બૌદ્ધ ધર્મનાં પ્રણેતા ભગવાન શ્રી બુદ્ધ
- બૌદ્ધ ધર્મ જગતમાં એટલે મહાન છે કે એમાં શાંતિ, કરુણા, સંવેદના અને પ્રેમભાવનો બોધ છે
તથાગત બુદ્ધનું સમગ્ર ચિંતન બેજ શબ્દોમાં મુખ્યત્વે આવરી લેવાય. શિક્ષા અભ્યાસ અને જાગૃતતા જેનો બીજા શબ્દોમાં અર્થ થાય છે અપ્પો દીવો ભવો ઃ તમે તમારા પ્રકાશ બનો ! બૌદ્ધ પરંપરામાં એક પ્રશ્ન પર ખુબ જ ઉંડુ ચિંતન થયું છે, આ વિશ્વમાં શાશ્વત શું છે ? જેનો ઉત્તર બૌદ્ધ ધર્મમાં છે. પરિવર્તન સિવાય આ જગતમાં કશુંય શાશ્વત નથી. પરિવર્તનશીલતાની આવી ઉંડી સમજને આધારે ભગવાન બુદ્ધે 'અનિત્ય' શબ્દ પર ખુબ ભાર મૂક્યો. અનિત્યતાનું સૌન્દર્ય સમજ્યા વિના પરિવર્તનશીલતાનો મર્મ પામવાનું શક્ય નથી. 'તથાગત' બુદ્ધ એટલે શું ? 'તથાગત' મૂળ સંસ્કૃત અને પાલી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે, 'અનિશ્ચિતતા' ! બૌદ્ધ ભાષામાં એના આઠેક અર્થ કરવામાં આવ્યા છે. જેમાંનો સૌથી પ્રચલિત અર્થ થાય છે, જેવા તેઓ આવ્યા હતા (તથા), તેવા જ ચાલ્યા ગયા. (ગત્) અર્થાત્ ઈતિહાસનાં બુદ્ધ પામેલા અગાઉ આવેલા, પણ એ સૌ વચ્ચે ભગવાન બુદ્ધ એક જ થયેલા. ત્યારબાદ મહાયાન બૌદ્ધવાદમાં 'તથાગત'નો એવો અર્થ કરવામાં આવેલો કે દરેક મનુષ્યની ભીતર બૌદ્ધ પ્રકૃતિ છૂપાયેલી છે. જાતે જાગૃત થાય તો તે 'બૌદ્ધિસત્ત્વ' કહેવાયા.
'સંબોધિ' પ્રાપ્ત થઈ ત્યારે તથાગત બુદ્ધને ચાર આર્યસત્યો જ્ઞાાત થયા. આ જગત દુઃખમય છે. જેનું કારણ પણ છે, એ ઉપરાંત દુઃખોનો ઉપાય છે, જે પ્રયત્ન કરવાથી શક્ય બને છે.
ભગવાન બુદ્ધમાં કાલખંડના સમયમાં, કર્મકાંડનાં નામે દંભ અને પાખંડ પરાકાષ્ટાએ હતા. છતાં પણ ભગવાન બુદ્ધે એના વિષે કંઈ કહેવાને બદલે તેઓ પોતાનાં માર્ગ દ્રઢ સંકલ્પ સાથે ચાલતા રહ્યા. એમણે પોતાના સમગ્ર જીવનકાળમાં, મૈત્રી, સત્ય, કરુણા અને અહિંસા જેવી ઉચ્ચ ભાવનાઓને મોટું મહત્ત્વ આપ્યું. તેઓ પોતાના અનુયાયીઓને હંમેશા કહેતા. ક્રોધ છોડીને કરુણા પ્રગટાવો. અસત્ય અને દંભ ત્યાગીને સત્યની આરાધના કરો. વેરઝેરના વાવેતર કરવાનું છોડીને પ્રેમ અને સ્નેહની સરવાણી વહાવો.
ભગવાન બુદ્ધની કરુણા અદ્ભુત હતી. એ સમયે યજ્ઞામાં થતી નિદર્ય હિંસા રોકવા માટે તેઓ બધું કરી છૂટતા. બુદ્ધ ભગવાનનાં બૌદ્ધ ધર્મમાં 'કરુણા' ભાવ કેન્દ્રમાં રહેતો. એમના અનુસાર કરુણા એટલે સંસારનાં માનવો પ્રત્યે પ્રેમ એ સિવાય પણ ભગવાન બુદ્ધ કરુણાથી આગળ જઈને મૈત્રીનો ધર્મ સમજાવ્યો. બુદ્ધ ભગવાન કહેતા માનવમાત્ર પ્રેમથી પણ આગળ વધીને, પ્રાણી માત્ર સાથે મૈત્રી ભાવના રાખે.
તેમના શબ્દોમાં, "ભિક્ષુઓ ! મૈત્રીના ધારા હંમેશા પ્રવાહિત રહેવી જોઈએ. તમારું મન ધરતીની જેમ દ્રઢ રહેવું જોઈએ. વાયુની જેમ સ્વચ્છ રહેવું જોઈએ અને નદીનાં જળની જેમ ધીર ગંભીર રહેવું જોઈએ. જો તમે મૈત્રીપૂર્ણ સ્વભાવ રાખવા પ્રયત્ન કરશો તો કોઇપણ વ્યક્તિ તમારી જોડે ગમે તેવું અપ્રીતિકર વર્તન કરે, તો પણ તમે વિચલિત થશો નહીં.
બૌદ્ધ ધર્મ જગતમાં એટલે મહાન છે કે એમાં શાંતિ, કરુણા, સંવેદના અને પ્રેમભાવનો બોધ છે.