- રાજા દશરથ અને રાજા જનક મધરાતે વેશપલટો કરી ગુપ્તમાર્ગે નગરની બહાર નીકળી ગયા. તેમના શયનખંડમાં તેમના જેવાં જ સમાન રૂપરંગ વાળા પૂતળાં મૂકી દીધાં
એકવાર લંકાપતિ રાવણ બ્રહ્મલોકમાં બ્રહ્માજીને મળવા ગયો. આદરપૂર્વક પૂછયું. ''હે બ્રહ્મદેવ, મારૃં મૃત્યુ કોના કારણે અને કોના હાથે થશે એ સ્પષ્ટપણે કહો.'' બ્રહ્માજીએ કહ્યું ''આમ તો પોતાના મૃત્યુ વિષે જાણવાનો કોઈને હક્ક નથી. છતાં કહું છું. રાજા દશરથનો પુત્ર અને રાજા જનકની પુત્રી તારા મૃત્યુનું કારણ બનશે. દશરથની પત્ની કૌશલ્યાનો પુત્ર જે સાક્ષાત ભગવાન વિષ્ણુનો અવતાર બની આવશે, તેના હાથે તારૃં મૃત્યુ થશે.''
રાવણને અમર થવું હતું. ભરપુર વૈભવ, અવિરત સિધ્ધિ, અને શાસકીય દબદબો છોડવો નહોતો. તેણે વિભીષણને બોલાવ્યો, અને દશરથ તથા જનકની હત્યા કરવાનો હુકમ કર્યો. આ વાતની જાણ દેવર્ષિ નારદને થઈ. તેમણે દશરથ અને જનકને ચેતવી દીધા. પણ હત્યાની વાત સાંભળી બન્ને ગભરાઈ ગયા. તેમણે નારદજીને કહ્યું, ''અમે બ્રહ્માજીને શરણે જઈશું. તપ, આરાધના, પ્રાર્થના, વિનંતિ. જે બને તે કરીશું. આમ અચાનક અમારૃં મૃત્યુ ના થાય તેવું વરદાન માંગીશું.'' નારદજીએ કહ્યું, ''આવું કેમ વિચારો છો? તમે ક્ષત્રિયો છો. તમારી પાસે અક્ષૌહિણી સેનાઓ છે. તમને ડર શેનો છે? શક્તિશાળી છો. જ્યાં સુધી તમે પોતાનું રક્ષણ કરી શકો ત્યાં સુધી બ્રહ્માજીને કષ્ટ આપવાની શી જરૂર? (દૈવં નિહત્ય કુરૂ પૌરૂષમાત્મશકત્યા) દેવની મદદ લેવાનો વિચાર કર્યા વગર પોતાની શક્તિનો ઉપયોગ કરી પુરૂષાર્થ કરો. (પુરૂષકારમનુરવ્તતે દૈવમ્) કારણ કે ઈશ્વર પણ પુરૂષાર્થને-હિંમતને, પુરૂષત્વને ટેકો આપે છે. તમારા રક્ષણની જવાબદારી તમારી છે. - ભગવાનની નહિ ! ધીરજ અને હિંમત રાખશો તો ઉપાય મળી જશે.'' બન્નેને નારદજીની વાત સાચી લાગી. મંત્રીઓને બોલાવ્યા. સલાહ લીધી. એક રહસ્યમંત્રીએ ચતુરાઈપૂર્વકનો ઉપાય બતાવ્યો.
રાજા દશરથ અને રાજા જનક મધરાતે વેશપલટો કરી ગુપ્તમાર્ગે નગરની બહાર નીકળી ગયા. તેમના શયનખંડમાં તેમના જેવાં જ સમાન રૂપરંગ વાળા પૂતળાં મૂકી દીધાં, એક કૃષ્ણપક્ષની મધરાતે વિભીષણ ગયો. પહેલાં અયોધ્યામાં પછી મિથિલામાં જઈ બન્નેના માથા ધડથી અલગ કરી દીધાં અને કાળી અંધારી રાતે બન્નેના માથા સમુદ્રમાં નાખી દીધાં. આ સમાચાર સાંભળી રાવણ ખુશ ખુશ થઈ ગયો. હવે તે અમર છે એ વાતથી નિશ્ચિત થઈ ગયો. થોડા દિવસો દશરથ અને જનક વનવગડામાં ફરતા રહ્યા. ગામે ગામ ભટકી છુપાતા રહ્યા. બન્નેની હત્યાની વાત ઠંડી પડી ગઈ એટલે જનક મિથિલા નગરમાં પાછા ફર્યા. રાજા દશરથ કૌતુક મંગલ નગરમાં પહોંચ્યા. ત્યાં એક રાજકુંવરીનો સ્વયંવર ચાલતો હતો. દશરથને જોતાં જ રાજા શુભમતિ અને રાણી પ્રથુશ્રીએ તેમની પુત્રી કૈકેયીના વિવાહ તેમની સાથે કરાવ્યાં. દશરથ અને કૈકેયી અયોધ્યા ગયા. રાજાને સલામત જોઈ આખી નગરીમાં ઉત્સવનું વાતાવરણ થઈ ગયું. રાજકુળે પણ નવવધૂ કૈકેયીનું ઉમળકાભેર સ્વાગત કર્યું. આમ ધીરજ, હિંમત અને કુનેહથી તેમણે જીવનું રક્ષણ કર્યું.
ઉદ્યમ: સાહસં ધૈર્યં બુધ્ધિ: શક્તિ: પરાક્રમ: ષડેતે યત્ર વર્તન્તે તત્ર દૈવં સહાય કૃત-જેની પાસે ઉદ્યમ છે, સાહસ છે, ધીરજ છે, બુધ્ધિ છે, શક્તિ છે અને પરાક્રમ છે તેને ઈશ્વર જરૂર મદદ કરે છે. ઈશ્વરની કૃપા, વડીલોના આશીર્વાદ કે કોઈ દુઆગીરની દુવા-એ એક જાતનું અદ્રશ્ય કવચ છે, જે આપણું રક્ષણ કરે છે. દેખભાળ રાખે છે હમેશાં આપણી સલામતી ઈચ્છે છે, ભલે તે રૂબરૂ આપણી સાથે ન હોય પણ તેમની કોમળ લાગણી આપણામાં શક્તિનો સંચાર કરે છે. હિંમત આપે છે. હતાશા દૂર કરી મનમાં ઉત્સાહનો ઉમેરો કરે છે. જીવનમાં દુ:ખ, નડતર કે મુશ્કેલી આવે ત્યારે આવા દૈવીકવચને ઢાલ બનાવી પુરૂષાર્થ કરનાર સહેલાઈથી વિઘ્ન દૂર કરી શકે છે.
એકવાર રામકૃષ્ણ પરમહંસ નદી કિનારે ટહેલી રહ્યા હતા. કેટલાક શિષ્યો તેમની સાથે હતા. માછીમારો નદીમાં જાળ નાખી માછલી પકડી રહ્યા હતા. રામકૃષ્ણ જાળમાં ફસાયેલી માછલીઓની હિલચાલ ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેમણે જોયું કેટલીક માછલીઓ નિશ્ચલ પડી રહી હતી. જાણે આવેલી પરિસ્થિતિનો તેમણે સ્વીકાર કરી લીધો હતો. બીજી કેટલીક ટોળે વળી ગોળ ગોળ તરી રહી હતી. જાણે એકબીજાની મદદ માંગી રહી હોય! પણ અમુક માછલીઓ જાળમાં ફસાતાં જ ઝડપથી છટકી જવા પ્રયત્નો કરી બહાર નીકળી રહી હતી. રામકૃષ્ણએ શિષ્યોને ઊભા રાખીને દ્રશ્ય બતાવ્યું. પછી કહ્યું, ''આ માછલીઓની માફક સંસારમાં પણ ત્રણ પ્રકારના માણસો હોય છે કેટલાક ભવસાગરની માયાજાળમાં પોતાને ફસાયેલા સમજી જે પરિસ્થિતિ આવે તેનો સ્વીકાર કરી લે છે, બીજા કેટલાક ઈશ્વરની કે અંગત ચાહકની મદદ મળી જાય તેની રાહ જોવામાં પીડા ભોગવી રહ્યા છે. જ્યારે ત્રીજા પ્રકારના લોકો ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં પોતાનામાં રહેલી સમજ અને હિંમત પ્રમાણે દુ:ખદ પરિસ્થિતિનું આકલન કરી અથાક પુરુષાર્થ કરી દુ:ખદ પરિસ્થિતિમાંથી મુક્ત થઈ જાય છે. અને મુક્ત થઈ ઈશ્વરનો આભાર માને છે. જીવનું જતન ભલે તેમણે કર્યું પણ ઈશ્વરની કૃપા સમજે છે.''
કુરૂક્ષેત્રના મેદાનમાં યુધ્ધ માટે એકઠા થયેલા સ્વજનોને જોઈને અર્જુનના ગાત્રો ઢીલા થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં હાજર હોય છે. પણ તે અર્જુનને એમ નથી કહેતા. ''અરે, અર્જુન તને ચક્કર આવે છે ! બસ શાંતિથી હું છું ને આ યુદ્ધ તને જીતાડી આપીશ. ચિંતા ના કર. તારા વતી હું યુદ્ધ લડીશ!!'' ઉપરથી તેના મનની દુર્બળતા દૂર કરવા શૂરાતન ચઢાવે છે. હતાશા દૂર કરવા તેના પુરૂષત્વને પાનો ચઢાવે છે. ''કલૈબ્યં મા સ્મ ગામ:.... ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ
(એ.૨/૩)'' હે પાર્થ, તુ કાયર ન થા. - તુ ક્ષત્રિય છે - કાયરતા તને શોભતી નથી. મનમાં રહેલી દુર્બળતા છોડી - યુદ્ધ કરવા - ઉભો થા.
આપણે પણ વિઘ્નને વશ થવા કરતાં શાંત રહી પોતાના દૈવત અને કૌવતનો ઉપયોગ કરવો જોઈએ. જીવનું જતન આપણે કરવાનું છે. કારણ કે ''ન દૈવમ્કૃતે કિંચિત... (મહાભારત) ઈશ્વર પણ મહેનત કરનારને મદદ કરે છે - પુરુષાર્થ કર્યા વગર કોઈને કશું આપતા નથી. આવેલા દુ:ખને એટલું ગંભીરતાથી ના લેવું કે તેની અસર ગોળી વાગ્યા જેટલી ખતરનાક સાબિત થાય. ભલે બીજ પથ્થર નીચે દટાયેલું હોય પણ પથ્થરને ભીનાશ મળે એટલે કૂંપળ પણ કોળી ઊઠે છે.''
- સુરેન્દ્ર શાહ


