ધર્મ ૫રાયણતા, પ્રતિજ્ઞાપાલન અને શૂરવીરતાના સાકાર રૂપ સમા મહાન રાષ્ટ્રનાયક, હિંદુ હૃદયસમ્રાટ મહારાણા પ્રતાપ
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
'પ્ર ત્યેક મનુષ્યનું ગૌરવ અને આત્મ-સન્માન એની સૌથી મોટી કમાણી હોય છે એટલા માટે હંમેશા એનું રક્ષણ કરવું જોઈએ... જે માનવી પોતાના અને પોતાના પ્રિયજનો સિવાય પોતાના દેશ વિશે પણ વિચારે છે તે જ માનવી દેશનો સાચો નાગરિક હોય છે.. જે મનુષ્ય એના ધર્મ, કર્તવ્ય અને જગતના કલ્યાણ માટે હંમેશા પ્રયત્નપૂર્ણ રહે છે તેને અનેક યુગો સુધી યાદ રાખવામાં આવે છે. અન્યાય અને અધર્મનો નાશ કરવો એ આખી માનવ જાતિનું કર્તવ્ય છે.'
- મહારાણા પ્રતાપ
હિંદૂ શિરોમણિ, હિંદૂ હૃદય સમ્રાટ મહારાણા પ્રતાપને શૂરવીરતા, ધર્મનિષ્ઠા, અડગ પ્રતિજ્ઞાા પાલન, પરાક્રમ અને કર્તવ્યપરાયણતાનું સાકાર રૂપ સમજવામાં આવે છે. તે સિસોદિયા રાજપૂત રાજવંશના રાજા હતા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૫૯૭ના જેઠ સુદ ત્રીજના રોજ ૯-પ-૧પ૪૦ને રવિવારના રોજ થયો હતો. તેમના પિતાનું નામ મહારાણા ઉદયસિંહ અને માતાનું નામ જીવત કુંવર કે જયવંત કંવર હતું. તે રાણા સાંગાના પૌત્ર હતા. મહારાણા પ્રતાપને ૧૧ પત્નીઓ હતી અને તેમના થકી ૧૭ સંતાન હતા. મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાન-મેવાડના કુંભલગઢ દુર્ગમાં થયો હતો. રાજપૂતાના રાજ્યોમાં મેવાડનું પોતાનું એક વિશિષ્ટ સ્થાન છે જેના ગૌરવવંતા ઈતિહાસની આગવી ગરિમા છે. એ યશોજ્જવલ ઈતિહાસમાં બાપ્પા રાવલ, ખુમાણ પ્રથમ, મહારાણા હમ્મીર, મહારાણા કુંભા, મહારાણા સાંગા, મહારાણા ઉદયસિંહ એન મહા પ્રતાપી, શૌર્ય શિરોમણિ મહારાણા પ્રતાપનો સમાવેશ થાય છે.
મહા પરાક્રમી, યશસ્વી મહારાણા પ્રતાપ ઉદયપુર, મેવાડના સિસોદિયા રાજવંશના રાજા હતા. એકલિંગ મહાદેવ રૂપે બિરાજતા ભગવાન શિવજી એમના કુળદેવતા હતા. મેવાડના રાણાઓના આરાધ્ય દેવ એકલિંગ મહાદેવનો મેવાડના ઈતિહાસમાં બહુ મોટો મહિમા છે. એકલિંગ મહાદેવનું મંદિર ઉદયપુરમાં આવેલું છે. મેવાડના સંસ્થાપક બાપ્પા રાવલે આઠમી શતાબ્દીમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં એકલિંગજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ભવ્ય મંદિરના પરિસરમાં ૧૦૮ મંદિર છે. મુખ્ય મંદિરમાં એકલિંગજી (શિવજી)ની ચાર મસ્તકવાળી પ૦ ફૂટની મૂર્તિ છે. ચાર ચહેરા સાથે મહાદેવ ચૌમુખી રૂપે ચારે દિશાઓમાં જુએ છે. તે વિષ્ણુ (ઉત્તર) સૂર્ય (પૂર્વ), રૂદ્ર (દક્ષિણ) અને બ્રહ્મા (પશ્ચિમ)નું પ્રતિનિધિત્વ કરે છે. આઠમી સદીમાં બાપ્પા રાવલે જે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તેને તોડી નંખાયું હતંર તે પછી ઉદયપુરના મહારાણા મોગલે તેનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો. વર્તમાન મંદિરના અભિનવ સ્વરૂપનું પૂર્ણ શ્રેય મહારાણા રાયમલને જાય છે. અત્યારે જોવા મળતી કાળા આરસપ્હાણની મહાદેવની ચતુર્મુખી પ્રતિમાની સ્થાપના મહારાણા રાયમલે જ કરી હતી.
મેવાડના રાજાઓ યુદ્ધ કરવા જાય તે પહેલાં એકલિંગજીની પૂજા-અર્ચના કરી એમના આશીર્વાદ લેતા હતા. તે અહીં મહત્વપૂર્ણ પ્રતિજ્ઞાાઓ લેતા. મહારાણા પ્રતાપના જીવનમાં અનેક વિપત્તિઓ આવી પરંતુ એકલિંગજીની કૃપાથી તે તે બધાનો સામનો કરી શકયા હતા. એકવાર જયારે તેમનું સાહસ ડગમગવા લાગ્યું હતું ત્યારે પણ તેમણે અકબરના દરબારમાં હાજર રહીનેય પોતાના ગૌરવની રક્ષા કરનાર બિકાનેરના રાજા પૃથ્વીરાજને ઉદ્બોધન કરી વીરો ચિત પ્રેરણા આપતો પત્ર ઉત્તરરૂપે લખ્યો હતો તેની આ ઉક્તિ અત્યારે પણ યાદ કરાય છે - તુરક કહાસી મુખપત્તૌ, ઈણતહા સૂં ઈકલિંગ, ઉગૈ માંહી ઉગસી પ્રાચી બીચ પતંગ. મહારાણા પ્રતાપે મોગલ બાદશાહ અકબરની અધીનતા સ્વીકારી નહોતી અને અનેક વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો. હલ્દીઘાટીના પ્રસિદ્ધ યુદ્ધમાં પણ તેમણે મોગલ સેનાનો જબરદસ્ત સામનો કર્યો હતો. પણ તોપો અને બંદૂકધારી સુસજ્જિત શત્રુ સેના સામે વિજય મેળવી શક્યા નહોતા. મહારાણા પ્રતાપ ચિત્તોડ છોડીને જંગલોમાં રહેવા લાગ્યા હતા. મહારાણા, સુકુમાર રાજકુમારી એ કુમાર ઘાસની રોટલી અને જંગલના તળાવના પાણીથી જીવન વ્યતીત કરતા હતા. અરવલ્લીની ગુફાઓ એમનું ઘર હતું અને પર્વતની શિલાઓ એમની શૈયા હતી. ભામાશાહની મદદથી મહારાણા પ્રતાપે પુન:સૈન્ય સંગઠન કર્યું હતું. કુંભલગઢ પર પોતાનું આધિપત્ય સ્થાપી મોગલોના સ્થાનો પર આક્રમણ ચાલુ રાખ્યા હતા. પછી ચિત્તોડ છોડી ઉદયપુરને પોતાની રાજધાની બનાવ્યું હતું. આખા મેવાડ પર પોતાનું રાજ્ય પ્રસ્થાપિત કર્યું હતું.
૧૯ જાન્યુઆરી ૧૫૯૭ના રોજ એમનું મરણ થયું હતું. ૩૦ વર્ષોના સંઘર્ષ અને યુદ્ધ પછી પણ અકબર બાદશાહ મહારાણા પ્રતાપને કેદી બનાવી શક્યા નહોતા કે ઝુકાવી શક્યા નહોતા. મહાન રાષ્ટ્રનાયક, દેશભક્ત મહારાણા પ્રતાપે પોતાના દેશ, જાતિ, ધર્મ અને સંસ્કૃતિ માટે જીવનભર ઝઝૂમતા રહી વીરોચિત ગતિ પ્રાપ્ત કરી.