Get The App

કસ્તુરી મૃગ જેવી દોડથી અટકીએ .

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
કસ્તુરી મૃગ જેવી દોડથી અટકીએ                            . 1 - image

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

એક નાનકડા રાજ્યનો રાજવી સિકંદર એના પરાક્રમને કારણે 'એલેકઝાંડર ધી ગ્રેટ' ના નામે ઓળખાવા લાગ્યો. તેણે એથેન્સને જીતી લીધું, પછી યુનાનને પણ જીત્યું. હવે તેની મહત્વાકાંક્ષા તેને આગળ બીજાં રાજ્યોને જીતવા પ્રેરી રહી હતી. જ્યારે એ આગળ વધી રહ્યો હતો ત્યારે કોઈએ એને કહ્યું કે, 'તમે અહીંથી પસાર થઈ રહ્યા છો તો અહીં નદી કિનારે ડાયોજનિસ નામનો ફકીર રહે છે, એ મળવા જેવી વ્યક્તિ છે. મોટા મોટા રાજ્યકર્તાઓ એને મળવા માટે આવે છે. તે પાણી વહન કરવા માટેના ગોળાકારવાળા છ ફૂટની ત્રિજ્યા અને દસ ફૂટ લાંબા પાઈપમાં રહે છે. તેને કોઈ ઘર નથી, નગ્ન અવસ્થામાં ખૂલ્લામાં સૂર્યસ્નાન કરે છે અને મસ્તીથી જીવે છે. સિકંદર કહે, 'આવો વિચિત્ર માણસ છે તો તો એને જરૂરી મળીશ.'

સિકંદર નદીકિનારે પહોંચે છે અને જુએ છે કે, ફકીર નગ્ન  અવસ્થામાં સૂર્યસ્નાન કરી રહેલ છે. તેને પૂછે છે કે, 'તમારી પાસે કશું નથી તો પણ તમે આનંદમાં કઈ રીતે રહી શકો છો ?' સામે ફકીર સિકંદરને પૂછે છે કે, 'તમારી પાસે બધું જ છે ?' તો સિકંદર કહે, 'હા. મારી પાસે રાજ્ય, રહેવા માટે મહેલ છે અને ઘણા બધા સેવકો મારી સેવામાં રહે છે, પરંતુ તમારા જેવી મસ્તી કે આનંદ નથી.' 'તમે શું કરો છો અને આ લશ્કર કૂચ કરીને ક્યાં જઈ રહેલ છે ?' ફકીરે પૂછયું.

સિકંદરે કહે, 'અમે આગળના આ પ્રદેશો જીતી લઈશું, પછી જે સોનાની ચિડિયાનો દેશ છે એવા હિંદુસ્તાનને પણ જીતી લઈશું ને પછી પૂરો મધ્ય એશિયા.' ડાયોજિનસ કહે છે, પછી શું કરશો ?' સિકંદર કહે, 'હું સમગ્ર દુનિયાને જીતી લઈશ અને તેના પર રાજ કરીશ. ફકીર પૂછે છે, 'પછી શું કરશો?' સિકંદર કહે, 'હું આખી દુનિયાનો સમ્રાટ બનીશ અને પછી આરામ કરીશ, આનંદની અનુભૂતિ કરીશ.' પાઈપમાં બેઠેલા એના શ્વાનને બોલાવીને ડાયજિનસ કહે છે કે, 'શું આપણે ભૂલ કરી ? આપણે આખી દુનિયા જીત્યા વિના બન્ને અહીં આરામ અને મસ્તીથી જીવી રહ્યા છીએ ? અને સિકંદરને સંબોધીને કહે, 'જો આરામ અને આનંદથી જીવવાનું જ લક્ષ હોય તો આ આખી દુનિયા જીતવાની, ભાગદોડની મૂર્ખતા કરવાની શી જરૂર છે ?' એવું કાંઈ કર્યા વિના હું મસ્તી અને આનંદથી જીવું જ છું ને !' ફકીરના આ શબ્દોથી સિકંદરના ચિત્તમાં ચિંતનની ચિનગારી પ્રગટી અને કહે , 'તમે સાચું જ કહો છો. તમે ગજબનું સાહસ કહ્યું છે! મારા આવતા જન્મમાં હું ડાયોજિનસ જેવો સાહસી બનું તેવી ઈચ્છા રાખું છું. ફકીર કહે, 'આવતા ભવમાં શું કામ ? આ ભવમાં હજુ જીવવાનું બાકી છે, જાગ્યા ત્યારથી સવાર. હજી લડાઈ કરી જીત મેળવવાનો વિચાર છોડી દો.'

સિકંદર કહે, 'મેં સંકલ્પ કર્યો છે, હું એમાંથી પાછો ન ફરી શકું. હું વિશ્વવજેતા બનીને જ્યારે પરત ફરતો હોઈશ ત્યારે તમને જરૂર મળીશ. હાલમાં આપ મને કહો કે હું તમારી શી સેવા કરી શકું ? તમે નગ્ન અવસ્થામાં છો તો તમારે માટે કિંમતી અને સુંદર વસ્ત્રોનો બંદોબસ્ત કરું; તમે આ ઝૂંપડા જેવા પાઈપમાં રહો છો, તો તમારા માટે એક સુંદર ઘરનું આયોજન કરાવું જેથી તમે સુખેથી-આનંદથી રહી શકો.' ફકીર કહે, 'ભાઈ, હું અહીં સુખેથી આનંદથી જ રહું છું. જો તમારે મારા માટે કરવું જ હોય તો તમે અહીંથી આઘા ખસી જાવ. તમે અહીં ઊભા છો તો મારા શરીર પર આવતો તડકો રોકાઈ જાય છે. તમે મારા સૂર્યસ્નાનને અવરોધરૂપ છો જેથી આઘા ખસો. અંતે મારે એટલું જ કહેવું છે કે, તમે કોઈને અવરોધતા નહીં - કોઈને નડશો નહીં.' સિકંદર અને ફકીર ડાયોજિનસના સંવાદમાં માનવીની માનસિકતાનું અગમ્ય રહસ્ય પ્રગટ થાય છે. વિકલ્પના વનમાં ભટકાતા માનવી મહાત્વાકાંક્ષાની વણઝાર લઈને દોડે છે. સમ્યક્ દિશાવિહીન આ દોડથી માનવી વિષય-કષાયની અટવીમં ફસાઈ જાય છે. અંતે સિકંદરની જેમ પરત ફરી શકાતું નથી અને માર્ગમાં મૃત્યુને ભેટે છે. સાચી શાંતિ અને આનંદ તો આપણી ભીતર છે, પણ આપણે તેને બહારની દુનિયામાં શોધીએ છીએ.

આનંદ કંદ છે આત્મા,

આનંદ એમાંથી મળે,

અન્યે ન વલખાં મારતો,

એ મારવાથી શુ વળે ?

ઝાંઝવાના જળે થાકતા હરણ કે કસ્તુરીમૃગ જેવી દોડથી આપણે અટકીએ તો ભીતર દૃષ્ટિ કરી શકીશું જે આપણને કલ્યણમાર્ગ પ્રતિ દોરી જશે.