જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહેલા માનવીને એના સમગ્ર જીવનની ઘટનાઓ યાદ આવે છે. જો અંત સમયે મુખમાં રામનું નામ કે હરિસ્મરણ હશે તો એ શુભ અને મંગળમયી મૃત્યું કહેવાશે. જેમણે દરેક કાર્યમાં રામ કે પ્રભુ સ્મરણ કર્યું હશે, જેમના સ્વભાવમાં નમ્રતા અને લઘુતા હશે, જેમણે પોતાના દિવસની શરૂઆત પ્રાર્થના કે આરાધ્ય દેવના નામસ્મરણથી કરી હશે તેની અંતઘડી પ્રભુમય હશે. તેનું મૃત્યું શુભ અને મંગળદાયી હશે. માનવજીવનમાં હરિસ્મરણ, નામસ્મરણ અને શુભસ્મરણ એક ઉત્તમ અને શ્રેષ્ઠ પાસું ગણાય છે. આપણા વિચાર, વર્તન અને વાણીના આધારે જીવનની કિંમત થાય છે. નિયમિત પ્રાર્થના કરવાથી ગાંધીજીને અંતઘડીએ રામનું નામ યાદ આવ્યું હતું. 'અંતે મતિ સો ગતિ' એક બાવાજી બોરડીના ઝાડ નીચે મરણ પથારીએ પડયા હતા. છેલ્લી ઘડીએ એની નજર બોર પર પડી. તેનું મન બોર ખાવા લલચાયું. તેના મૃત્યુબાદ તે બાવાજી કીડો બનીને બોર ખાવા લાગ્યા. રામ સ્મરણ કે પ્રભુ સ્મરણ માનવીને મોક્ષ આપનાર ઔષધ છે. મહામંત્ર છે. અંતસમયે હરિસ્મરણ દ્વારા આત્માનું ગમન શુભ ગણાય છે. આપણે રામ કે ઇશ્વરને જોયા નથી છતાં પણ એમના નામની આસપાસ આપણું મન અને વિચારો સદા ગૂંથાયેલા હોવા જોઈએ. આ જીવન અંત સમયે મંગળ ગણાય છે. ધ્યાન અને સાધના દ્વારા આત્માને આધ્યાત્મિક શાંતિ મળે છે. તેનાથી જીવન સાદુ, સરળ અને દિવ્ય બને છે. મૃત્યુ મંગળમયી બને છે.
એક કાકાનું પૂરૂં જીવન પ્રપંચ અને કાવાદાવાથી ભરેલું હતું. જીવનભર મંદિરે ગયા ન હતા. ઇશ્વર, પ્રભુ કે રામનું નામ આવડે જ નહિ. અંત સમયે કાકા મરણ પથારીએ પડયા ત્યારે સૌને ગાળો ભાંડવા લાગ્યા. બિભિત્સવાણી બોલવા લાગ્યા. મૃત્યુ દૂર જવા લાગ્યું. સૌ કંટાળી ગયા. રામ કે પ્રભુ યાદ આવતા જ નથી. જીવનમાં કદી રામને યાદ કર્યા હોય તો અંતે યાદ આવે. જીવનના કાર્યમાં સારા વિચારોને સ્થાન મળતું નથી. ત્યારે જીવન નાસીપાસ થાય છે. મૃત્યુ અમંગળ બને છે. મહામૂલ્યવાન મનુષ્ય અવતારને ગુમાવવો પડે છે. મૂલ્યવાન હીરો કચરામાં ચાલ્યો જાય છે. જીવન રામમય, ઇશ્વરમય બનાવવું જોઈએ. તો છેલ્લી અવસ્થા સારી બનશે. જીવન દિવ્ય બનશે. મૃત્યુ મંગળમયી બનશે.
- ભગુભાઈ ભીમડા


