Get The App

પ્રમાણિકતા સભર જીવન જીવીએ, અને યુવાનોને પ્રેરણા આપીએ

Updated: Jun 16th, 2021

GS TEAM

Google News
Google News
પ્રમાણિકતા સભર જીવન જીવીએ, અને યુવાનોને પ્રેરણા આપીએ 1 - image


આ પણા સહુ માટે ગૌરવની વાત એ છે કે, ઠેર-ઠેર હિન્દુઓની સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, આધ્યાત્મિકતા, વચન પ્રતિબદ્ધતા, તેમના ચારિત્ર્ય માટે વિશ્વના અનેક દેશોની પ્રજાઓના અહોભાવ અને આદર પથરાઈને પડયા છે. ઓછામાં ઓછા બે-અઢી હજાર વર્ષોના રેકોડઝ તેની ગવાહી પૂરી રહ્યા છે.

જેના કારણે જ ઈ.સ. ૧૮૧૩માં ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડસનાં સત્રોમાં મિ. વોરન હેસ્ટિંગ્સ, મિ. એલ્ફિન્સ્ટન આદિ ઉપસ્થિત હતા અને તેઓ હિન્દુઓના ચારિત્ર્યની, તેમની પ્રામાણિકતાની, તેમની સત્યનિષ્ઠાની તેમની કર્તવ્યનિષ્ઠાની અને તેમની સૌજન્યશીલતાની ચર્ચા કરતાં બ્રિટિશ અધિકારીઓ પણ સોગંદપૂર્વક ગૌરવ અનુભવતા હતા!

આમ, ચારેય દિશામાં આપણી પ્રામાણિકતા ગવાતી હતી.. સૌને તેનું ગૌરવ હતું. પરંતુ આજે દુઃખની વાત એ છે કે, આ ગૌરવની વાત  આપણે ત્યાં જોઈએ તેવી થતી નથી. આજના યુવાનોને આપણું શું ગૌરવ હોવું જોઈએ તે શીખવાડવામાં આવતું નથી અને તેના કારણે આપણા યુવાનોને પરદેશનું ઘેલું લાગ્યું છે. આજે આપણે પરિવર્તનના કેવા વળાંક પર આવીને ઊભા છીએ? જ્યાં પૂર્વનું સોનું વીસરાતું જાય છે, અને પશ્ચિમથી આવતી રેતની ડમરીઓએ આપણી આંખો ઢાંકી દીધી છે.

આપણે સૌએ હવે જાગવું પડશે. આપણી સંસ્કૃતિનું, આપણા દેશનું જે ગૌરવ છે, તે બાળકો અને યુવાનોને શીખવવું પડશે. અને સાથે સાથે આપણે સૌ કોઈએ આપણું ચારિત્ર્ય પણ શ્રેષ્ઠ બનાવવું પડશે.

આપણા ચારિત્ર્ય એવું હોવું જોઈએ કે, બીજાને તેમાંથી જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય.

ચરકમુનિને આયુર્વેદના પિતા ગણવામાં આવે છે. એક વખત તેઓ વનવગડામાં વનસ્પતિના ગુણદોષોને તપાસી રહ્યા હતા. ત્યારે તેમની નજરમાં એક ફુલ આવ્યું. તેઓ થોડીવાર સુધી એ ફૂલને નિહાળી રહ્યા. પરંતુ તેમણે તે ફૂલને તોડયું નહી.

ત્યારે તેમના એક શિષ્યે કહ્યું કે, ગુરુજી! ફૂલ તોડી લો ને...

ચરકમુનિએ કહ્યું કે, હું રાજવૈદ્ય છું. પણ એનો એ અર્થ નથી કે, હું કોઈના ખેતરમાંથી તેમને પૂછયા વગર ફુલ તોડીને લઈ શકું. પૂછયા વગર કોઈની માલિકીની વસ્તુ ન લેવાય.

જુઓ, આવા મુનિઓના ચારિત્ર્યને લઈને ભારત આજે ઉજળું છે. આપણે આવું ચારિત્ર્યમય જીવન જીવવાની જરૂર છે. 

શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ આવો જ વિવેક શીખવ્યો છે કે, કોઈને પૂછયા વગર કોઈની ધણીયાતી વસ્તુ ન લેવી.

એક વખત ઉપલેટાના વેરાભાઈ ગઢપુર શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવતા હશે. માર્ગમાં નદી આવી એટલે  સ્નાન વિધિ અને પૂજા કરી લઉં એમ વિચારી તેની તૈયારી કરવા લાગ્યા. નજીકમાં ખેતર જોયું એટલે દાતણ કાપીને દાતણ કર્યું. પછી તેઓ શ્રીહરિ પાસે ગયા. તેમને ખબર પડી ત્યારે વેરાભાઈએ કહ્યું કે, પૂછયા વગર દાતણ લીધું તે પણ ચોરી કહેવાય. વેરાભાઈ તરત ખેતરના માલિક પાસે આવ્યા અને માફી માંગી... આ વેરાભાઈ મોટા લૂંટારા હતા. પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવતા પાકા સત્સંગી બન્યા હતા.

આમ, શ્રી સ્વામિનારાયણ ભગવાને આદર્શ ચારિત્ર્યમય જીવન જીવવાનું આપણને શીખવ્યું છે, તો આપણે તેમના આપેલા ઉપદેશોને અવશ્ય જીવનમાં ઉતારવા જ જોઈએ.

તુલસીદાસજી પણ આ જ વાત ઉપર ભાર મૂકતાં કહ્યું છે કે,

અનીતિ કે ધન હોત હૈ, વર્ષ પાંચ કે સાત,

તુલસી દ્વાદશ વર્ષમેં, જડમૂલ સે જાત.

હકે થી લઈએ હકેથી દઈએ, હકનું હજમ થાય,

અણહકનો આનો આવે, તો ઉલટી બરકત જાય.

તેથી આપણે સૌ કોઈએ સદાચારમય જીવન જીવવાની પ્રેરણા લેવી જોઈએ. બાળકો-યુવાનોને આવા પ્રસંગ કહીને, સારા સંસ્કાર આપવા જોઈએ, નહી તો આજે દિવસે દિવસે ભ્રષ્ટાચારના પ્રસંગો દિન પ્રતિદીન વધુ બની રહ્યા છે. તેમાંથી આપણા યુવાનો શું શીખશે? એક નિયમ છે કે, માણસ સારું શીખે છે એના કરતાં ખરાબ પહેલા શીખે છે. ઢળતાં ઢાળમાં વહી જાય છે. તેથી પુરુષાર્થ વધુ કરવો જ પડશે. આપણે સૌ કોઈ જાણીએ છીએ. આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતાં દેશોમાં અગ્રેસરનું બિરુદ આપણા પર થોપવામાં આવી રહ્યું છે ત્યારે લાગે છે કે, આપણાએ પ્રામાણિકતાના નૂરને - આપણને સાંપડેલા અમૂલ્ય વારસાને પુનઃ યાદ કરવાની ને કરાવવાની વેળા આવી ગઈ છે. તેથી આપણે સહુ કોઈ સાવધાન બની જઈએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :