- કોઈપણ સવાલનો અંદરથી વિચાર ન કરતા બહારથી વિચાર કરવાની આપણને ટેવ જ પડતી જાય છે. ગાંઠ છોડવી હોય ત્યારે તે અંદરથી ઉકેલવી પડે છે. બહારથી ખેંચતાણ કરવાથી છૂટી જવાને બદલે તે વધારે ને વધારે મજબૂત થઈ બેસે છે. એ આપણને સમજાતું નથી
નરસિંહ મહેતાનું એક ભજન છે કે, આપણે આપણો ધર્મ સંભાળવો. આપણી નજર આપણા જીવન ઉપર આપણા આત્મદર્શન ઉપર નથી હોતી. પણ બીજાના ગુણ-દોષો જોયા કરીએ છીએ. આપણે આપણી જાતને સુધારવા-વ્યસનમુક્ત રહેવામાં શ્રદ્ધા-વિશ્વાસ કેળવવામાં જેટલા મથીએ છીએ. ચિંતન કરીએ છીએ. સુધારવા પ્રયત્નો કરીએ છીએ તેના કરતા બીજાના ગુણ-દોષો જોવા માટે, ચર્ચાઓ કરવા માટે મોટાભાગની ઇશ્વરે આપેલી અમૂલ્ય જિંદગીને વેડફી નાખીએ છીએ. આપણે આપણું જીવન સુધારીએ - દ્રષ્ટિમાં દિવ્યતા લાવીએ તો દુનિયા સુધરેલી દેખાય.
દ્રષ્ટાંત : વિનોબા ભાવે દ્રષ્ટાંત આપતા કહે છે કે 'કોઈ એક પૈસાદારનો છોકરો સહેજ એક વખત રમવા ઘરની બહાર નીકળ્યો હતો. આ તરફ સૂર્યનારાયણની શાંત તપશ્ચર્યા આકાશમાં ચાલુ જ હતી. બાબો હતો બહુ નાજુક અને સુંવાળો. પગ દાઝવા લાગ્યા. તેથી તે દુનિયાનો દોસ્ત (મિત્ર-સૂર્ય) પણ તેને દુશ્મન જેવો લાગ્યો. પૈસાદારનો જ છોકરો રહ્યો. આખરે ભેજુ વાપરવામાં બાબો એક્કો હતો. તેથી તેણે એક તુક્કો શોધી કાઢયો કે બધી જમીન ઉપર ચામડુ પાથરી દીધું હોય તો પગ ન દાઝે. તરત જ ઘરે આવીને પોતાની કલ્પના તેના બાપને કહી, બાપને બાબાની કલ્પના સાંભળીને સાભિમાન આનંદ થયો. પણ તે આનંદને રોકીને તેણે કહ્યું, 'અરે ગાંડા, આખી પૃથ્વીને ચામડું પહેરાવવા કરતાં તું જ તારા પગમાં જોડા પહેર એટલે થયું.' આપણી સ્થિતિ આ પૈસાદારના મુરખ છોકરા જેવી છે. તેથી આકાશને પણ બાથમાં લાવાની મોટી મોટી કલ્પનાઓ આપણને સૂઝે છે. પણ સાદા, સરળ અને સહેલા ઉપાયો સૂઝતા નથી. કોઈપણ સવાલનો અંદરથી વિચાર ન કરતા બહારથી વિચાર કરવાની આપણને ટેવ જ પડતી જાય છે. ગાંઠ છોડવી હોય ત્યારે તે અંદરથી ઉકેલવી પડે છે. બહારથી ખેંચતાણ કરવાથી છૂટી જવાને બદલે તે વધારે ને વધારે મજબૂત થઈ બેસે છે. એ આપણને સમજાતું નથી.
- ડો. ઉમાકાંત જોષી


