Get The App

ભગવાન વિષ્ણુના હજાર નામ છે એક-એક નામનો મહિમા છે હજાર નામોમાં સૌથી પહેલું નામ છે વિષ્ણુ

Updated: Feb 22nd, 2023

GS TEAM


Google News
Google News
ભગવાન વિષ્ણુના હજાર નામ છે એક-એક નામનો મહિમા છે હજાર નામોમાં સૌથી પહેલું નામ છે વિષ્ણુ 1 - image


- વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રની ફલશ્રુતિમાં કહ્યુ કે, 'ન વાસુદેવ ભક્તાનામ્ અશુભમ વિદ્યતે ક્વચિત.' આનો અર્થ એવો થાય છે કે, ભગવાન ક્યારેય પણ પોતાના ભક્તોનું અશુભ ઈચ્છતા નથી

આ પણી સનાતની પરંપરામાં ભગવાન વિષ્ણુની ઉપાસનાનું અનન્ય મહત્ત્વ છે. ભગવાન વિષ્ણુની ઉપાસના કરવા માટે અનેક સ્તોત્રો છે પણ, સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ સ્તોત્ર હોય તો તે વિષ્ણુ સહસ્ત્ર છે. જે સ્તોત્રની પુષ્ટિ આદિ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે પણ કરી છે. 

મહાભારતમાં અનુસાશન પર્વમાં દાન-ધર્મ પ્રકરણ છે. એ પ્રકરણમાં ભિષ્મ પિતામહ અને યુધિષ્ઠિરજીના સંવાદમાં આ સ્તોત્રનો ઉદ્ભવ થયો છે. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર ઉપર આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ પોતાનું ભાષ્ય કર્યું છે. આ સ્તોત્રની શરૂઆત યુધિષ્ઠિર મહારાજના પ્રશ્ન થી થાય છે. જેનાં શ્લોકો આ પ્રમાણે છે. 'શ્રુત્વા ધર્માન સેશેન પાવનાનિચ સર્વસ: યુધિષ્ઠિર શાંતનવમ્ પુનરેવાભ્ય ભાષત:, કિમેકં દૈવતમ્ લોકે કિં વાપ્યે કં પરાયણમ્ સ્તુવંતમ્ કંકમરચરતમ પ્રાપ્નોયુર માનવા શુભમ્ ; કોધર્મ સર્વ ધર્માણામ્ ભવત: પરમોમત: કિં જપત મુચ્યતે જંતુર જન્મસંસાર બંધનાત્.'  આ મહાભારતના અનુસાશન પર્વમાં દાન-ધર્મના ૧૫૯માં અધ્યાયમાં જન્મેજયને વૈશંપાયન ઋષિ કથા સંભળાવતા કહે છે. યુધિષ્ઠિરે ભિષ્મ પિતામહ પાસેથી સર્વ ધર્મોને શ્રવણ કર્યાં. તે પછી ધર્મરાજ યુધિષ્ઠિરે ભિષ્મ પિતામહને પ્રશ્ન કર્યો કે, આ સંસારમાં ક્યા દેવ ઉત્તમ છે!? ક્યા દેવનું પુજન કરવું? ક્યા દેવની સ્તુતિ કરવી? તમારા મત પ્રમાણે ધર્મનું સ્વરૂપ શું છે? 

આ પ્રશ્નોના ઉત્તરમાં ભિષ્મ પિતામહ જવાબ આપે છે કે, 'જગતપ્રભુમ્ દેવદેવમં અનંતમ પુરુષોત્તમમ સ્તુવનનામ સહસ્ત્રેણ પુરુષ: સહસો સ્થિત:, તમેવ ચાર્ચયન નિત્યમ ભક્ત્યા પુરુષ મવ્યયમ્ ધ્યાયન સ્તુવન નમસ્યંચ યજમાનસ ત્વમેવ ચ.' ભિષ્મ પિતામહ યુધિષ્ઠિરજી ને કહે છે કે, આ જગતમાં પુજા કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય ભગવાન વિષ્ણુ જ છે. જેમનું સ્વરૂપ અનંત છે, જે પુરુષોત્તમ છે અને ભગવાન વિષ્ણુનું ધ્યાન દરેક પ્રકારના કલ્યાણ કરવાવાળું છે. 

ભગવાન વિષ્ણુના હજાર નામ છે. એક-એક નામનો મહિમા છે. હજાર નામોમાં સૌથી પહેલું નામ છે વિષ્ણુ. વિષ્ણુ એટલે વ્યાપક. આ નામ એ સુચવે છે કે, ભગવાન માત્ર મંદિરમાં જ નથી પણ ઘટ-ઘટમાં છે. ભગવાનનું નામ 'ઋષિકેશ' છે. ઋષિકેશ એટલે ઈન્દ્રિયોના સ્વામી. ભગવાનનું નામ છે 'ઉપેન્દ્ર' એટલે ઈન્દ્રના અનુજ. ભગવાનનું નામ છે 'ભૂતાત્મા' એટલે ભૂત માત્રના આધારભૂત. ભગવાનનું નામ છે 'અચ્યુત' એટલે પોતાના કાર્યોથી ક્યારેય ચ્યુત ન થવા વાળા. 

તો વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રમાં ભગવાનના નામોનો મહિમા ગાવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ અજાણતા અગ્નિને અડે પછી ભલે ને તે ગમે તેવો હોય પણ અગ્નિ તેને બાળ્યા વગર રહેતો નથી. તેવી જ રીતે ભગવાનનું નામ જે કોઈ મનુષ્ય સાચા હૃદયથી લે કે અજાણતા લે તોય તે મનુષ્યના પાપનો નાશ કરવાવાળું છે.  

વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રની ફલશ્રુતિમાં કહ્યુ કે, 'ન વાસુદેવ ભક્તાનામ્ અશુભમ વિદ્યતે ક્વચિત.' આનો અર્થ એવો થાય છે કે, ભગવાન ક્યારેય પણ પોતાના ભક્તોનું અશુભ ઈચ્છતા નથી. શુભ જ ઈચ્છે છે. આપણે કોઈ કાર્ય કરતાં હોઈએ અને તે કાર્ય આપણાથી વિપરિત થાય ત્યારે માનવ પ્રકૃતિનો સ્વભાવ છે કે દોષ ભગવાનને આપે. પણ, ભગવાનનો દોષ ન માનતા ભગવાનનો સારો સંકેત છે એમ સમજીને જો આપણે ચાલીએ તો આપણે નિશ્ચિત આપણા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. માટે જ ભગવાન વિષ્ણુનંન નામ 'વિક્રમ' છે. જે અદ્ભુત પરાક્રમ કરવાવાળા છે.  

આ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર આપણને સૌને સમજાવે છે કે, મનુષ્યએ પોતાનો ધ્યેય નિશ્ચિત કરવો જોઈએ. યુધિષ્ઠિર મહારાજને શોક થયો હતો. એ શોકનું નિવારણ કરવા માટે ભિષ્મ પિતામહે ભગવાન વિષ્ણુના નામનો મહિમા ગાયો અને યુધિષ્ઠિરને પોતાનો ધ્યેય નિશ્ચિત કરવા પ્રેરિત કર્યો. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર ભૌતિક જગતના સુખ આપવાવાળું અને મોક્ષ પ્રદાન કરવાવાળું છે. 

પ્રવર્તમાન સમયમાં સિદ્ધપુરની પવિત્ર ભૂમિ ઉપર 'દેવ શંકર બાપા' થયા. જે તપસ્વી હતાં. તેમણે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો. માનો કે આપણે ભગવાનની પૂજા ન કરી શકીએ પણ ભગવાનના નામનો મહિમા આપણે ગાઈએ તો આપણાં ત્રિવિધ તાપોનું શમન થાય. ભગવાન વિષ્ણુ આપણા આ ત્રિવિધ તાપોનું શમન કરી ભક્તિ પ્રદાન કરે એ જ અભ્યર્થના...અસ્તુ !.

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :