- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
આત્મસુધારણના અમૂલ્ય દસ્તાવેજ સમા જિનાગમ દ્વારા આગળ મનીષીએ અધ્યાત્મ અમૃતનું પાન કરાવ્યું છે. બીજા અંગસૂત્ર સૂયગડાંગ અજ્ઞાાનરૂપી અંધકારથી દુ:સાધ્ય એવા મોક્ષમાર્ગને બતાવનાર દીપક સમાન છે. આ સૂત્રકૃતાંગ સિદ્ધગતિરૂપ મંદિર ચડવાનાં સોપાન સમાન છે. હિતશિક્ષાની આ મંજૂષામાંથી કમળ તળાવડીના રૂપકને સમજવા જેવું છે.
એક કમળતળાવડી પાણી તથા કાદવવાળી, કમળોથી ભરેલી, રમણીય, મનોહર તથા દર્શનીય હતી. શ્વેતકમળો કમળની જાતોમાં શ્રેષ્ઠ ગણાય છે. કમળતળાવડીના બરાબર મધ્યભાગમાં સર્વ કમળોમાં શ્રેષ્ઠ એવું શ્વેતકમળ ઊગ્યું હતું. તે યોગ્ય સ્થળે ઊગેલું હોવાને કારણે તેજસ્વી અને રમણીય લાગતું હતું. પૂર્વ દિશામાંથી એક પુરુષ આવ્યો. તે પોતાની બુદ્ધિ પર વિશ્વાસ રાખી, કમળતળાવડીમાં આ શ્વેતકમળ લેવા ઊતર્યો, પરંતુ પુષ્કરિણીના મધ્યભાગમાં કળણમાં ફસાઈ ગયો. પછી દક્ષિણ દિશામાંથી બીજો એક પુરુષ આવ્યો. પોતાના અનુભવ પર વિશ્વાસ રાખી કમળપુષ્પ લેવા તળાવડીમાં ઊતરતાં અધવચ્ચે જ ઢળી ગયો. પશ્ચિમ દિશામાંથી આવેલ ત્રીજો અને ઉત્તરમાંથી આવેલ ચોથા પુરુષની પણ એવી જ વલે થઈ. ત્યારબાદ રાગદ્વેષથી પર, સંસાર પાર કરાવાની કામનાવાળો એક ભિક્ષુ ત્યાં આવ્યો. તેણે ઢળી ગયેલા ચાર પુરુષો જોયા. પછી પોતાની સાધનાબળ પરના દ્રઢ વિશ્વાસથી કિનાર પર ઊભાઊભા જ બૂમ પાડી, 'હે કમળ ! ઊડીને અહીં આવ.' તરત જ પેલું શ્વેતકમળ ઊડીને તેની પાસે આવ્યું.
કમળતળાવડી એ સંસાર છે, તેનું પાણી તે કર્મો છે. કાદવ તે રાગદ્વેષનો ભાગ છે. શ્વેતકમળો તે જનસમુદાય છે અને શ્રેષ્ઠ કમળ તે રાજા. વિવિધ પ્રકારના મતવાદીઓ તે ચાર પુરુષો છે. પેલો ભિક્ષુ તે સુધર્મ છે. ભિક્ષુકે પાડેલી બૂમ તે ધર્મોપદેશ છે. કમળનું ઊડીને આવવું તે પંચમગતિ કે નિર્વાણ છે. અર્થાત્ ધર્મ સિવાય આ સંસારમાંથી કોઈ મુક્તિ ન અપાવી શકે. આ વાદીઓ પોતે જ કર્મોનાં બંધનમાં બંધાયેલ હોય છે. બંદીવાનો બીજાને મુક્તિ કઈ રીતે અપાવી શકે ? જ્યારે એકમાત્ર ધર્મ જ આપણને તારી શકે છે.
રાગદ્વેષના કાદવથી અલિપ્ત શ્રેષ્ઠ શ્વેતકમળ બનવું હોય તો આશ્રયને રોકવા પડશે.
જીવસરોવરમાં પાંચ આસ્ત્રવ દ્વારોથી કર્મનું જળ વહી આવે છે. પ્રથમ આસ્રવ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો અર્થ છે મિથ્યાદર્શન, વસ્તુવિષયક યથાર્થ શ્રદ્ધાનો અભાવ અયથાર્થ શ્રદ્ધા, મિથ્યાત્વનું મુખ્ય કામ એ છે કે તે સુદેવ ગુરુ અને સુધર્મ પર જીવને શ્રદ્ધા કરવા દેતો નથી, પરંતુ કુદેવ, કુગુરુ અને કુધર્મ પર રાગ કરાવે છે. સુદેવ, સદ્ગુરુ અને સુધર્મ પરની શ્રદ્ધા જીવને સમ્યગ્ દર્શન સુધી લઈ જાય.
બીજો આસ્રવ અવિરતિ છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પ્રકારનાં અવ્રત સામે વ્રતી બઙગવાકું છે. ત્રીજો આસ્રવ કષાય છે. માયા અને લોભને રાગ સાથે સંલગ્ન, ક્રોધ અને માનની જોડી શકાય.
મિથ્યાત્વ આદિ સહાયકો દ્વારા રાગદ્વેષરૂપ કષાયો આત્મભૂમિ પર કબ્જો જમાવે છે. મમત્વ અને અહંકાર કષાયોનાં મૂળ છે. માત્ર કષાયોનો ઉપશમ કરવાથી આત્મા અકર્ષાયી નહિ બની શકે. એને તો જડમૂળથી ઉખેડવા પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે.
ચોથું આસ્રવ પ્રમાદ છે જે એક પ્રકારનો અસંયમ છે જે રાગદ્વેષને પૂર્ણ સહયોગ આપી આઠ પ્રકારનાં કર્મબંધનનું કારણ બનનાર પ્રમાદ બહારથી મિષ્ટ-મધુર છે. જેની પાસે દેશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજનકથાનો ખજાનો છે. ભૌતિક વિષયના આકર્ષણનું ખેંચાણ, ઊંઘ અને ઇન્દ્રિયોને સ્વચ્છંદ વિહાર પ્રમાદના લક્ષણ છે. આત્મજાગૃતિ અને સામયિક આ આશ્રવથી આત્માનું રક્ષણ કરી શકે. પાંચમો આસ્રવ અશુભ યોગ છે. એના ત્રણ ભેદ છે. પુદ્ગલોના અવલંબનથી પ્રવર્તમાન યોગ એ 'કાયયોગ' છે. કર્મવર્ગણાના આલંબનથી મનયોગ થાય છે.
શુભ યોગ પુણ્યકર્મનો આસ્રવ છે. અશુભ યોગ પાપકર્મનો આસ્રવ છે. અશુભ યોગ ભવભ્રમણ કરાવનાર છે. શુભ કર્મના આસ્રવથી પુણ્યના કારણે સ્વર્ગાદિ સદ્ગતિમાં જન્મ મળે છે. જીવે અસંખ્ય વર્ષો સુધી એ સુખ ભોગવવું પડે છે. એ અપેક્ષાએ શુભ કર્મોનો આસ્રવ મોક્ષમાર્ગમાં બાધક છે. આ વાત સાપેક્ષ દ્રષ્ટિથી સમજવાની છે. પુણ્યકર્મના કારણે મનુષ્યભવ, ઇન્દ્રિયોની પૂર્ણતા, સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાય છે, જે મોક્ષમાર્ગમાં સહાયક છે અને અંતે આત્માની એક એવી દશા આવશે કે પુણ્ય આસ્રવ પણ સહજપણે છૂટી જશે.
આસ્રવોને રોકવાથી જીવ શાંતસુધારસનું પાન કરી જીવમાંથી શિવ બનવાના રાજમાર્ગ પ્રતિ જઈ શકે છે.


