આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
સમૃદ્ધિ તો ધન્ના- શાલિભદ્રની અને શીલપાલન તો કલાવતીનું !
શંકા અને ક્રોધને કોઈ સીમા હોતી નથી. રાજાએ વિચાર્યું કે કંકણ સહિતના કલાવતીના બંને હાથ કાપી નખાવું. રથમાં બેસાડી ગર્ભવતી કલાવતીને લઇને ચાંડાલ નીકળ્યો. રાજાએ કહ્યું કે તેઓ એને પિયર મોકલે છે, પરંતુ ઉજ્જડ ભૂમિમાં ચાંડાલે રથ ઊભો રાખ્યો.
રાજગૃહી નગરીના મહાકુબેર સમા શાલિભદ્ર અને એમના બનેવી શેઠ ધન્નાશાના ભોગ-વિલાસ અને વૈભવની કેટલીય અદ્ભુત લાગે તેવી દંતકથાઓ નગરમાં વહેતી હતી. શાલિભદ્રના પિતા ગૌભદ્રે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી હતી. એમનો યુવાન પુત્ર શાલિભદ્ર માતાના અતિ લાડકોડ અને અપાર સંપત્તિની જાહોજલાલી વચ્ચે જીવતો હતો.
રાત- દિવસ હવેલેીના સાતમા માળે જ રહેતો શાલિભદ્ર ભોગ- વિલાસમાં એટલે ગળાડૂબ હતો કે એણે ક્યારેય હવેલીના સાતમા માળેથી નીચે ઉતરીને જગતને જોયું- જાણ્યું નહોતું. આ રાજગૃહ નગરીમાં સવાલાખ સુવર્ણમુદ્રાની કિંમત ધરાવતા મહામૂલ્યવાન રત્નકંબલ લઈને એક વેપારી વેચવા આવ્યો હતો.
એની પાસે આવા સોળ રત્નકંબલ હતા, પરંતુ એની કિંમત સાંભળીને મહારાજા શ્રેણિકે એકેય ખરીદ્યા નહીં. રત્નકંબલનો વેપારી શાલિભદ્રના ભવ્ય પ્રાસાદમાં પહોંચી ગયો. કારોબાર સંભાળતી શાલિભદ્રની માતા ભદ્રાએ કહ્યું કે મારા ઘરમાં બત્રીસ પુત્રવધૂ છે, માટે સોળ કંબલ આપી દે, પણ બીજા પછી પહોંચાડજે જરૃર. વેપારીએ રત્નકંબલનું મૂલ્ય કહ્યું પણ ભદ્રાએ એના તરફ લક્ષ્ય આપ્યું નહીં અને મુનીમને કિંમત ચૂકવી આપવા જણાવ્યું.
બીજે દિવસે મહારાણી ચેલણાએ મહારાજા શ્રેણિકની સમક્ષ હઠ લીધી કે મારે માટે એક રત્નકંબલ તો તમે ખરીદી લાવો જ. રાજાએ તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે સોળ રત્નકંબલના બે-બે ટુકડા કરીને ભદ્રાએ પુત્ર શાલિભદ્રની બત્રીસ પુત્રવધૂને આપી દીધા હતા, પરંતુ એ પુત્રવધૂઓને રત્નકંબલનો સ્પર્શ કઠોર લાગતાં એનો એમણે પગલૂછણિયાં તરીકે ઉપયોગ કર્યો છે. મહારાજા શ્રેણિકના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ ભદ્રાને ત્યાં પધાર્યા. ભદ્રાએ પોતાના પુત્ર શાલિભદ્રને સાતમા માળથી નીચે આવીને નમસ્કાર કરવા કહ્યું.
શાલિભદ્રે કહ્યું,''તમે ઘરના માલિક છો. શ્રેણિકનું જે કંઈ મૂલ્ય હોય તે આપીને ખરીદી લો. એમાં વળી મારે નીચે આવવાની જરૃર શી ?''
ભદ્રાએ કહ્યું,'' હે પુત્ર ! શ્રેણિક એ કોઈ ખરીદવાની વસ્તુ નથી. તેઓ તો આપણા રાજ્યના મહારાજા છે. આપણા નાથ છે. આપણી ઘણી વિનંતી પછી તેઓ આપણે ત્યાં પધાર્યા છે.''
''નાથ'' શબ્દ સાંભળતાં જ શાલિભદ્રના મનમાં વિચારોનો ઝંઝાવાત જાગી ઊઠયો. શું હું પોતે મારો નાથ નહીં ? મારા પણ કોઈ નાથ છે ? કોઇ એવો માર્ગ અપનાવું કે જેથી મારો કોઈ નાથ રહે નહીં. પરાધીનતાનો આવો અંચળો કોઈ પણ ભોગે ફગાવી દેવાનો એણે નિશ્ચર્ય કર્યો.
માતાની આજ્ઞાાનું પાલન કરીને શાલિભદ્રે રાજા શ્રેણિકને નમસ્કાર તો કર્યા, પણ એના મનમાં ' આટઆટલાં ધન- વૈભવ વચ્ચે પણ પોતે પોતાનો માલિક નથી.' એ સવાલ કોરી ખાતો હતો. એવામાં શાલિભદ્રે ધર્મઘોષ મુનિનો ઉપદેશ સાંભળતાં જ્યાં પૂર્ણ સ્વાધીનતા છે એવા આત્મસાધનાના માર્ગે વિચરવાનો પ્રબળ સંકલ્પ કર્યો. કર્મશૂર આત્મા ધર્મશૂર થવા ઉત્સુક બન્યો. માતાને પોતાની દીક્ષા લેવાની ભાવનાની વાત કરી, ત્યારે માતાએ એને ધીરે ધીરે ધન અને પત્નીનો પરિત્યાગ કરવાની શિખામણ આપી.
કહ્યું કે ત્યાગનો આવો ક્રમિક અભ્યાસ જ તને સાચો ત્યાગી બનાવશે. એ પછી ચાલુ રહેલી માતાની વિનવણી, પત્નીઓની લાલચ અને સંસારની મોહકતા શાલિભદ્રને ચળાવી શકી નહીં.
શાલિભદ્રની બહેન સુભદ્રા એના ધનાઢય પતિ શેઠ ધન્નાશા સાથે રાજગૃહીમાં જ વસતી હતી. એ પોતાના પતિ પાસે બેઠી હતી ત્યારે શાલિભદ્રના ત્યાગનું સ્મરણ થઈ આવતાં એની આંખમાં આંસુ ઊમટી આવ્યાં. આ જોઈને શેઠ ધન્નાશાએ કહ્યું કે રોજ એક એક ત્યાગ કરવાથી શાલિભદ્રને કશું નહીં મળે. આ તો કાયરતા કહેવાય. દીક્ષા લેવી હોય તો લઈ જાણવી જોઈએ. સુભદ્રાએ ટોણો માર્યો કે કહેવું સરળ છે. ત્યાગ કરવો મુશ્કેલ છે.
પત્નીનાં આવાં વચનો ધન્નાશાના હૃદયમાં તીરની જેમ ભોંકાઈ ગયાં. એ ક્ષણે જ શેઠ ધન્નાશા સુભદ્રા અને બીજી સાત પત્નીઓને ત્યાગીને નીકળી ગયા. તેઓ શાલિભદ્ર પાસે ગયા અને કહ્યું કે ત્યાગમાં આવી કાયરતા ન શોભે.
પરિણામે જેમ કાંચળી ઉતાર્યા પછી સાપ એની સામે જોતો નથી તેમ બંને જગતની બધી માયા વીસારીને ચાલી નીકળ્યા. રાજગૃહીના નગરજનોએ સગી આંખે નિહાળ્યું કે અપાર વૈભવમાં ઊછરેલા શાલિભદ્ર અને ધનની છોળોની વચ્ચે જીવતા ધન્નાશા હવે શેઠ મટીને સાધુ બની ગયા હતા.
ભગવાન મહાવીર રાજગૃહી નગરીની બહાર સમવસરણમાં હતા ત્યારે શાલિભદ્ર અને શેઠ ધન્નાશાએ એમની પાસે આવીને દીક્ષા ગ્રહણ કરી. બંનેએ સુખ- સાહ્યબીમાં આળોટેલા પોતાના જીવનને સંયમના કઠોર માર્ગે ગાળવાનો દૃઢ સંકલ્પ કર્યો.
ભીતરમાં જાગેલા આત્મબળે એમને શરીરની સઘળી માયા, સુવિધા અને ચિંતા વીસરાવી દીધી. સાધુ બનીને, સ્વાધીન આત્માના પથિક બનીને સંયમની આરાધનામાં લીન થઈ ગયા.
ઉજ્જૈની નગરીના શંખરાજાની રાણી કલાવતીના જીવનમાં શીલપાલનની મહત્તા પ્રગટ થાય છે. માલવપતિ શંખરાજાની રાણી કલાવતી ગર્ભવતી થઈ અને તેના આનંદરૃપે મહેલમાં ઉત્સવનું આયોજન થયું. આ સમયે કલાવતીના પિયરથી એક પેટીમાં ભેટરૃપે અલંકારો આવ્યા.
કલાવતીના ભાઈએ આ અલંકારો મોકલ્યા હતા. આમાંથી અંધારામાં અજવાળું પાથરે તેવાં નંગજડિત કંકણ કલાવતીએ એના હાથ પર પહેર્યા. બીજી રાણીઓને આ જોઈને ઇર્ષા જાગી. એમણે રાજાના કાન ભંભેર્યા. એમ પણ કહ્યું કે રાજાએ રાણી-રાણી વચ્ચે ભેદ પાડયો. આવા સુવર્ણ કંકણ ક્યાંથી આવ્યાં એનું રહસ્ય સ્વયં રાજાના મનમાં ઘોળાતું હતું.
રાણી લીલાવતીએ શંખરાજાને કહ્યું કે તેઓ છુપાઈને એમની કલાવતી સાથેની વાતચીત સાંભળે. લીલાવતીએ કલાવતીને પૂછયું ત્યારે કલાવતીએ લાક્ષણિક રીતે કહ્યું,'' હું જેમને અત્યંત વહાલી છું તેમણે આ કંકણ મોકલ્યાં છે. મને રાત-દિવસ સદૈવ યાદ કરનારની આ ભાવભરી ભેટ છે.''
કલાવતીએ સીધેસીધું એમ ન કહ્યું કે આ કંકણ તો એના સગા ભાઈની ભેટ છે. આ સાંભળતાં જ શંખરાજા ક્રોધાયમાન થયા. એમને કલાવતીના શીલ પર શંકા જાગી. એના અગાઉના કોઈ પ્રેમીએ આ કંકણ ભેટરૃપે આપ્યાં હશે એમ માન્યું.
શંકા અને ક્રોધને કોઈ સીમા હોતી નથી. રાજાએ વિચાર્યું કે કંકણ સહિતના કલાવતીના બંને હાથ કાપી નખાવું. રથમાં બેસાડી ગર્ભવતી કલાવતીને લઇને ચાંડાલ નીકળ્યો.
રાજાએ કહ્યું કે તેઓ એને પિયર મોકલે છે, પરંતુ ઉજ્જડ ભૂમિમાં ચાંડાલે રથ ઊભો રાખ્યો. કલાવતીએ કહ્યું કે આ કંઈ મારા પિયરનો માર્ગ નથી, ત્યારે ચાંડાલે સાચી વાત કરી.
કલાવતી ઊંડો આઘાત પામી. જમણો હાથ એણે જાતે છેદી નાખ્યો અને ડાબો હાથ ચાંડાલે કાપી નાખ્યો. કંકણ સહિત કાપેલા બંને હાથ લઈને ચાંડાલ રાજા પાસે હાજર થયો.
કંકણ પર કલાવતીના ભાઈનું નામ જોઈને રાજાને પોતાના ઘોર અપરાધનો ખ્યાલ આવ્યો અને મૂર્છિત બની ગયો. એણે વિચાર કર્યો કે પોતે શીલવતી સ્ત્રી વિશે કેવી મોટી કુશંકા કરી ? શા માટે બંને હાથ કાપી નાખવાની નિર્દય આજ્ઞાા એમણે આપી ?
પશ્ચાત્તાપનો અનુભવ કરતો આ રાજવી ચંદનકાષ્ઠની ચિતા રચાવીને અગ્નિસ્નાન કરવા તૈયાર થયો. પ્રજાએ રાજાને એમ કરતાં અટકાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. બીજી બાજુ જે સમયે ચાંડાલે કલાવતીના હાથ છેદી નાખ્યા એ સમયે જ એણે પુત્રને જન્મ આપ્યો.
આ ઉજ્જડ ભૂમિમાં બાળકની કોઈ સંભાળ લેવાશે નહીં એમ વિચારીને કલાવતી આક્રંદ કરવા લાગી. એકાએક ઉજ્જડ ભૂમિમાં વૃક્ષોનું વન મહોરી ઊઠયું. સૂકી નદીમાં પાણી વહેવા લાગ્યું અને કલાવતીના બંને હાથ કંકણ સહિત પૂર્વવત્ થઈ ગયા.
આ સમયે એક તાપસ આવ્યો અને એણે એકલી- અટૂલી કલાવતીને જોઈ. તાપસ કલાવતીના પિતાનો મિત્ર હતો. કલાવતીનું વૃત્તાન્ત સાંભળતાં એને પ્રચંડ ક્રોધ જાગ્યો અને વિચાર્યું કે આવો કાળો કેર કરનારા શંખરાજાના રાજમાં ઉલ્કાપાત મચાવી દઉં !
સતી કલાવતીએ તાપસને વિનંતી કરી કે તમે મારા પિતા સમાન છો. કૃપા કરીને આટલા બધા ક્રોધાયમાન ન થશો. તાપસે કલાવતીને વસવા માટે અને એના બાળકને ઉછેર માટે વિધાબળથી આવાસ રચી આપ્યો.
આ સમયે વનમાંથી નીકળેલા કઠિયારાએ આ જોયું એટલે એ રાજાને કહેવા દોડયો. અગ્નિસ્નાન કરવા જતા રાજાને અટકાવતાં મંત્રીએ એક માસની મુદત માગી હતી અને રાણીને શોધીને પાછી લાવી આપવાનું કહ્યું હતું. રાજાને જાણ થતાં એ રાણી કલાવતીને લેવા આવ્યો.
એક વાર ધર્મધુરંધર સાધુ આવતાં કલાવતીએ પોતાના જીવન પર આવી પડેલી આપત્તિની વાત કરી. સાધુએ કહ્યું કે પૂર્વજન્મમાં એ રાજકુમારી હતી.
અને એણે એના બાણથી એક પંખીની પાંખો છેદી નાખી હતી. એ પંખી આ જન્મમાં રાજા બન્યો.પોતાના પૂર્વભવને અને કર્મની આવી ગતિ જાણીને રાજા અને રાણી બંનેએ નિર્મળભાવે સંયમનો માર્ગ લીધો અને સાધુતાના પાવન પંથે ચાલી નીકળ્યાં.