Get The App

જગતનું કલ્યાણ તત્ત્વ ભગવાન શિવ .

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
જગતનું કલ્યાણ તત્ત્વ ભગવાન શિવ                              . 1 - image

- ભગવાન શિવજી કહેવા માંગે છે કે, 'મૃત્યુથી ગભરાશો નહિં. સ્મશાનમાં તમારું સ્વાગત કરવા માટે હું ઉભો છું.' શિવ મહિમ્ન સ્તોત્રમાં વર્ણવ્યું કે, 'સ્માશાનેસ્વા ક્રિડા.' શિવ નામ એ કાઈક, વાચિક, માનસિક પાપોને નષ્ટ કરવાવાળું છે

ભગવાન શિવજીનું નામ એ જગતનું કલ્યાણ કરવાવાળું છે માટે વેદોમાં પણ કહ્યું - 'તત્મે મન: શિવ સંકલ્પમ્સ્તુ.' અર્થાત્ મહાદેવજીને પ્રાર્થના કરી છે કે, 'અમારું મન શુભ સંકલ્પોવાળું બને.' આપણી અંદર સાત્ત્વિક વિચારો એ જરૂરી છે. સાત્ત્વિક વિચારો દ્વારા જ વ્યક્તિ સત્કર્મ કરી શકે અને એ સાત્ત્વિક વિચારો આપવાવાળા ભગવાન શિવજી છે.  

જગતનું કલ્યાણ કરવા માટે મહાદેવજીએ સમુદ્ર મંથન સમયે કાલકુટ વિષને પણ પોતાના કંઠમાં રાખ્યુ. જ્યારે જ્યારે આ જગત ઉપર વિપત્તિ આવી ત્યારે ત્યારે એ વિપત્તિઓથી ભગવાન શિવજીએ  જગતનું કલ્યાણ કર્યું છે. જીવ અને શિવ આ બન્નેનો જો અર્થ સમજીએ તો જીવને ગમે તેટલું મળે પણ તે છતાંય જીવને સંતોષ નથી અને મહાદેવજી એટલે એક બિલિપત્ર અને લોટો જળ ચઢાવો એમાં પ્રસન્ન થવાવાળાં છે. ભગવાન શિવજી આપણને સૌને સમજાવે છે કે, લોભથી દૂર રહેવું. દરેક વ્યક્તિને પોતાની કક્ષા અનુસાર મળે જ છે. જેટલું મળે એમાં સંતોષ રાખવો એ શિવજી સમજાવે છે.

આજે આપણે મૃત્યુથી ગભરાઈએ છીએ. ત્યારે ભગવાન શિવજી કહેવા માંગે છે કે, 'મૃત્યુથી ગભરાશો નહિં. સ્મશાનમાં તમારું સ્વાગત કરવા માટે હું ઉભો છું.' માટે જ તો શિવ મહિમ્ન સ્તોત્રમાં વર્ણવ્યું કે, 'સ્માશાનેસ્વા ક્રિડા.' શિવ નામ એ કાઈક, વાચિક, માનસિક પાપોને નષ્ટ કરવાવાળું છે. લિંગપુરાણમાં વર્ણવ્યું છે કે, તમે યજ્ઞા કરો અને યજ્ઞા કરવાથી તમને જે ફળની પ્રાપ્તિ થાય તેનાંથી અનંતગણું ફળ મહાદેવજીના મંદિરને શુદ્ધ રાખવાથી મળે છે. અર્થાત્ મહાદેવજીની કદાચ પૂજા ન થઈ શકે તો શિવજીનું જે મંદિર છે એની સાફ-સફાઈ કરીએ એ પણ શિવજીની પૂજા છે. 

આધ્યાત્મિક રીતે વિચારીએ તો આ દેહ એ દેવાલય છે. દેહરૂપી દેવાલયમાં જે મસ્તક છે એ દેહરૂપી દેવાલયનું શિખર છે. એ મસ્તકમાં જે શિખા છે એ દેહરૂપી દેવાલયની ધજા છે. હૃદય એ દેહરૂપી દેવાલયનું ગર્ભગૃહ છે. એની અંદર જે આત્મા  છે એ શિવ છે. 

મહાદેવજીનાં બે સ્વરૂપો છે. નિષ્કલ અને સકલ. મહાદેવજી નિર્ગુણ સ્વરૂપે પણ છે અને સગુણ સ્વરૂપે પણ છે. ભગવાન શિવજીનું લિંગ એ નિર્ગુણ, નિરંજન, નિરાકાર, નિર્લેપનું પ્રતિક છે. મહાદેવજીનાં બન્ને સ્વરૂપોની પૂજા થાય છે. ભગવાન શિવજીનું લિંગ પણ પૂજાય છે અને મૂર્તિની પણ પૂજા થાય છે. ભગવાન શિવજીનું નામ છે પશુપતિ. તો પશુ શબ્દનો જો અર્થ સમજીએ તો એકતો પશુ, પંખી, પ્રાણિ બધાના નાથ એ શિવજી છે. પણ, એક અર્થ એવો પણ છે કે પશુ એટલે જીવ. આ જીવના જો કોઈ સાચા સ્વામિ હોય તો એ ભગવાન શિવજી છે. 

મહાદેવજી અને માતાજી એમના સંવાદમાં રામકથા પ્રગટ થઈ. તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે, 'રચિ મહેશ નીજ માનસ રાખા, તાહી સમય ઉમાસન ભાખા.' પાર્વતી માતાજીએ પ્રશ્ન પૂછયો તેના ઉત્તરમાં મહાદેવજીએ  રામકથા  પ્રગટ કરી.  એક  ગંગા  ભગવાન  શિવજીના  મુખમાંથી પ્રગટ થઈ અને એક ગંગા ભગવાન શિવજીની જટામાંથી પ્રગટ થઈ. ભગવાન શિવજીની જટામાંથી જે ગંગા પ્રગટી એમણે ભારતદેશને ધન્ય બનાવ્યો. પણ, ભગવાન શિવજીના મુખારવિંદમાંથી જે ગંગા પ્રગટ થઈ તેણે સમગ્ર વિશ્વને  પવિત્ર કરી દીધું. અને એ ગંગા એટલે રામ કથા. રામચરિતમાનસમાં વર્ણવ્યું છે કે, ભગવાન શિવજી પાર્વતી માતાજીને કહે છે કે, 'પૂછેહુ રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા.' આમ, જગતનું કલ્યાણ તત્ત્વ એ ભગવાન શિવ છે. એ કલ્યાણકારી ભગવાન શિવજીની કૃપા આપણા ઉપર રહે એ જ અભ્યર્થના..!

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી