આજે લોકોના જીવનમાં ખાનગી અને જાહેર એવા બે અલગ ભાગલા પડી ગયા છે. અંદર કંઈક અને બહાર કહેવાની વાત કંઈક જુદી. આથી છેવટે આવા લોકોનું આંતરિક જીવન કલુષિત થઈ જાય છે. પછી એને બે વિભાગમાં જીવનમાં કાયમ જાળવી રાખવા પડે છે. જીવન તો સરળ હોવું જોઈએ. તમે એકલા હો કે સભામાં હો જેવું એકાંતમાં રાખો એવું જ સમાજમાં વર્તો, બોલો, વિચારો આ વગર તમારો આરો નથી. જ્યાં સુધી આવું જીવન આપણે નહીં બનાવીએ ત્યાં સુધી માનવ સમાજ ઉંચો નહીં આવે. અને સમાજ જો ખરાબ હશે તો ગરમ તથા ઉપર પાણીનાં ટીપા પડતાં જેમ છમ બોલી ઉડી જાય છે એમ ધર્મનાં અમૃતબિંદુઓ એવા સમાજ ઉપર પડતા જ તે બળી જશે. માટે આપણું કાર્ય એ છે કે સમાજને સુંદર બનાવવો ને સ્વસ્થ બનાવવો. જીંદગીમાં આવી દીવાલોના અંતરાયો બહુ જ ખરાબ છે. એ હંમેશા માણસને નડે છે. એ દીવાલ તૂટી જાય તો બધું બરાબર દેખી શકાય. ખાનગી અને જાહેર એવા વિભાગો આપણા જીવનમાં આડી આવતી દીવાલો છે.
જો તમે જીવન બરાબર ગાળતા હશો તો એકાંતમાં કે જાહેરમાં તમે બોલતા હશો ત્યારે બીજાને જોઈ તમારે વાત બદલવી નહીં પડે. પછી તો તમને થશે કે એક ને બદલે બદલે બે ચાર જણ તમારી વાતો સાંભળે. હું પુછું છું કે તમે ક્યાં સુધી આમ પરાયા લોકોની ટીકાની બીકમાં જીવશો? જીવનનાં આવા બે કૃત્રિમ વિભાગોને છોડી તમારી જાતને ધ્યાનમાં લો. અને બેઉ સ્થળે એક જ રીતે વર્તો તો જીવનમાં કશી મુશ્કેલી નહીં લાગે. તમારી વાતમાં જાહેર ખાનગીનાં આવા બે વિભાગ ન હોવા ઘટે. તમે જે એકને કહો તે જ જગતને કહો, જગતને કહો તે એકને કહો આવું થશે તો તમને ખૂબ મજા આવશે અને પછી તમે ગમે ત્યાં અને ગમે ત્યારે બીક વગર બોલી શકશો. આજે તો માણસોનાં જીવન છછૂંદરનાં જેવા બની ગયા છે. એવા લોકો તો દરમાં જ પડયા રહે છે. પણ યાદ રાખો કે આપણે તો મનુષ્ય છીએ. જો મનુષ્ય જીવનમાં આવીને પણ આપણે છછૂંદર તરીકે જીવીશું તો માનવ-જીવન ક્યારે જીવીશું ? માટે જીવનનો રસ્તો નક્કી કરી પછી જીંદગી જીવવામાં ઓર આનંદ આવશે. આજે આપણા જીવનમાં આનંદ નથી રહ્યો તેથી જીવન ભારે અને દુ:ખદ લાગે છે. પણ જીવનમાં આદર્શ નક્કી થશે તો પછી જીંદગીમાં કંટાળો, થાક નહી લાગે. આપણે વિચારવાનું છે કે માણસ આજે આવો નાનો કેમ થઈ ગયો છે ? કયે કારણે થઈ ગયો છે ? ખાવાના, પહેરવાના, રહેવાના સાધનો આપણને મળ્યા છે છતાં આપણે જીવનને બગાડીએ છીએ. તો પછી સુધરવાની તક ક્યાં રહી ? માણસને જો જીંદગી જીવવાનો અર્થ ન આવડે તો માનવજીવનનો અર્થ શો ? આપણે આટલા બધા વર્ષો કાઢયા, ગાળ્યા તો શું બાકીના વર્ષો પણ હજી આમ જ કાઢવા છે ? માટે શાંતિથી વિચારો કે આટલા વર્ષોનો શો કસ કાઢયો ? અને બાકીનાં વર્ષોમાં શો કસ કાઢશો?
આપણી સોના જેવી જીંદગી ચાલી જાય છે. બાલ્યકાળ ગયો, યૌવન ગયું, વૃદ્ધાવસ્થા પણ જવા બેઠી છે તો હવે તો જરા નચિંત થઈને અંતરનો આનંદ માણો. ઘડપણ એટલે આરામ, ભાર ઉતારીને બેસવાનું ! તો જ ખરો આનંદ આવશે ! ના અત્યાર સુધી જે ભાર વેંઢાર્યો વિતિ ગયો તે ભારને હલકો કરવાનો છે. જીવનની હરેક પળ સરસ છે. જો જીવતા આવડે તો બાલ્યકાળનું હાસ્ય યુવાનીમાં લાવવાનું છે અને યુવાનીની તાકાત ઘડપણમાં લાવવાની છે. શાસ્ત્રોનો સાચો સંદેશ એ છે કે હાથમાં વસ્તુ, દ્રવ્ય આવી જાય તો ભલે લઈ લો પણ એની પાછળ ના પડી જાઓ. જીવન જીવવા માટે જે સહજ માં મળી જાય તેનો ભલે સ્વીકાર કરો પણ એની ઝંખના ના કરો. જેમ પ્રેમી પ્રેમિકા માટે કરે તેમ આપણે તો જીવનનો આરો-કિનારો શોધવા નીકળ્યા છીએ. અને એ જ જીંદગીનો ખરો હેતુ છે. જીવન એ પણ માનવ જીવન કંઈ ઘરમાં પડી રહીને જીવવાનું નથી. પણ માનવી તરીકે મળ્યું છે. રાફડામાં રહેલ ભોરિંગની જેમ ભર્યુંભર્યું અને ક્રોધથી ક્રૂર બનેલુૂં જીવન આપણે જીવવાનું નથી. મોજથી જીવો અને બીજાને પણ મોજ કરાવો. જો જો પછી જીવન જીવવાની મજા પડે છે કે નહીં. જેમ પ્રેમિકાને તેનો પ્રેમી જે સાચો પ્રેમ કરે છે તેવી જ રીતે જીવનને ચાહો, માણો. બસ.
- ચેતન એસ.ત્રિવેદી


