મકરસંક્રાંતિનું મહાત્મ્ય!
- 'મકરસંક્રાન્તિ'નાં શિયાળાનાં ઠંડા દિને શરીરમાં જઠરાગ્નિ પ્રજજવલિત કરનાર પદાર્થોનું સેવન કરવાનું હિતાવહ છે, જેવા કે શેરડી, વૈવિધ્યસભર ગોળની ચીકીઓ, ચણા, તેલ આરોગવાનું વિધાન છે.
ભા રતીય ખગોળશાસ્ત્ર અનુસાર સૂર્યનારાયણ દર માસ રાશિ બદલતા હોય છે. એટલે તેને સંક્રાન્તિનો સમય કહે છે. પરંતુ દર વર્ષનાં પ્રારંભે ૧૪મી જાન્યુઆરીએ તિથિ અનુસાર સૂર્ય ધન રાશિમાંથી મકરરાશિમાંથી સંક્રાન્તિકાળમાં પ્રવેશે છે. ઇ.સ.૧૮૬૨માં આ ભૌગોલિક ઘટના તા. ૧૨ જાન્યુઆરીનાં ઘટી હતી. જે શુભ દિને મહાન સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો. આ સમયથી પ્રારંભ થઈને છેક છ માસનો ગાળો જ્ઞાનનાં પ્રકાશ તથા માનવ જીવનની ઉર્ધ્વગતિનો ગણાયો છે. આ માસમાં ઉર્ધ્વગતિ પામેલા સર્વ જીવો ઉર્ધ્વગતિ પ્રાપ્તિ કરે છે. તથા આ દિવસે સૂર્ય ઉત્તર તરફ દિશા કરે છે, તેથી તેને ઉત્તરાયણ પણ કહે છે. એ સાથે મકરસંક્રાન્તિનો પવિત્ર-શુભદિન દાન-પુણ્ય કમાવવાનો ઉત્તમ અવસર છે. આ ઉર્ધ્વગતિ તથા સદ્ગતિનાં સંદર્ભમાં ભગવદ્ગીતાનો પણ અધ્યાય ૮નાં ૨૪માં શ્લોકમાં જણાવે છે કે,
'અગ્નિ જયોતિ રહ : શુકલઃ ષણમાસા ઉત્તરાયણમ્ ।
તત્રપ્રયાત્રા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદોજના :।।૨૪
અર્થ- ભાવાર્થ : જે કાળે વિદાય લેનારા પરત થનારી ગતિ પામે, કે જે પણ યોગીજનો દેહ છોડીને પરત ન થનારી ગતિ પામે, એવા એ બે માર્ગો છે. આ બે કાળમાંથી મનુષ્યનાં મનમાં જો સ્થુળ-ભૌતિક પદાર્થોની કામના રહી ન હોય અને તેમનાથી પર જવાની ભાવના રહી હોય, તેમજ વાદળ વગરનાં નિરભ આકાશ જેવા છ માસના સ્વચ્છ ૨) શુભ દિન જોવા તથા ધુમાડા વગરના અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય, એ કાળે દેહનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની, બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. આ મકરસંક્રાન્તિ પછીના સમયમાં મૃત્યુ પામનારા બ્રહ્મવેતા, યોગીજનો દેવતાઓ દ્વારા ક્રમે કર્મ બ્રહ્મને પામે છે.
આ સિવાય આ 'મકરસંક્રાન્તિ'ના પાવનકારી દિને દાન પુણ્ય, સત્કર્મ કરવાનો છે. આના વિષે એક શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે, યજ્ઞામાં વિવાહ સંક્રાન્તિ, ગ્રહણ કે પુત્ર જન્મ પહેલાં વ્યતિપાતમાં જે દાન કરવામાં આવે છે. તેનું દાન-પુણ્ય અક્ષયગણું પ્રાપ્ત થતું હોય છે. આ દાન-પુણ્ય પૃથ્વી પરનાં સર્વે જીવાત્મા અર્થે છે. દાનમાં કાળા તલ, સફેદ, તલ, અડદ, સાંકળી, ચીકીવાળી વાનગીઓ, બ્રાહ્મણોને વસ્ત્રો બહેન તથા ભાણે જ ભાઈ-બહેનોને ખીચડાનાં જમણ કરાવવાનું એ ઉત્તમ ધાર્મિક કાર્ય છે.
'મકરસંક્રાન્તિ'નાં શિયાળાનાં ઠંડા દિને શરીરમાં જઠરાગ્નિ પ્રજજવલિત કરનાર પદાર્થોનું સેવન કરવાનું હિતાવહ છે, જેવા કે શેરડી, વૈવિધ્યસભર ગોળની ચીકીઓ, ચણા, તેલ આરોગવાનું વિધાન છે. વળી આ દિને અગાશી કે ખુલ્લા મેદાનમાં વાતા પવન વચ્ચે પતંગ ઉડાવાની મજા કંઈ ઓર છે.
આમ ૧૪મી જાન્યુઆરીના ઉજવવામાં આવતા આ તહેવારમાં ધર્મ-અધ્યાત્મ તથા દાન-પુણ્યનો તથા અબાલવૃધ્ધોને એક સાથે જોડતો એ એક પ્રકારનો 'પતંગોત્ત્સવ' પણ છે.