એક સુંદરકાંડથી આખેઆખું રામાયણ સુંદર સુંદર બની જાય છે, એક શ્રીમદ્ ભગવદ્ ગીતાથી મહાકાવ્ય મહાભારત વિશ્વવિખ્યાત થઈ જાય છે, એક ગોપી ગીતથી શ્રી ભાગવત પુરાણ ભક્તો માટે ભગવાનનો ભવ્યાતિભવ્ય ભરોસો બની જાય છે, બસ - કંઈક આ જ રીતે મહાશિવરાત્રિનું આગમન થતાં જ શિવ, શિવાલય, શિવલિંગ, શિવભક્તોનું ગણમાન્ય, જનમાન્ય, ભક્તમાન્ય ગૌરવ બની ભારતભરને ભક્તિભાવથી ભગવાનમય બનાવી દે છે ત્યારે ઉમળકાભેર અનાયાસે બોલાઈ જવાય છે : ઁ નમ: શિવાય કે જે પંચાક્ષય મંત્ર સ્વયં પરમેશ્વર છે.
શિવજી આદિ-અનાદિ છે, સર્વવ્યાપી છે, સનાતન છે. દેવોના દેવ મહાદેવ છે, નાથોના નાથ સોમનાથ છે, અજર-અમર છે, અકળ-અક્ષર છે, અભય-અજય છે અને અગમ-નિગમ છે. એ જગતજનની મા આદ્યશક્તિ પાર્વતીજીના પરમ પ્રેમાળ પતિનાથ છે, કાર્તિકેયજી અને ગણેશજીના પરમપૂજ્ય પિતાજી છે, દક્ષ પ્રજાપતિના અને હિમાલયના જમાઈરાજ છે, ભૂતોના નાથ છે તો પશુપતિનાથ પણ છે. યક્ષ-ગંધર્વના ગૌરવશાળી સખા છે તો કાળનાય કાળ કાળભૈરવ અવતાર પણ છે. રીઝે તો રાવણને ય વરદાન આપી દે છે અને ખીજે તો કામદેવને ભસ્મીભૂત કરી દે છે !!
જટા ઉપર અવતરિત થતી ત્રિપથગા ભાગીરથી ભવતારિણી છે તો લલાટે લાખેણી બીજનો ચંદ્ર એમનો મોંઘેરો મુગટ છે. જટામાં તો એમની છટા છે, નાગ ગળાનો હાર છે, ગળાની રૂદ્રાક્ષમાળા આરોગ્યની પાઠશાળા છે, ભસ્મ એમનો શણગાર છે તો ત્રિશૂળ આધિ, વ્યાધિ અને ઉપાધિનું તારણહાર છે. બિલીપત્ર એમની છત્રછાયા છે, ધતૂરાનાં ફૂલ તો એમનો ફૂલહાર છે, જળાધારી એમની ગંગોત્રી છે તો પીઠિકા (થાળું) તો એમની સંગિની છે. નંદી એમનું વાહન છે તો કાચબો સમુદ્રમંથનનું કારણ છે, ગૌમુખી લક્ષ્મણરેખા છે.
શિવ સ્વરૂપે એ સાકાર છે, લિંગ સ્વરૂપે નિરાકાર છે, સૌ જીવોના જગતઆધાર છે. તાંડવના તજજ્ઞા છે એટલે ડમરૂના ચાહક છે. એમનું આયુધ પિનાકપાણિ ધનુષ છે તો ત્રિશૂળ એમનું હાથવગું હથિયાર છે. સમુદ્રમંથન સમયે વિષ હળાહળ પીધું. દેવો માટે સમર્પણ કીધું એટલે નીલકંઠ કેહવાયા - આને કહેવાય ભોળાનાથ ! વ્યાઘચર્મ એમની બેઠક છે અષ્ટાંગયોગ સાધનાના એ પ્રાયોજક છે - નવનાથના ય નાથોના નાથ છે. સત્યમ્... શિવમ્... સુંદરમ્... એમનું આધારકાર્ડ છે, કૈલાસ પર્વત એમનું કાયમી સરનામું છે તો તમામ શિવાલય તેમનાં બેસણાં છે. મંદિરની પ્રદક્ષિણા સકારાત્મક ઉર્જાનો પ્રચંડ સ્ત્રોત છે, ધંટારવ આનંદનો ધોધ છે. પ્રસાદ એમનો રાજીપો છે અને શિવાલયની ધર્મધજા પ્રગતિના આશીર્વાદનો જીવતો જાગતો પુરાવો છે. મહાશિવરાત્રિએ ગરવા ગઢ ગિરનારની તળેટી, ભવનાથ અને મૃગીકુંડ વસંતોત્સવના વનમાં નાગાબાવાઓની રેવડી પવિત્ર પાટોત્સવ બની જાય છે ત્યારે ગિરનારની તળેટી - હર હર ભોલે - ના નાદથી ગુંજી ઊઠે છે. જય ભોળાનાથ.
શિવજીનું શિવાલય આ રીતે જ્ઞાાનાલયનું સ્વરૂપ ધારણ કરી સૌ કોઈને અધ્યાત્મના સાંગોપાંગ આરાધક બનાવી 'આત્માને ઓળખ્યા વિના રે... ભવના ફેરા નહિ તો ટળે રે જી' ના પાઠ ભણાવી મુમુક્ષુઓ માટે મોક્ષના દરવાજા ખોલી આપે છે.
મહાદેવ, ભોળાનાથ, શિવ, નીલકંઠ, ભોલે, ચંદ્રમૌલી, મહેશ, આશુતોષ, પિનાકપાણિ, અર્ધનારીશ્વર, ભૂતનાથ અને નટરાજ - આ ૧૨ (બાર) નામનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાથી બધા દુ:ખોના બાર વાગી જાય છે અને જગપ્રસિદ્ધ સ્વયંભૂ દ્વાદશ જ્યોતિર્િંલગને યાદ કરવાથી કે તેના શિવાલયમાં દર્શન કરવાથી જે અલભ્ય આત્માનંદની અનુભૂતિ થાય છે જે શબ્દાતીત છે એવો સૌ શિવભક્તોનો સ્વાનુભવ જગજાહેર છે.
શિવ પુરાણમાં 'શ' - એટલે નિત્ય સુખ-આનંદ આપનાર, 'ઇ' એટલે પુરુષ અને 'વ' એટલે અમૃત. અર્થાત્ જે સૌ ભક્તોને નિત્ય અમૃત સમાન સુખાનંદ આપે છે તે શિવ. શિવ એટલે જ કલ્યાણ. આવો - આવા કલ્યાણકારી શિવ ભગવાનના પ્રસિદ્ધ મહામૃત્યુંજય મંત્રનો ઘોષનાદ કરી પ્રાર્થના કરી સુખાનંદ, આત્માનંદનો સાગમટે આપણે જાત અનુભવ કરી કૃતાર્થ બનીએ :-
''ઓમ ત્ર્યંબકં યજામહે સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્
ઉર્વાઋકમિવ બંધનાત્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્''
''હે પરમાત્મા ! હે ત્રિલોચન ! સૌનું જીવન સુવાસિત કરનાર, સૌનું સદા પાલનપોષણ કરનાર એવા આપને અમે ભજીએ છીએ. પાકેલું ચીભડું વેલાથી આપોઆપ અનાયાસે છૂટું પડી જાય તે રીતે અમને પૂર્ણ પરિપકવ આયુષ્ય આપી મૃત્યુના બંધનથી મુક્ત કરી અમરત્વ પ્રદાન કરો.'' - અસ્તુ
જય મહાદેવ... જય ભોળાનાથ.
- પી. એમ. પરમાર


