Get The App

રથારૂઢ ભગવાન જગન્નાથ

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
રથારૂઢ ભગવાન જગન્નાથ 1 - image

આપણા પુરાણોમાં ભગવાન જગન્નાથજીનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. સ્કંધ પુરાણ, વિષ્ણુ પુરાણ, શ્રીમદ્ ભાગવત આદિ પુરાણોમાં ઉત્તમ શ્લોક ભગવાનના ગુણો ગાવામાં આવ્યાં છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને માતા સુભદ્રાજી એ ભક્તો ઉપર અનુગ્રહ કરવાવાળા છે. શ્રીમદ્ ભાગવતજીમાં વિવિધ-વિવિધ પ્રસંગે ભગવાને રથનો ઉપયોગ કર્યો છે. પ્રથમ સ્કંધના દસમા અધ્યાયમાં જ્યારે ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા જાય છે ત્યારે ભગવાન રથમાં બેસી જતા હોય તેવો ઉલ્લેખ છે.

કુરુ, જાંઘલ, મત્સ્ય, આ બધા નગરોને ધન્ય બનાવતાં-બનાવતાં ભગવાન દ્વારિકા પહોંચ્યા છે. દશમ સ્કંધના એકતાળીસમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણના મથુરા પ્રવેશનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં પણ ભગવાન ગોકુળથી મથુરા રથમાં બેસીને ગયાં છે. દશમ સ્કંધના પચાસમાં અધ્યાયમાં જરાસંઘ સાથે યુદ્ધ કરવામાં આવે છે ત્યારે, મથુરામાં ભગવાને રથનો ઉપયોગ કર્યો  છે. દશમ સ્કંધના ત્રેપ્પનમાં અધ્યાયમાં રુકમણિ હરણ સમયે પણ ભગવાને રથનો ઉપયોગ કર્યો છે. 

ભગવાનના રથની અંદર ચાર અશ્વો છે. સુગ્રીવ, બલાક, મણિપુષ્પક અને શ્વેત. આ ચાર અશ્વો વાળો રથ એ ભગવાન શ્રીકૃષ્ણનો છે. એમના રથ ઉપર ગરુડનું ચિન્હ છે. એમના રથનું નામ નંદીઘોષ છે. ભગવાન શ્રીકૃષ્ણ એ જ ભગવાન જગન્નાથ છે. 

ભગવાન બલભદ્ર એ સંકર્ષણ સ્વરૂપ છે. આ સ્વરૂપ ધર્મની સ્થાપના કરવાવાળું છે. એમના રથ ઉપર હળનું ચિન્હ છે. એમના રથનું નામ તાલધ્વજ છે. જે કૃષિનો સંદેશ આપે છે. આપણી ભારતિય સંસ્કૃતિ એ કૃષિ અને ઋષિની સંસ્કૃતિ છે. 

સુભદ્રાજી એ ભક્તોનું કલ્યાણ કરવાવાળા છે. એમના રથ ઉપર કમળનું ચિન્હ છે. એમના રથનું નામ દર્પદલન છે અને બીજું પદ્મધ્વજ પણ કહેવાય છે. જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો ત્યારે ત્યારે ભગવાનની સાથે શક્તિ પણ પ્રગટ થયાં છે. અહીં સુભદ્રા માતાજી બહેન બની શક્તિ સ્વરૂપે પ્રગટ થયા છે, સુભદ્રા માતાજી બન્ને ભાઈઓ સાથે રથમાં બેસી ભક્તોનું કલ્યાણ કરવા નીકળે છે.  આ પ્રસંગ આધ્યાત્મિક તો છે જ પણ, સામાજિક દ્રષ્ટિકોણથી પણ આ પ્રસંગને સમજવો જોઈએ. 

ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી જ્યારે પોતાની બહેન સાથે છે ત્યારે એ સમજાય કે વ્યક્તિનું ક્ષેત્ર ગમે તેટલું ઉંચું હોય પણ એ ક્ષેત્ર એવું ન હોવું જોઈએ કે જે તેને પરિવારથી દૂર કરે. ભગવાન શ્રીકૃષ્ણના જીવન ઉપરથી આ જ શીખવાનું છે. એમણે અનેક કાર્યો કર્યાં. ધર્મની સ્થાપના કરી. પણ, આ બધાં કાર્યો કરતાં-કરતાં પણ એ પરિવારથી ક્યારેય દૂર નથી થયાં. 

આપણું ક્ષેત્ર ગમે તે હોય પણ થોડો સમય વ્યક્તિએ પોતાના પરિવાર માટે આપવો જોઈએ. ધન જરૂરી છે પણ, એ જીવન નથી. જીવન તો સાથે બેસી એક- બીજાની વાત શેર કરી સુખ-દુઃખની વહેંચણી કરવી અને પ્રભુ પરાયણ બનવું એ જીવન છે. વ્યક્તિએ પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે કરવી, આ બધું પરિવાર સાથે વિચારી શકાય. 

દશમ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણની દિનચર્યાનું  વર્ણન કર્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ પ્રાતઃસમય ઉઠે છે. પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન કરે છે. શ્રીકૃષ્ણ તો ભગવાન છે પણ આપણને કહેવા માંગે છે કે દરેક વ્યક્તિએ અંતે તો એ વિચારવું જોઈએ કે હું કોણ છું !? ભગવાન શ્રીકૃષ્ણના સમગ્ર પ્રસંગમાંથી આપણને વિવિધ-વિવિધ જીવન ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જ તો ભગવાન શ્રીકૃષ્ણ એ જગન્નાથ છે.  જો એ ના હોય તો આપણે બધાં અનાથ છીએ..! 

ભગવાન જગન્નાથ વર્ષમાં એક દિવસ એવો આવે છે કે ભગવાન પોતાના ભાઈ-બહેન સાથે ભક્તોને દર્શન આપવા માટે નિકળે છે. તો એવા ભગવાન જગન્નાથનો મહિમા સમજી આપણે ઘરને મંદિર બનાવીએ, પરિવારના સદસ્યોની અંદર પ્રેમ ભાવ રાખીએ, કોઈ નાનો નથી કોઈ મોટો નથી બધાજ સમાન છે એવા ભાવથી જીવન જીવી પ્રભુ પરાયણ બનીએ એ જ અભ્યર્થના...!