Get The App

જીવન = જીવતા રહીએ, વહેતા રહીએ, નમતા રહીએ...

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
જીવન = જીવતા રહીએ, વહેતા રહીએ, નમતા રહીએ... 1 - image

આપણને મળેલું આ મૂલ્યવાન જીવન કંઈ રીતે જીવવું તેનીસમજણ જેમ ઉપદેશકો-તત્વચિંતકો પાસેથી મળે છે તેમ 'જીવન' શબ્દમાંથી પણ મળે છે. આજે આપણે 'જીવન' શબ્દમાંથી મસ્ત પ્રેરણા મેળવીએ. 'જીવન'માં કુલ ત્રણ અક્ષરો છે અને ત્રણેય અક્ષરો દ્વારા આપણને હૃદયસ્પર્શી પ્રેરણા મળે છે.

(૧) જી=જીવતા રહીએ : શ્વાસોચ્છવાસ ચાલવા એ નહિ, પરંતુ સંવેદનશીલ હૃદય હોવું એ જીવતા હોવાની ખરી નિશાની છે. અન્યોનું દુ:ખ નિહાળી સ્વયં દુ:ખની અનુભૂતિ કરવી એ સંવેદનશીલતા છે. આવું કરુણાપૂર્ણ હૃદય સામેની વ્યક્તિનું પણ હૃદયપરિવર્તન ચોક્કસ કરી શકે છે. યાદ કરીએ આ અનુસંધાનમાં હૃદયસ્પર્શી ઘટના :

નદીકિનારે સ્નાન કરીને પૂજાપાઠ માટે સંત આશ્રમ તરફ જઈ રહ્યા હતા. અને અચાનક ઉપરથી તેમનાં મસ્તક ઉપર ધૂળનો વરસાદ વરસ્યો. સંતના પ્રખરવિરોધી યુવાને તેમને પરેશાન કરવા માટે આ ધુળવૃષ્ટિ કરી હતી. સંતનું સ્નાનશુદ્ધ શરીર અશુદ્ધ બની ગયું. તેઓ ક્ષણભર અટક્યા અને વળી એ જ પ્રસન્નતાથી પુન: નદીકિનારે જઈને સ્નાન કરીને પૂજાપાઠ માટે આશ્રમમાં પધાર્યા. એક... બે... ત્રણ દિવસ... સિલસિલો આ સતત બાવીસ દિવસ પર્યંત ચાલ્યો. રોજ ધૂળ વરસતી. તેથી સંતે રોજ બે વાર સ્નાન માટે જવું પડતું. પરંતુ તેમના ક્ષમાભાવમાં આથી લેશમાત્ર ઓટ ન આવી. ત્રેવીસમો દિવસ... સંત રોજની જેમ જ એ માર્ગ પરથી પસાર થયા પણ ધૂળ ન વરસી. સંત અટકી ગયા. પૂછપરછ કરતાં ખબર પડી કે 'એકલો જ રહેતો યુવાન ગઈકાલથી ભયંકર બિમારીમાં સપડાયો છે, પથારીમાંથી ઊભા થવાની પણ તેનામાં શક્તિ નથી. સંતનું સંવેદનશીલ હૃદય આ સાંભળીને દ્રવી ઉઠયું. તેઓ તરત પહોંચ્યા ઉપર યુવાન પાસે અને એ સાજો ન થયો ત્યાં સુધી તેની પુત્રવત્ દિલથી સેવા કરી. સંતના કરુણાળુ હૃદયે યુવાન ઉપર એવા કામણ કર્યા કે તે વિરોધી મટીને સંતનો પરમભક્ત બની ગયો.

(૨) વ=વહેતા રહીએ : નદીમાં વહેતું પાણી જોયું છે કદીક ? વચ્ચે વળાંક આવે - ઢાળ આવે - ઝાડી/ઝાંખરા આવે - પથ્થર આવે... પણ એ પાણી ક્યાંય અટકતું નથી - સતત વહેતું જ હોય છે. બસ, આ જ વાત આપણે પણ સમજીએ. જીવન છે એટલે તેમાં સારી-નરસી ઘટનાઓ બનતી રહે. પણ આપણે  એ ઘટનાઓમા અટવાઈ ન જઈએ. ઘટનાઓને મન પર લઈને ન ફરીએ. તેને છોડતાં શીખીને પાણીની જેમ વર્તમાનમાં વહેતા રહીએ...

(૩) ન=નમતા રહીએ : ગુજરાતીમાં ઉક્તિ છે કે 'નમે તે સૌને ગમે'. સૌને ગમવું છે ? લોકપ્રિય બનવું છે ? તો નમતા અવશ્ય શીખીએ. યાદ રહે, નમે છે તે જ સર્વત્ર જામે છે...

'જીવન' શબ્દમાંથી મળતો આ ભવ્ય સંદેશ યાદ રાખવાની પ્રેરણા સાથે છેલ્લે સમગ્ર લેખના સંદર્ભમાં એક મસ્ત

પંક્તિ કે :

'જિંદગી સંવારને કો તો જિંદગી પડી હૈ, વો લમ્હા સંવાર લો જહાં જિંદગી ખડી હૈ...'

- આચાર્ય વિજય અક્ષયરત્ન સૂરિ