સદ્ગુરૂ શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી અને સદ્ગુરૂ શ્રી મુક્તાનંદસ્વામીના યોગમાં આવતાં વલસાડ જિલ્લામાં ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાને શ્રી સ્વામિનારાયણ ભગવાન તરફ આકર્ષણ થયું હતું. તેમના અંતરની ઇચ્છા હતી કે, મારૃં ૫૦૦ ગામનું રાજ્ય તેમને સોંપી દઉં અને સુખે સત્સંગમય જીવન પસાર કરવું. તેથી તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધર્મપુર પધારવા માટેનું આમંત્રણ મોકલ્યું. સાથે સાથે સોના ચાંદીના આભૂષણથી થાળ મોકલવાના બદલે તેમણે ભાવના ભૂખ્યા શ્રી હરિને માટે પોતાના પ્રદેશમાં પાકતાં ઉત્તમ ધાન્ય એવું ડાંગર તેને સ્વયં પોતાના હસ્તે ફોલીને અણીશુદ્ધ ચોખા તૈયાર કરીને મોકલ્યા.
પૂર્ણ પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં લીલુડા લીમડા નીચે સંતો ભક્તો સન્મુખ જ્ઞાાનગોષ્ઠિ કરી રહ્યા હતા ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પત્ર અને ચોખા તેમના શ્રી ચરણોમાં ભેટ ધર્યા. તે સમયે શ્રી સ્વામિનારાયણ ભગવાને સંતોને રોજ માતા કુશળ કુંવરબા દ્વારા મોકલેલ શુદ્ધ ચોખાને પોતાના હાથમાં લઈ બધાને બતાવીને પૂછયું કે, સંતો આ શું છે ? સંતોએ કહ્યું કે, હે પ્રભુ ! આ ચોખા છે. ફરી પછી એ જ વાત પૂછી કે, આ કેવા ચોખા છે ?
સંતોએ કહ્યું, આ અણીશુદ્ધ ચોખા છે ? શ્રી સ્વામિનારાયણ ભગવાને ત્રણ-ચાર વાર સંતોને આ જ વાત જુદી જુદી રીતે પૂછી. એટલે સંતોએ શ્રી હરિને પ્રાર્થના કરતા કહ્યું કે, હે પ્રભુ ! તમો વારંવાર આ અણીશુદ્ધ ચોખા અંગે પૂછો છો તો તે પાછળ શું મર્મ છે તે જણાવવા કૃપા કરશો.
ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને મર્માળુ સ્મિત કરીને કહ્યું કે, સંતો-ભક્તો ! આ છે ચોખાના દાણા. પરંતુ અત્યંત અણીશુદ્ધ છે. તે ઉપર કે નીચેના કોઈપણ ભાગથી તૂટેલા નથી. આ તૈયાર કરવામાં ખૂબ જ સાવધાની રાખવામાં આવેલી છે. ડાંગર ને ફોલવામાં અત્યંત પરિશ્રમ કર્યો છે. તેની પાછળ રાજમાતા કુશળ કુંવરબાની અનન્ય મહિમા સહિતની ભક્તિના દર્શન થાય છે, અમે પણ તમો સર્વેને આવા અણીશુદ્ધ કરવા અત્યંત મહેનત કરીએ છીએ. તમને બધાને પણ અમારે ચોખા જેવા ચોખ્ખા કરવા છે. આ સંસારના કોઈપણ પદાર્થમાં તમને બંધન ના થાય તેવા નિષ્કંચન કરવાની અમારી ઇચ્છા છે. અને તમો પણ સર્વે સંતો-ભક્તો સુધા સાવધાન રહેજો. તમારું ચારિત્ર્ય અણીશુદ્ધ રાખજો. ભગવાન સિવાય કોઈ ઠેકાણે હેત-પ્રીત ના રહી જાય. તેનું ખાસ ધ્યાન રાખજો. આ અમારો સિદ્ધાંત છે. આ અમારા અંતરની ઇચ્છા છે.
ત્યાર પછી સભામાં ઉપસ્થિત સર્વે સંતો-હરિભક્તોએ શ્રી હરિના ચરણોમાં સંકલ્પ કર્યો કે, અમો અમારું ચારિત્ર્ય આ અણીશુદ્ધ ચોખા જેવું ચોખ્ખું રાખીશું.
આવી અદ્ભુત રીત હતી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપદેશ આપવાની. ચોખા આવ્યાને આપણને સામાન્ય વાત લાગે. પરંતુ સર્વે શાસ્ત્રોનો નિચોડ કાઢીને તે જ્ઞાાનામૃત દરેક પ્રસંગે-પ્રસંગે સહુને પીરસતા. અને તેમની વાણીમાં એવો અદ્ભુત પ્રતાપ હતો કે, તેઓ જે કહે તેમ સહુ કરવા માટે તૈયાર થઈ જતા.
એક વખતે શ્રી સ્વામિનારાયણ ભગવાને ભુજ થી પત્ર લખાવ્યો કે, આ પત્ર મળે એટલે તરત ઘરના સર્વે કામ મૂકીને, સાધુ થઈને અમારી પાસે આવજો... આ પત્ર ૧૮ હરિભક્તો ઉપર લખ્યો હતો. જેને જેને પત્ર મળતો ગયો તે સર્વે ત્યાંથી જ વાંચીને ચાલી નીકળ્યા. જે ગામને પાદરે હતા તે ઘરે પણ ગયા ન હતા. જે જમવા માટે બેઠા હતા. તે જમ્યા વગર ચાલી નીકળ્યા હતા. ખરે ! જે પરણવા ગયા હતા તે માંડવામાંથી જ પરણ્યા વગર ચાલી નીકળ્યા હતા. આવા અનેક ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાક્યા છે તેથી આજે માત્ર બે સદીના ટૂંકા ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વ ફલક ઉપર ફેલાયો છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


