Get The App

દેવાધિદેવ મહાદેવ .

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
દેવાધિદેવ મહાદેવ                                   . 1 - image

આધ્યાત્મિકક્ષેત્રે આસો, અષાઢ, ચૈત્ર અને મહા- આ ચાર માસની ચાર નવરાત્રીઓનું મહત્વ સ્થાપિત થયેલું છે. દેવતાઓ અનેક છે પરંતુ દેવોના દેવ મહાદેવ નિરાકારી, પરમ, પિતા, પરમાત્મા એક જ છે. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ જીવ અને જગતના કલ્યાણ માટે ઝેરનું પાન કર્યું તેથી તે શિવ દેવાધિદેવ-મહાદેવ કહેવાયા. મહાદેવ દુષ્ટને નિગ્રહ તથા શિષ્ટને અનુગ્રહ કરનારા છે.

અન્ય દેવો માટે વરસમાં એક દિવસ જ્યારે શિવજી માટે 'મહાશિવરાત્રી' એક દિવસ ઉપરાંત આખો શ્રાવણ માસની વ્યવસ્થા જ શિવને દેવાધિદેવ તરીકે સ્વીકારવા પુરતી ગણાય. ઉપરાંત અન્ય દેવોની ઓળખ દેવી શક્તિથી થાય છે. જેમકે રાધાકૃષ્ણ, સીતારામ, લક્ષ્મીનારાયણ, સચિ પુરંદર.. વગેરે જ્યારે શિવજી ઉમા મહેશની સાથે શંકરપાર્વતી તરીકે પણ પૂજાતી હોવાથી 'મહાદેવ' નામને સાર્થક કરે છે.

શિવ એટલે કલ્યાણ, શંકર એટલે શાંતિ આપનાર, શંભુ એટલે ભલુ કરનાર. આવું શિવ તત્ત્વ અનાદિ અને સાર્વત્રીક છે. સર્વ વિદ્યાના પ્રણેતા શિવ તો જગતના આદી ગુરુ છે. શિકારીની પૌરાણિક કથા મુજબ અજાણ પણે કરેલો ઉપવાસ, જાગરણ અને શિવલિંગ પર બીલીપત્રના અભિષેકથી એક પારધી જેવાનું હૃદય પરિવર્તન થતું હોય તો સમજપૂર્વક કરેલું તો કેટલું લાભદાયક નીવડે ? હરણી પોતાના બચ્ચાને મળીને પાછી આવે છે આ કથા પ્રસંગનું જીવન દર્શન અને આદર્શ ખાસ ચિંતન-મનન કરવા યોગ્ય છે.

એક પશુ પ્રાણના ભોગે પણ પોતે આપેલું વચન પાળી બતાવે અને એક શિકારી પશુ ઉપર મોટો વિશ્વાસ મુકી એને જવા દે. એ વચન પાલન અને શ્રધ્ધા વિશ્વાસની ઘટના કળયુગના સમયમાં શિવભક્તો માટે પ્રેરણારૂપ બની રહે છે. ભક્તોને શિવજી ઉપર આવો શ્રધ્ધાવિશ્વાસ જરૂરી બને છે. લયમાં હંમેશા ઉત્ત્પત્તિનું બીજ રહેલું હોય છે. એક વસ્તુનો નાશ થયા વગર સંસારમાં બીજી કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી. ઉત્પત્તિ અને સર્જન માટે સંહાર અનિવાર્ય બની રહે છે. શિવજી સંહાર કાર્ય કરીને પણ સંસારનું કલ્યાણ કરે છે તેથી તે શિવ કહેવાય છે.

શિવના બે રૂપ છે. નિર્ગુણ (પ્રકાશમય જ્યોતિ) શિવ અલિંગ છે અને જગતકારણરૂપ (સગુણ) શિવ, શિવલિંગ છે. શિવ મુક્તિદાતા છે જે મૃત્યુ પર વિજય આપે, આવાગમન ટાળે, સદાસર્વનું કલ્યાણ કરે એ શિવ દેવોના દેવ સૌના ઇષ્ટ શિવ છે. એટલે જ હિન્દુધર્મના કોઈ પણ સંપ્રદાયીના મૃતક પાછળ છેલ્લે શિવાલયે દીવો પ્રગટાવાય છે, અને શિવદર્શને જાય છે. જીવતા ન જવાય તો છેલ્લે ક્રિયા માટે મડદાને સ્મશાને જવું પડે છે, જ્યાં શિવજીનો વાસ છે.

શિવજી સર્વવિદ્યાના નિધિ, સર્વ વિદ્યાના ઇશાન, અને જગતના ભર્તા, કર્તા અને હર્તા છે. જે દૃશ્યમાન છે તે સર્વે શિવમાથી ઉત્પન્ન થયું છે. એટલું જ નહિ શિવજીના ડમરૂમાથી સ્વર અને વ્યંજન-અવતર્યા હતા, ત્યાર પછી ભાષાની શરૂઆત થઈ.

પાર્વતી એટલે ચૈતન્ય શક્તિ, પ્રાણશક્તિ હું શવ (મડદા સમાન) છું. શિવપુરાણ સર્વ પુરાણોમાં મુખ્ય છે. ગાયત્રીમંત્રના ૨૪ અક્ષરના વ્યાપ તરીકે ૨૪૦૦૦ શ્લોક અને સાત સંહિતાના 'શિવપુરાણ'માં શિવજી અગીયારમાં રુદ્ર રૂપે હનુમાન તરીકે અવતર્યાનો ઉલ્લેખ છે. વાર મુજબ શિવ પૂજાનું ફળ મળે છે. 

સોમવારે ઘનલાભ, મંગળવારે સ્વાસ્થ્ય લાભ, બુધવારે પુત્રપ્રાપ્તિ, ગુરુવારે આયુષ્યમાં વૃધ્ધિ, શુક્રવારે ઇન્દ્રિય સુખ, શનિવારે સર્વ સુખાકારી, રવિવારે પાપ નાશક.

માનવ જીવાત્માનો મૂક્તિદાતા મંત્ર છે. ઓમ નમ: શિવાય અને ઓમ ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ । ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોમુક્ષીય મામૃતાત્. આ મંત્રના સહારે ભવબંધનમાંથી મુક્તિ મેળવીએ. શિવજીનું શરણું સ્વીકાર્યા વગર મનુષ્ય જીવાત્માનું મરણ કે પછીનો જન્મ સુધરતો નથી. ઓમ નમ: શિવાય.

- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ