- ભગવાન શ્રી વિષ્ણુના સાતમા અવતાર સ્વ-રૂપ શ્રીરામની જન્મતિથિ એટલે કે ચૈત્ર સુદ નોમનો દિવસ રામનવમીના તહેવાર રૂપે સમગ્ર ભરતવર્ષમાં ઉજવવામાં આવે છે.
ભ ગવાન શ્રી વિષ્ણુના સાતમા અવતાર સ્વ-રૂપ શ્રીરામની જન્મતિથિ એટલે કે ચૈત્ર સુદ નોમનો દિવસ રામનવમીના તહેવાર રૂપે સમગ્ર ભરતવર્ષમાં ઉજવવામાં આવે છે. શ્રીરામજીના જીવનકાળ દરમ્યાન આપણને આદર્શ રાજા, આદર્શ પુત્ર, આદર્શ બંધુ, આદર્શ પતિ અનેક માનવીય સંબંધોની આચાર સહિંતા દર્શાવી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું બિરુદ પ્રાપ્ત કર્યું ! શ્રીરામજીનું જીવન જેટલું ઉદ્દાત અને અદ્ભૂત છે. તેટલું સુગમ પણ છે. સમાજના નીતિ નિયમોનું રિવાજોનું તેમણે પરિપૂર્ણ પાલન કરી બતાવ્યું. એટલું જ નહિ કોઈપણ પ્રજાસત્તાક રાજ્યના રાષ્ટ્રાધ્યક્ષ માટે હોવા ઘટે એવા માન અને આદર શ્રીરામજીને લોક લાગણી અંગે છે. એ એમના જીવનમાંથી જાણવા મળે છે. મારું એક રાજા તરીકેનું જીવન પ્રજા ને માટે છે. આ ભાવના શ્રીરામજીએ ચરિતાર્થ કરી બતાવી. તેમના ત્યાગને પણ કોટિકોટિ વંદન કરવાનું હ્ય્દય ઈચ્છે..!
ભગવાન શ્રીરામ જન્મદિન ભારત દેશમાં ઉલ્લાસ ઉમંગભેર ઉજવે છે. અયોધ્યાપતિ મહારાજ દશરથના જયેષ્ઠ રાણી કૌશલ્યાની કુંખે શ્રીરામ આ દિવસે મધ્યાન સમયે જન્મ લઈ અવતર્યા. માતા સુમિત્રા અને કૈકયીની કુંખે જન્મેલા લક્ષ્મણ તથા ભરત અને શત્રુઘ્ન જેવાં ભાઈઓ પ્રત્યે શ્રીરામનો અજોડ બંધુપ્રેમ અનન્ય હતો. વિશ્વામિત્ર અને વરિષ્ઠ જેવાં મહાન ઋષિ ગુરૂઓ ધ્વારા શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાાનારોપાણ થયું. શ્રીરામ મિથિલા નરેશ રાજા જનક ની સુપુત્રી સીતાજી સાથે લગ્ન થયા પરંતુ જે હેતુ ધ્વારા તેમને માનવ અવતાર ધારણ કર્યો હતો. તે હેતુને સિધ્ધ પરિપૂર્ણ કરવા માટે વનવાસ જવું અનિવાર્ય હતું. તેથી રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય અરુ બચને ન જાય..! માટે અનુપમ કરી શકાય એવા જીવન સંઘર્ષ ખેલીને પોતાની અવતાર કાર્યને પૂર્ણ કર્યું. પ્રજાનાં હ્ય્દયમાં કદી વિચલિત ન બને તેવું અજર-અમર સ્થાન પ્રાપ્ત કર્યું.
રામનવમી ઉત્સવ ઉજવણી પ્રત્યેક વૈષ્ણવ પરિવાર અને રામજી મંદિરોમાં ભારે આનંદોલ્લાસથી તેમજ શ્રદ્ધા ભક્તિથી થાય છે. સુખી સંપન્ન વૈષ્ણવ પોતાના ઈષ્ટદેવ શ્રીરામ નો જન્મોત્સવ પોતાનાં ઘરનાં દેવમંદિરમાં પૂર્ણ જાહોજલાલી થી ઉજવે છે. ત્યારે પ્રત્યેક ગામ શહેરોમાં રામજી મંદિરમાં જન્મોત્સવ નિમિત્તે હજારો ભક્ત સમુદાયોની ઉપસ્થિતિમાં આરતી અને ઘંટારવનાં પ્રચંડ નાદ વચ્ચે ભગવાન શ્રીરામજીના જય જયકાર દ્વારા વાતાવરણને ગૂંજવી દે છે !
જેનાં નામ અને રૂપનાં ગુણગાન ગાતા દેશના સંતો, ઋષિઓ, મહંતો અને લોકો થાકતાં નથી, પ્રભુ શ્રીરામને મર્યાદા પુરુષોતમનાં સંબોધનથી આપણે સૌ સંબોધ્યા છે. કૌટુંબિક, સામાજિક, નૈતિક તેમજ રાજકીય મર્યાદામાં રહીને પણ જીવન આપણને પ્રેરણા આપી સમજાવે છે. માનવ ઉચ્ચ ધ્યેય અને આદર્શો રાખી મહાન શી રીતે થઈ શકે તે શ્રીરામે સ્વયંનાં જીવન ધ્વારા સ્થાપિત કર્યું. વિચારોમાં અને વ્યાવહારિક કાર્યોમાં માનવીય મર્યાદાઓ સ્વીકારીને વામનમાંથી દેવ અને પુરુષમાંથી પુરુષોત્તમ શી રીતે થવાય તે તેમનાં જીવન દ્વારા સમજાવ્યું. શ્રીરામ ભારતીય સંસ્કૃતિનું પ્રાણકેન્દ્ર છે. શ્રીરામ ભારતની જનતાનાં હ્ય્દય સમ્રાટ છે. ભારતની પ્રજા માટે રામ એ ફક્ત અક્ષરો નથી... પરંતુ... આસ્થા છે...!!
- લાલજીભાઈ જી. મણવર


