્રકારનો ઉપદેશ પણ પ્રાપ્ત થાય છે. આજે પણ ઘણા ગૃહસ્થના ઘરે હિંચકા હોય છે. તેમાં બાળકો ઝુલતાં હોય છે, ત્યારે વડીલો તેને શીખામણ આપતાં કહે છે કે, ધ્યાન રાખજો, હિંચકાની સાંકળને પૂરી પકડી રાખજો. ખરેખર જીવનમાં હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાંકળ ઝાલી રાખવી પડે, નહિ તો ક્યારે પડી જવાય તેની ખબર ન પડે... જીવનમાં પણ ઝુલાની જેમ ચડતી - પડતી આવવાની અને જવાની. સુખ અને દુ:ખના પ્રસંગો આવાના છે. ત્યારે આપણે ધીરજ રાખવી જોઈએ.

અષાઢી બીજ થી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે. તો આપણે હિંડોળા પર્વમાં પ્રેમથી અને ભક્તિભાવથી ભગવાનને ઝુલાવીએ, દર્શન કરીએ અને થાય તેટલી તન, મન, અને ધનથી સેવા કરીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ