ભગવાન શંકરે તો ઝેર પીધું હતું... !આપણે તો ખાલી જીવવાનું છે, યાર...!!!
Updated: Sep 13th, 2023
મો ટાભાગના માણસોને એમ જ લાગતું હોય છે અમો જીવીએ છીએ. ખાલી શ્વાસ ચાલતા હોય અને શ્વાસને લય-તાલ આપીને જીવવું એ બંનેમાં જીવી ખાવું અને જીવી જવું જેટલું જમીન-આસમાન જેટલું અંતર છે. એના પુરાવારૂપે લોકસમુદાયમાંથી એવા અવાજ આવતા હોય છે કે, આટઆટલા રૂપિયા છો તોય ઘણા લોકોને જીવતા નથી આવડતું. સુંદર મજાનું ફેમિલી હોવા છતાં અંદરખાને તો લોકો ઉભડક જીવતા હોય છે. અધ્ધર શ્વાસે જ રહેતા હોય છે. નોકરી ધંધાની, વ્યવહારની કે ઘૂંટડા મમળાવી, મમળાવીને સરખી રીતે જીવને જીવાડતા નથી હોતા.
જીવ એટલે શિવ. જો તમે તમારા જીવને આનંદ ન પમાડો તો તમે નાસ્તિક થયા કહેવાય. આસ્તિક માણસ તો સદાય પોતાના જીવને પ્રસન્ન રાખે, પ્રફુલ્લિત અને રંગમાં રાખે. કારણ કે તે પોતાના જીવને શિવ સમજે છે. આવા આસ્તિકને ડર હોય છે કે હું સમાજમાં વગોવાઈ ગયેલું કોઈ કૃત્ય કરીશ તો આત્માને, એટલે કે જીવને, એટલે કે શિવને ઈજા થશે. મારો અંદર બેઠેલો શિવ, મારો ભોળેનાથ ઘાયલ થાય એવું કૃત્ય તો શું, વિચાર પણ મંજૂર નથી મને.
આવી-આટલી સુંદરમજાની, રંગબેરંગી પૃથ્વી નધણિયાત ન થાય એટલા માટે ભગવાન શંકરે આપણે આવવાના હોવાથી, આપણા માટે જાણીને ઝેર પીધેલું છે. તેથી આપણે સૌ ભગવાન શિવનો જ અંશ છીએ. એ ન્યાયે સૌથી પહેલી આપણી ફરજ આપણા જીવને શિવ સાથે મુલાકાત થાય એ છે. શિવ સાથે મિલન કરવું હોય તો તમારો જીવ ખુશહાલ હોવો જોઈએ.
માણસ જીવે તો છે ખરો, પણ જિંદગીને ઝેર કરી નાખતો હોય છે. મારી તો જિંદગી ઝેર થઈ ગઈ છે એવી ફરિયાદ દરેકના મોઢેં સાંભળવામાં આવે છે. જો તમે તમારી જિંદગીને ઝેર જેવી સમજતા હો તો તમારો જીવ તો દુઃખી દુઃખી હોય. તમારા જીવનું પણ તમે ધ્યાન ના રાખી શકતા હો, તો, શિવ તો દૂરની વાત છે. ભગવાન શંકર તો ભોળાના હોય. એટલે જ તો એ ભોળાનાથ કહેવાય છે.
માત્રને માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓથી જ જીવાતું નથી. સૌ પ્રથમ તો ધર્મ જીવવો પડે. સનાતન ધર્મનું એ જ કહેવું થાય છે કે તમે તમારા જીવનું સાંભળો, તમારા જીવના કહ્યામાં રો, જીવ બાળશો નહીં, જીવને દુઃખી ના કરો. જીવ દુઃખી થાય એવી તમામ વાતો અને વિચારોથી દૂર રહો. તમને મળતા બીજા તમારા જેવા મનુષ્ય પ્રાણીઓના જીવને પણ ટાઢક-ઠંડક મળે એવું કંઈક બોલો જેથી તે પોતાના જીવને વ્હાલ કરવાનું ચાલું કરે. કેમ કે જે જીવને રાજી કરે તે આસ્તિક અને જે જીવને નારાજ કરે તે નાસ્તિક. જાતને પૂછો કે મને રાજી રહેતા આવડે છે.
- દિલીપ રાવલ