Get The App

મહાભારતમાં શ્રીકૃષ્ણ-પ્રવેશ .

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
મહાભારતમાં શ્રીકૃષ્ણ-પ્રવેશ                                  . 1 - image

- દરેકની નજર રૂપસુંદરી દ્રૌપદીનું સૌંદર્ય જોવામાં મશગૂલ હતી ત્યારે શ્રીકૃષ્ણની નજર દ્રૌપદીને ટગરટગર જોઈ રહેલા આમંત્રિતો પર હતી

મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ મંગલાચરણમાં 'નારાયણ નમસ્કૃત્ય' કહી નારાયણને નમન કરે છે અને 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' (ઓમ કાર સ્વરૂપ ભગવાન વાસુદેવને નમન) કહી ચરણવંદના કરે છે. આ નારાયણ અને વાસુદેવ એ જ શ્રીકૃષ્ણ. પણ શ્રી વ્યાસજી શ્રીકૃષ્ણનો પાત્ર તરીકે પ્રવેશ ઠેઠ મહાભારતના આદિપર્વમાં કરાવે છે. સામાન્ય રીતે નવલકથા, નાટક કે સિનેમામાં લેખક કે દિગ્દર્શક મુખ્ય હીરોની એન્ટ્રી ધમાકેદાર, આકર્ષક કે જોરશોરથી કરાવે છે. પણ મહાભારતમાં શ્રીકૃષ્ણનો પ્રવેશ તદ્દન આ-નાટયાત્મક રીતે થાય છે. સામાન્ય વાચકની નજરેય ના ચઢે એમ દ્રૌપદીના સ્વયંવર પ્રસંગે પ્રથમ વાર શ્રીકૃષ્ણનો ઉપરછલ્લો ઉલ્લેખ થાય છે.

ધૃષ્ટદ્યુમ્ન પોતાની બહેન દ્રૌપદીના સ્વયંવરમાં પધારેલા મહાનુભાવોની યાદી આપે છે. આ યાદીની શરૂઆત 'દુર્યોધન, દુર્વિષહ.' થી થાય છે. લગભગ પંચાસી ધુરંધરોના નામ લીધા બાદ 'સંકર્ષણો વાસુદેવો' (આદિપર્વ)નું નામ ઉચ્ચારે છે. સંકર્ષણ એટલે બળરામ અને વાસુદેવ એટલે શ્રીકૃષ્ણ. ધૃષ્ટદ્યુમ્ન શ્રીકૃષ્ણનું નામ લેતી વખતે સહેજ અટકીને પૂજ્યભાવ રાખીને, સૌનું ધ્યાન દોરીને વિશેષ પરિચય નથી આપતો. બલ્કે ત્યાર પછી સારા ખોટાની યાદી લંબાવી બીજા એટલાં જ નામો જાહેર કરે છે.

ફૂલની કળી એક એક પાંદડીની મુલાયમતા જાળવીને ધીરે ધીરે ખીલે, ખીલીને સુગંધ ફેલાવે એમ મહાભારતકાર શ્રીકૃષ્ણની દિવ્યતાને સહજ સરળતાથી ઉન્નત થતી રજૂ કરવા માંગે છે. ધર્મ સંસ્થાપન ક્રિયામાં રસ્તે આવતા ગમે તેવા સંકટ પ્રસંગે એક એક પગલે આરોહણ કરી કેવી રીતે શિખર પર પહોંચાય તે દર્શાવવામાં શ્રીવ્યાસજીને રસ છે. જેથી તેમના જીવન તત્ત્વની ગરિમા જળવાઈ રહે. બેશક શ્રીકૃષ્ણ પૂર્ણ પુરૂષોત્તમ છે, દિવ્ય અવતાર છે. ધર્મગોપ્તા છે, જગદ્ગુરૂ છે પણ વ્યાસજી તેમને એક સાથે (Whole Package તરીકે) સર્વગુણથી સુશોભિત થયેલા ચમત્કારિક પાત્ર રૂપે રજૂ નથી કરતા. તેમને શ્રીકૃષ્ણની માનસિક શક્તિશાળી છટા રજૂ કરવામાં રસ છે, જ્યારે ખીચોખીચ ભરેલા રંગમંડળમાં દરેકની નજર રૂપસુંદરી દ્રૌપદીનું સૌંદર્ય જોવામાં મશગૂલ હતી ત્યારે શ્રીકૃષ્ણની નજર દ્રૌપદીને ટગરટગર જોઈ રહેલા આમંત્રિતો પર હતી. શ્રીકૃષ્ણનું ધ્યેય દુષ્ટોનો જડમૂળથી નાશ કરી ધર્મરાજ્યની સ્થાપના કરવાનું હતું. તે સમયના રાજાઓ અનૈતિક પ્રજા પ્રત્યે બેદરકાર અને ઐયાશ હતા. શ્રીકૃષ્ણની ઇચ્છા રાજસત્તાનું શુધ્ધિકરણ કરી તપસ્વી સત્તાનું પ્રસ્થાપન કરવાની હતી. પાંડવો ન્યાયી, ત્યાગી, પરાક્રમી અને ધર્મશીલ હતા. એમાંય યુધિષ્ઠિર તો ધર્મરાજ હતા. શ્રીકૃષ્ણએ મનથી નક્કી કર્યું હતું કે તે પોતાના અવતાર-કાર્યમાં પાંડવોનો સાધન તરીકે- નિમિતી તરીકે ઉપયોગ કરશે. એવી વ્યાપક માન્યતા હતી કે પાંડવો લાક્ષાગૃહમાં હોમાઈ ગયા છે. તેમના જીવતા હોવાની કોઈ ભાળ મળી નહોતી. પણ અહીં શ્રીકૃષ્ણની નજર રંગમંડળમાં તેમને શોધી રહી હતી. ત્યાં જ તેમની નજર પાંચ ભસ્મધારી બ્રાહ્મણો પર પડી. શ્રીકૃષ્ણને તેમની ભસ્મ પાછળ ધુંધવાયેલો ઝગારા મારતો અગ્નિ દેખાયો. તેમણે તરત બાજુમાં બેઠેલા બળરામને કહ્યું.' એષો જુનો નાત્ર વિચાર્યમસ્તિ... મોટાભાઈ હું કૃષ્ણ છું એ જેટલું સાચું છે એટલું જ સાચું એ છે કે તે અર્જુન છે !! ' જો કે આ પહેલાં શ્રીકૃષ્ણએ પાંડવોને કદી જોયા નહોતા. પણ શ્રીવ્યાસજી અહીં શ્રીકૃષ્ણની ચકોર નજર, અદ્ભૂત નિરીક્ષણ શક્તિનો પરિચય કરાવે છે. તેમને અંદાજ છે કે પાંડવો આવા હોવા જોઈએ. ગમે તેટલી ભીડમાં પણ અલગ તરી આવે. શ્રીકૃષ્ણને સંતોષ થયો. ત્યારબાદ દુર્યોધન, શલ્ય, અશ્વત્થામા, કલિંગરાજ, શિશુપાલ અને જરાસંઘ જેવા શક્તિશાળી પુરૂષોએ લક્ષ્યવેધ કરવાની કોશિશ કરી પણ પાછા પડયા. છેવટે બ્રાહ્મણવેશ ધારી અર્જુને લક્ષ્યવેધ કરવાની ઇચ્છા જાહેર કરી. ત્યાં બેઠેલા બ્રાહ્મણો ખુશ થયા. અર્જુન ધનુષ્ય પાસે ગયો. ધનુષ્યની પરિક્રમા કરી. વરદાયક ભગવાન શ્રીશંકરને મસ્તક નમાવી પ્રણામ કર્યા. (કૃષ્ણં ચ મનસા કૃત્વા જગૃહે ચાર્જુનો ધનુઃ) અને મનોમન શ્રીકૃષ્ણનું ચિંતન કરી ધનુષ્ય ઉઠાવ્યું. પ્રત્યંચા ચઢાવી અને પળવારમાં મત્સ્યવેધ કરી દીધો. સભામંડપમાં આનંદનો કોલાહલ થઈ ગયો. ફૂલો વરસ્યાં. રાજા દ્રુપદના હર્ષની સીમા ના રહી. દ્રૌપદીએ અર્જુનને વરમાળા પહેરાવી. હારેલા રાજકુમારોએ વિવાદ કર્યો, યુધ્ધ કર્યું પણ પાંડવો આગળ કોઈનું કંઈ ના ચાલ્યું.

વિધિ પતાવી દ્રૌપદીને લઈને પાંડવો પોતાના નિવાસ સ્થાને આવ્યા. ખરેખર પાંડવો ભિક્ષા માગવા ગયા હતા. એટલે ઝૂંપડીમાં દાખલ થતાં જ અર્જુને કહ્યું 'માતા, અમે ભિક્ષા લઈ આવ્યા છીએ.' માતા કુંતીએ જોયા વગર વાતનો મર્મ જાણ્યા વગર જ કહી દીધું.

(પ્રોવાચ ભુંગકતેતિ સમત્વ સર્વે) ભિક્ષા લાવ્યા છો, સારૃં. બધા ભાઈઓ મળીને વહેંચી લો. પણ જ્યારે બધા રૂબરૂ થયા ત્યારે આ અનુચિત વાતે સૌ દ્વિધામાં પડયા. આવી વાતનો શો નિર્ણય લેવો ? માતા કુંતી, યુધિષ્ઠિર અને બીજા પાંડવોએ લાંબી ચર્ચા કરી. પછી શ્રીવ્યાસજીના વિચારોને ધ્યાનમાં લઈ નિર્ણય લેવાયો. સર્વેષાં દ્વૌપદી ભાર્યા ભવિષ્યતિ હિ નઃ શુભા) કલ્યાણમયી દ્રૌપદી પાંડવોની પત્ની થશે. 'અહીં પણ મહાભારતકાર શ્રીકૃષ્ણને દ્રૌપદીના જીવન વિષે લેવાના નિર્ણયથી દૂર રાખે છે. અને નિર્ણય લેવાયા પછી શ્રીકૃષ્ણ પાંડવોને મળવા ઝૂંપડીમાં આવે છે. શ્રીકૃષ્ણના અવતારી જીવનમાં સૌથી ઉપર અગ્રતાક્રમે ધર્મ છે. તે સર્વપ્રથમ યુધિષ્ઠિરને પગે લાગે છે. કારણકે તે ધર્માત્મા છે. ત્યાર પછી ફોઈ કુંતીના ચરણ-સ્પર્શ કરે છે. પાંડવો સાથેની પ્રથમ મુલાકાત વખતેય શ્રીકૃષ્ણ સાથે કોઈ અગત્યની ચર્ચા થતી નથી. ઉપરથી પાંડવોની ઓળખ છતી ના થઈ જાય એટલે તરત પોતાની શિબિરમાં પાછા જતા રહે છે.

દર વરસની માફક આ વરસે પણ મંદિરોમાં જન્માષ્ટમી ઉજવાશે. ખરેખર આપણા ધબકતા હૃદયથી મોટું કોઈ જીવંત મંદિર નથી. એકવાર જો કૃષ્ણતત્વની સ્થાપના ત્યાં થઈ જશે તો જીવનભર ઉત્સવ જ ઉત્સવ ઉજવાશે.

- સુરેન્દ્ર શાહ