Get The App

ખામી નહિ, ખૂબી જોતા શીખીએ.. .

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
ખામી નહિ, ખૂબી જોતા શીખીએ..                        . 1 - image

- પ્રેરણાની પરબ-આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

'મને માફ કરજો માલિક' અવાજ સાંભળીને ખેડૂત ચોંક્યો. એણે ઘરમાં ચોતરફ દૃષ્ટિ ફેરવી. પણ તેને બોલાવતી હોય એવી કોઈ વ્યક્તિ તેની નજરે ન પડી. ત્યાં ફરી અવાજ આવ્યો : 'મને માફ કરજો માલિક ! ' ખેડૂતે ધ્યાનથી અવાજની દિશામાં નજર કરી તો ઘરના ખૂણામાં રહેલો એક ઘડો આ શબ્દો બોલી રહ્યો હતો. ખેડૂત આશ્ચર્યથી તેને નીરખી રહ્યો.

ખેડૂત પાસે આવા બે ઘડા હતા. એક લાકડીના છેડા પર બંને ઘડાને બાંધીને ખેડૂત રોજ નદીકિનારે પાણી ભરવા માટે જતો હતો. પણ બે માંથી એક ઘડો છિદ્રવાળો હતો. એ ઘડામાં છિદ્ર હોવાનાં કારણે ખેડૂત તેમાં પાણી ભરીને ઘરે લાવે ત્યાં સુધીમાં અડધો ઘડો પાણી તો છિદ્રમાંથી માર્ગમાં જ ઢળી જતું હતું. જેથી ખેડૂત પાણી ભરે બે ઘડા. પણ ઘરે પાણી આવે માત્ર દોઢ ઘડો.

જે ઘડો છિદ્ર વિનાનો હતો એ ઘણી વાર છિદ્રવાળા ઘડાને કહેતો કે ' તું ખરેખર માલિકની પરેશાનીમાં કેટલો વધારો કરે છે. તેમની મહેનતને વ્યર્થ કરીને અડધું પાણી વેડફી નાંખે છે.'

છિદ્રવાળા ઘડાને પણ તેની વાત સાચી લાગતી. પોતે માલિકને તેમની મહેનત પ્રમાણે પરિણામ નથી આપતો એ વાતથી તે ખૂબ દુ:ખી હતો. આજે એ દુ:ખ છલકાઈ ઉઠયું એટલે તે બોલ્યો : 'મને માફ કરજો માલિક ! મને મારા કાર્યથી ખૂબ શરમ આવે છે... સામે ખેડૂતે તેને પૂછયું : ' તારું કાર્ય તો ખૂબ સારું છે, છતાં ય તને શેની શરમ આવે છે.. સામે ખેડૂતે તેને પૂછયું : છિદ્રવાળા ઘડાએ ઉત્તર આપ્યો : 'માલિક ! તમને કદાચ ખબર નહિ હોય. પરંતુ છેલ્લા બે વર્ષથી મારાં શરીરમાં છિદ્ર છે જેથી રોજ તમે મારામાં છલોછલ પાણી ભરો છે. તો ય માર્ગમાં અડધું વહી જાય છે. તમારી મહેનત મારાં કારણે વ્યર્થ જાય છે એનું મને દુ:ખ છે.

'રોજ નદીકિનારેથી હું તમને ઘરે લાવું છું ત્યારે માર્ગની જમણી તરફ ખીલેલા શ્રેણિબદ્ધ પુષ્પો તે જોયાં છે ? ખેડૂતે પૂછયું : 'હા, માલિક ! જવાબ મળ્યો. ' એ ખીલેલા પુષ્પો તારી મહેનતનું પરિણામ છે.' હવે છિદ્રવાળો ઘડો આશ્ચર્યથી ખેડૂતને સાંભળી રહ્યો. ' મને તારામાં રહેલા છિદ્રની પ્રથમથી જ જાણ હતી. તેથી મેં માર્ગની જમણી તરફ ઠેર-ઠેર પુષ્પબીજ વાવ્યા. તેં છિદ્રના માધ્યમે રોજ જલસિંચન કરીને આવા સુંદર રંગબેરંગી પુષ્પો ખીલવ્યા. જેનાથી રોજ હું પ્રભુની ભક્તિ કરું છું...' ખેડૂતની વાત સાંભળીને છિદ્રવાળા ઘડાનું દુ:ખ દૂર થઈ ગયું. પોતે ખામીવાળો હોવા છતાં માલિકને ઉપયોગી બની શક્યો એ વિચારે તે ગૌરવ અનુભવી રહ્યો.

પ્રસ્તુત કાલ્પનિક કથાનો સાર બહુ વાસ્તવિક છે. પ્રત્યેક વ્યક્તિમાં ખામી અને ખૂબી બંને હોય છે. આપણે સામી વ્યક્તિની ખામી નહીં, ખૂબી તરફ જોવાનું શીખીએ. યા તો તેની ખામીમાં પણ ખૂબી જોવાનું શીખી લઇએ. સામી વ્યક્તિનાં જીવનમાં ખૂબી જોવાની આ કળા આપણને તે વ્યક્તિ પ્રત્યેના અણગમાથી બચાવવા ઉપરાંત આપણા જીવનને ખીલેલા પુષ્પ સમું બનાવી દેશે એ નક્કી છે.

છેલ્લે એક સરસ વાત : ' દરેક દિવસ સારો નથી હોતો, પણ દરેક દિવસમાં સારું કાંઈક તો હોય છે જ. એમ દરેક વ્યક્તિ સારી નથી હોતી, પણ દરેક વ્યક્તિમાં સારું કાંઈક તો હોય છે જ... આપણે નજર બદલીએ, નઝારો સ્વયં બદલાઈ જશે.