Get The App

સુદામાને શ્રીકૃષ્ણ ભગવાને 'માયા' બતાવી...

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
સુદામાને શ્રીકૃષ્ણ ભગવાને 'માયા' બતાવી... 1 - image

આત્મ સ્વરૂપનું વિસ્મરણ એ માયા છે. માયા જીવનને વળગેલી છે. માયા એટલે 'અજ્ઞાાન'. અજ્ઞાાનનો નાશ કરવો એ જરૂરી છે.

ભાગવત ગ્રંથના સ્કંધ બીજામાં સુદામાનો એક પ્રસંગ આવે છે.

સુદામાને 'માયા'નાં દર્શન કરવાની ઇચ્છા થઈ. તેથી શ્રીકૃષ્ણ પાસે ગયા ને માગણી કરી કે હે પ્રભુ! તમારી 'માયા'નાં મારે દર્શન કરવાં છે... તમારી માયા કેવી હોય ?

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, 'સમય આવે, દર્શન કરાવીશ. ચાલો, પહેલાં ગોમતી નદીમાં સ્નાન કરવા જઈએ.'

ભગવાને ગોમતીમાં ડૂબકી મારી, સ્નાન કર્યા પછી પિતાંબર પહેરવા માંડયા. હવે સુદામાએ ગોમતીમાં ડૂબકી મારી, ત્યારે પ્રભુએ પોતાની માયા બતાવી.

સુદામાજીએ ઊંડી ડૂબકી મારી. પછી તેમને લાગ્યું કે નદીમાં જાણે પૂર આવ્યું છે ને તે તણાવા માંડયા છે, ને વચ્ચે એક ઘાટ આવતાં તેનો આશરો લીધો ને આગળ ચાલતાં એક ગામ પાસે આવ્યા.

ત્યાં એક હાથણીએ સુદામાજીને ફૂલની માળા પહેરાવી. લોકોએ સુદામાને કહ્યું, 'અમારા દેશના રાજા મરણ પામ્યા છે. આ ગામનો કાયદો છે કે હાથણી જેને ફૂલમાળા પહેરાવે તે રાજા થાય. તેથી તમે અમારા રાજા થયા.

સુદામા રાજા થયા. એક રાજકન્યા સાથે લગ્ન પણ થયું. બાર વર્ષ સંસાર ચાલ્યો. બાર પુત્રો થયા પછી રાણી મરી ગઈ. સુદામા રડવા માંડયા.

લોકોએ સુદામાને કહ્યું, 'રડો નહિ. પત્ની સાથે હવે તમારે અગ્નિમાં પ્રવેશી સળગી જવું પડશે. આ અમારી 'માયાપુરી'નો કાયદો છે.'

સુદામાએ કહ્યું, 'મને એક વખત સ્નાનસંધ્યા કરી લેવા દો. પછી મને બાળજો.'

સુદામા તો ખૂબ ગભરાયા. પ્રભુને યાદ કરી, રડતાં રડતાં નદીમાંથી બહાર નીકળ્યા તે વખતે શ્રીકૃષ્ણ ભગવાન પિતાંબર પહેરી રહ્યા હતા. ભગવાને પૂછયું, 'કેમ રડો છો ?' સુદામા રડતાં રડતાં કહે, 'મારું આ બધું ક્યાં ગયું ? આ છે શું ? કંઈ સમજાતું નથી.'

ભગવાન કહે, 'સુદામાજી ! આ માયા હતી. મારા વિના જે તેં જોયું તે જ મારી માયા.'

'માયા' એટલે જે ન હોય અને બતાવે એ માયા. માયાના ત્રણ પ્રકાર છે :

(૧) સ્વમોહિકા, (૨) સ્વજનમોહિકા, (૩) વિમુખજનમોહિકા.

બ્રહ્મદ્રષ્ટિ રાખે તેને માયા પકડી શકે નહિ. માયા જીવને વળગી છે.

માયા નર્તકી છે. તે બધાંને નચાવે છે. માયાના મોહમાંથી છૂટવું હોય તો 'નર્તકી' શબ્દને ઉથલાવો એટલે થશે 'કીર્તન'. કીર્તન કરો... પ્રભુ સ્મરણ કરો એટલે માયા છૂટશે.

માયાને તરવા માયા જેની દાસી છે એ માયાપતિ પરમાત્માને જ પામવા પ્રયત્ન કરવો. માયાના ત્રાસમાંથી છૂટવા 'માધવરાય'ને શરણે જાવ.

मामेव यै प्रपधन्ते मायामेतां तरन्तिते ।।

ભગવાન કહે છે, 'મને જેઓ નિરંતર ભજે છે તેઓ આ દુસ્તર માયાને અથવા સંસારને તરી જાય છે. તેથી સર્વ સમયે, સ્થળે પોતાની શક્તિથી ભગવાન શ્રીહરિનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ.'