- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
શ્રી પરચુરે શાસ્ત્રી સેવાભાવી કાર્યકર્તા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન સેવા અને પરોપકારમાં સમર્પિત કર્યું હતું. કર્મવિપાક અને સંયોગને કારણે તેને રક્તપિત્તનો રોગ થયો એટલે તેમણે દરેક સામાજિક સેવા-પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું પડયું. મહાત્મા ગાંધીજીએ તેમને સેવાગ્રામ આવીને રહેવાનું કહ્યું. ગાંધીજી જાતે તેમની સેવા-શુશ્રુષા કરતા હતા.
એક દિવસ ગાંધીજી પરચુરે શાસ્ત્રીની સેવા કરતા બેઠા હતા. એટલામાં એક ભાઈ આવ્યા. તેણે ગાંધીજી પાસે એક તરંગી વિચાર પ્રસ્તુત કર્યો, ''બાપુ, રક્તપિત્ત માટે મેં એક ઔષધિ વિશે જાણ્યું છે. આમાં કેટલું સત્ય કે તથ્ય છે તે તો એ ઔષધિનો અનુભવ કર્યા પછી જ જાણી શકાય. આ ઔષધિનો પ્રયોગ કરવાની આપણી પાસે અત્યારે તક છે.''
''એક જીવતો સાપ પકડીને તદ્દન નવા કોરા માટીના ઘડામાં બંધ કરી અને આગમાં એને ખૂબ તપાવવામં આવે. એને એટલો તપાવવામાં આવે કે સાપ બળીને ભસ્મ થઈ જાય. આ બળેલા સાપની રાખ-ભસ્મનો ઉપયોગ, આ દર્દ પર કરવામાં આવે તો સંભવ છે કે રક્તપિત્તના દર્દમાં તેમને રાહત થાય.''
આ પ્રયોગની વાત સાંભળી અને ગાંધીજીએ ભીતરની વેદના દબાવી બહારથી હસતાં હસતાં પરચુરે શાસ્ત્રીને પૂછયું કે, ''શું શાસ્ત્રીજી, આ પ્રયોગ કરવાની આપની ઈચ્છા છે ?''
શાસ્ત્રીજીએ કરુણ સ્વરમાં કહ્યું કે, ''બાપુ! સર્પને સ્થાને મને ભસ્મ કર દેવામાં આવે તો શું વાંધો છે ? બિચાર સર્પનો શું અપરાધ છે કે તેને જીવતો બાળી નાખવામાં આવે ?''
શાસ્ત્રીજીનો જવાબ સાંભળી ગાંધીજીના ચહેરા પર સંતોષનું સ્મિત ફરક્યું. થોડી વાર પછી આંખમાં આશ્રુબિંદુ સાથે શાસ્ત્રીજીએ કહ્યું કે, ''બાપુ! ગયા જન્મમાં મેં પાપ કર્યા હશે. એ પાપકર્મના ઉદયને કારણે હું આ દર્દ ભોગવી રહ્યો છું, છતાંય આ જન્મમાં નિરઅપરાધી જીવને પીડા આપતા મને આગળના જન્મમાં શું શું ભોગવવું પડશે ? કોઈ નિર્દોષ જીવને મારવા કરતાં હું સ્વયં આગમાં બળીને ભસ્મીભૂત થઈ જાઉં તે જ યોગ્ય છે.''
અહીં એ સ્મરણ નોંધવું પ્રસ્તુત છે કે, ગાંધીઆશ્રમોમાં સત્ય અને અહિંસા પાયાના આદર્શો છે. ફિનિક્સ, ટોલ્સટોય ફાર્મ અને સાબરતી આશ્રમ આ ત્રણે જગાએ અવાવરું જમીનમાં વસવાટ કરવો પડયો, છતાં સર્પદિક હિંસક જીવોને ન મારવાના નિયમનું યથાશક્તિ પાલન કરવામાં ગાંધીજી સફળ થયા હતા. ભગવાન મહાવીર અહિંસાના પુરસ્કર્તા હતા. તેમણે કહ્યું, ''દરેકને પોતાના જીવનનો અધિકાર છે, માટે પ્રત્યેક જીવના અસ્તિત્વનો સ્વીકાર કરવો, આ વાતમાં જીવદયા અને અહિંસ અભિપ્રેત છે.''
એકવાર વિદેશમાં એક સ્થળે પ્રવચન આપીને પાછા ફરતા સ્વામી વિવેકાનંદને એક ઉદ્યોગપતિએ, પોતાનું વિશાળ કારખાનું જોવા આવવા માટે વિનંતી કરી. તે મહાનુભાવે કારખાનાના અલગ અલગ વિભાગો બતાવતાં અને તેની વિશિષ્ટતા પણ જણાવતા જતા હતા. હવે એ એક વિસ્તૃત કતલખાના વિભાગમાં જઈને કહે કે, ''સ્વામીજી, અહીંઆ વિભાગમાં અમારી પાસે અદ્યતન ટેકનોલોજીવાળી યંત્રસામગ્રી છે કે એના જેવી વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે.'' આ વિભાગની વિશેષતા બતાવતાં તેણે કહ્યું કે, ''આ ભેંસને આ મશીનના શરૂઆતના ભાગમાં નાખવામાં આવે તો મશીનના બીજા છેડાથી તૈયાર પેકેટો નીકળશે જેમાં તેના હાડકાં, માંસ, શીંગડાં, લોહી, ચામડી વિગેરેના અલગ અલગ પેકિંગ કરેલા પેકેટ્સ નીકળશે.'' આટલું કહી માલિકે ગર્વભરી નજરે સ્વામીજી સામે જોયું. તેને હતું કે હમણાં સ્વામીજી તેને શાબાજી આપશે.
સ્વામીજીએ કહ્યું, ''મહાનુભવ, એ તો મેં જાણ્યું કે, એક જીવતીજાગતી ભેંસ થોડા સમયમાં અલગ અલગ પેકેટોમાં વિભક્ત થઈ જાય તેવી તમારી આધુનિક યંત્રણા છે, પરંતુ આ પેકેટોમાંથી ફરી પાછી તમે જીવતી ભેંસ ઊભી કરી શકો?''
માલિક શું બોલે ?
સ્વામીજીએ ગંભીરતાથી કહ્યું ભાઈ, જેને આપણે જીવાડી શકતા નથી તો સૃષ્ટિના કોઈ પણ જીવને મારવાનો આપણને અધિકાર નથી.
ખિન્ન વદને સ્વામીજીએ વિદાય લીધી.


