Get The App

પ્રભુજી તુમ ચંદન હમ પાની .

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
પ્રભુજી તુમ ચંદન હમ પાની                        . 1 - image

- સંત એટલે જે જગત સાથે તંત મુકી અને અનંત સાથે નાતો જોડે. મધ્ય કાલીન ભક્તિ પરંપરામાં ઘણા એવા સંતો થઈ ગયાં કે જેમણે અનંત સાથે નાતો જોડયો અને દરેક વ્યક્તિઓમાં પ્રભુ પ્રેમ જગાડયો તથા ભક્તિ માર્ગનો પ્રચાર-પ્રસાર કર્યો

સંત એટલે જે જગત સાથે તંત મુકી અને અનંત સાથે નાતો જોડે. મધ્ય કાલીન ભક્તિ પરંપરામાં ઘણા એવા સંતો થઈ ગયાં કે જેમણે અનંત સાથે નાતો જોડયો અને દરેક વ્યક્તિઓમાં પ્રભુ પ્રેમ જગાડયો તથા ભક્તિ માર્ગનો પ્રચાર-પ્રસાર કર્યો. આજે એવાં કેટલાંક સંતો વિષે વાત કરવી છે જે ભક્તિ માર્ગના પ્રચારક થયાં.

દક્ષિણમાંથી ભક્તિને ઉત્તરમાં લાવનાર ભક્તિ માર્ગનો પ્રચાર-પ્રસાર કરનાર એવા સંત રામાનંદ થયાં. ચારેય આચાર્યોમાં તેઓ વૈષ્ણવ પરંપરાના આચાર્ય અને શ્રી રામજીના ઉપાસક હતાં. ઈ.સ. ૧૩મી ૧૪ મી સદીમાં રામાનંદ થયાં. એમના માટે કહેવામાં આવ્યું છે કે, 'દ્રાવિડ ભક્તિ ઉપજી લાયે રામાનંદ.' સંત રામાનંદની પરંપરામાં જે-જે શિષ્યો થઈ ગયાં એમણે ભક્તિ માર્ગને વિકસિત કર્યો. જેમાં સંત કબીર, સંત રઈદાસ, મલુક દાસ, સંત તુલસીદાસ જેવા સંતો થયાં. 

સંત રામાનંદની એક પંક્તિ અહીં સ્મરણ થાય છે કે, 'જાતિ-પાતિ પૂછે નહીં કોઈ; હરિ કો ભજે સો હરિ કા હોઈ.' સંત રામાનંદની શિષ્ય પરંપરામાં રઈદાસ થયાં. સંત રઈદાસનું એક પદ પ્રસિદ્ધ છે - 'પ્રભુજી તુમ ચંદન હમ પાની.' ભગવાનને ચંદનની ઉપમા આપતાં આ પદમાં સંત રઈદાસે દાસ્ય ભક્તિને સ્થાપિત કરી છે અને પોતાની જાતને સેવક ગણાવી છે. 'પ્રભુજી તુમ સ્વામિ હમ દાસા; ઐસી ભક્તિ કરે રઈદાસા.'

આમ, રામાનંદની પરંપરામાં સંત કબીર થયાં, જેમણે નિર્ગુણ ઉપાસના ઉપર ભાર આપ્યો. કબીરના દોહાઓ એ આત્મજ્ઞાનને લગતાં અને ભગવાનની સર્વ વ્યાપક્તા પ્રગટ કરવાવાળા છે. સંત કબીર એમ માને છે કે, ભગવાન મંદિરમાં જ નથી પણ ઘટ-ઘટમાં છે. કબીરે પોતાની પંક્તિમાં વર્ણવતા કહ્યું - 'સબ ઘટ મેરો સાંઈયાં; ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી વા ઘટ કી; જા ઘટ પર ઘટ હોઈ.' અર્થાત્, ભગવાન તો બધી જ જગ્યાએ વ્યાપક છે. તમે જ્યાં બોલાવો ત્યાં પ્રેમથી પ્રગટ થાય. ઈ.સ. ૧૫મી સદીમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજી થયાં. મહાપ્રભુ વલ્લભાચાર્યજી અને ગોસાંઈજીએ ભક્તિને પુષ્ટિનું સ્વરૂપ આપ્યું. એ જ સમયે ચૈતન્ય મહાપ્રભુજી થયાં. ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા એમણે પ્રગટ  કર્યો. મહાપ્રભુશ્રી વલ્લભાચાર્યજીના કૃપા પાત્ર સુરદાસજી થયાં. જેમણે કૃષ્ણ ભક્તિ પર પદો રચ્યાં. સુરદારજીનું એક પદ પ્રસિદ્ધ છે કે, 'મૈયા મોરી મૈં નહીં માખન ખાયો.'

ઈ.સ. ૧૬મી સદીમાં સંત તુલસીદાસજી થયાં. જેમણે રામ ચરિત માનસ ગ્રંથ આપી રામ ભક્તિનો પ્રચાર-પ્રસાર કર્યો. ભગવાન રામજીના નામનો મહિમા પણ એમણે રામ ચરિત માનસમાં ગાયો. ઉત્તરકાંડમાં ચોપાઈ પ્રસિદ્ધ છે કે - 'કલજુગ કેવલ નામ આધારા, સુમિરિ સુમિરિ ઉતરહીં ભવ પારા.' અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ કઠીન છે, પણ કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ સરળ છે. વ્યક્તિ જો સાચા હૃદયથી ભગવાનના નામનો આશ્રય કરે તો તે તરી જાય.

મહારાષ્ટ્રની સંત પરંપરા જોઈએ તો, સંત જ્ઞાનેશ્વર થયાં. જેમણે ચાંગદેવ મહારાજને ઉપદેશ આપ્યો. ભગવત ગીતા ઉપર જેમણે પોતાના ભાવો વ્યક્ત કર્યાં. એ ભાવો જ્ઞાનેશ્વરી ગીતાના સ્વરૂપમાં સમાજ સુધી પહોંચ્યા. તુકારામના અભંગો એ પ્રસિદ્ધ છે. નામદેવ મહારાજની કૃષ્ણ ભક્તિથી કોઈ અજાણ નથી.

ગુજરાતની સંત પરંપરાઓ જોઈએ તો, સંત જલારામ બાપા - એમણે એક સૂત્ર આપ્યું. 'ટુકડો ત્યાં હરિ ઢુકડો.' આવા જ ભાવથી સંત કબીરે પોતાના દોહા માં લખ્યું - 'સાહેબ ઈતનો દિજીએ જામે કુટુંબ સમાય; મૈં ભી ભૂખા ન રહું અતિથિ ભૂખા ન જાય.' 

આમ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, દક્ષિણ અને મહારાષ્ટ્રની સંત પરંપરાએ હરિ રસની હેલી છલકાવી ભક્તિનું સ્વરૂપ પ્રગટ કર્યું. છેલ્લે બ્રહ્માનંદ સ્વામીની પંક્તિ સ્મરણ થાય કે, 'સંત પરમ હિતકારી, જગત માંહી સંત પરમ હિતકારી.' જ્યાં સુધી આવા સંતોની કૃપા આપણા ઉપર રહેશે તો નિશ્ચિત આપણું કલ્યાણ થશે, આપણે પ્રભુ પારાયણ બનીશું.અસ્તુ !.

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી