દુનિયાને નહિ, જાતને બદલીએ .
- આપણે ગમે તેટલા લાયક કે સજાગ હોઈએ પણ ક્યારેક સંજોગો, વસ્તુ, વ્યક્તિ, હાર-જીત, લાભ-નુકસાન, સુખ કે દુઃખ આપણા હાથમાં નથી હોતાં. તે કર્મ કે ઈશ્વરને આધીન હોય છે. આપણે વિચાર બદલીને દુઃખી થતાં બચી શકીએ
કંસને બે રાણીઓ હતી. અસ્તિ અને પ્રાપ્તિ. જ્યારે શ્રીકૃષ્ણએ કંસને સિંહાસન પરથી ઉઠાવી રંગભૂમિમાં ફેંકી પટકી પટકીને માર્યો ત્યારે બન્ને રાણીઓ હેબતાઈ ગઈ. નજર સામે પતિનું કમકમાટી ભર્યું મોત જોઈ તે પિયર ભાગી ગઈ. મગધના રાજા જરાસંધ તેમના પિતા હતા. પિતાને ઉશ્કેરવા રડતાં રડતાં મહેણાં માર્યા. ''એક ચૌદ વરસનો છોકરડો આમ તમારા જમાઈને મારી નાખે? અમારી આવી દશા કરે!! તમે તેને ભયંકર સજા કરો.'' જરાસંઘ ચિડાયો. તેણે તાત્કાલિક તેના સાથી રાજાઓનો સહકાર લઈ મથુરા પર પ્રચંડ આક્રમણ કર્યું. ભયંકર યુદ્ધ થયું. પણ શ્રીકૃષ્ણએ તેને હરાવી મગધ પાછો ધકેલી દીધો. જરાસંઘ ધૂંધવાયેલો હતો. તેણે બે ત્રણ વાર નહિ સત્તર સત્તર વાર આક્રમણ કર્યું. આવા વારંવાર આક્રમણોથી મથુરાવાસીઓનું જીવન છિન્ન ભિન્ન થઈ ગયું. લોકો કંટાળ્યા. સૌ ભેગા થયા. યાદવોની મહાસભામાં વિકદ્રુ નામના યાદવે હિંમત કરી શ્રીકૃષ્ણને કહ્યું ''આવા વારંવારના યુદ્ધથી મથુરાને નુકસાન થઈ રહ્યું છે. વેપાર અટકી ગયો છે. પ્રગતિ થતી નથી. આપણી તાકાત ઘટતી જાય છે સ્ત્રીઓ, બાળકો અને વૃધ્ધો ફફડી રહ્યા છે આ બધું તમારા કારણે થઈ રહ્યું છે જરાસંઘને મથુરા પ્રત્યે નહિ તમારા પ્રત્યે વેર છે. એ મથુરાને નહિ તમને ખતમ કરવા માંગે છે હે કૃષ્ણ જ્યારે સંજોગો બદલી શકાય એમ ના હોય ત્યારે તેનો સ્વીકાર કરવો જોઈએ. અને જે બદલી શકાય એમ હોય તેને બદલવાની હિંમત કેળવવી જોઈએ. જરાસંઘ સુધરવાનો નથી. એ પાયમાલ થઈ જશે પણ આક્રમણ કરવાનું ભૂલશે નહિ. મથુરાના હિત માટે તમારે જ કંઈક કરવું પડશે.'' શ્રીકૃષ્ણના પિતા વસુદેવજીએ પણ વિકદ્રુની વાતને ટેકો આપ્યો. 'ના શ્રેયઃ સતતં તેજો' કાયમ બહાદુરી બતાવવી સારી નથી. જ્યારે દુનિયા બદલાતી ના હોય ત્યારે જગતના કલ્યાણ માટે આપણે બદલાવું પડે.
છેવટે શ્રીકૃષ્ણએ મથુરા છોડવાનો નિર્ણય લીધો. તેમણે વિશ્વકર્માની મદદથી દ્વારકા નગરીની રચના કરી. પોતાના સગા સંબંધીને યોગમાયાની શક્તિ દ્વારા દ્વારકા પહોંચાડી દીધા. આ બાજુ જરાસંઘે છેવટે કાળયવનની મદદ લીધી. કાળયવન જગતનો કાળ હતો. બીજે દિવસે કાળયવનને ખબર પડે તેમ તેના દેખતાં શ્રીકૃષ્ણ મથુરા છોડી ભાગ્યા. આગળ કૃષ્ણ પાછળ કાળયવન. ભાગતા ભાગતા તે મુચુકુન્દની ગુફામાં ભરાઈ ગયા. ત્યાં મુચુકુન્દના હાથે કાળયવનનો વધ થયો. કહેવાય છે કે શ્રીકૃષ્ણ રણક્ષેત્ર છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા. જોકે તેમણે જે કર્યું તે મથુરાને બચાવવાની યુદ્ધવિદ્યા હતા.
આપણે ગમે તેટલા લાયક કે સજાગ હોઈએ પણ ક્યારેક સંજોગો, વસ્તુ, વ્યક્તિ, હાર-જીત, લાભ-નુકસાન, સુખ કે દુઃખ આપણા હાથમાં નથી હોતાં. તે કર્મ કે ઈશ્વરને આધીન હોય છે. આપણા હાથમાં આપણું મન, આપણી સમજ, આપણા વિચારો હોય છે. આપણે વિચાર બદલીને દુઃખી થતાં બચી શકીએ. બનતી ઘટના ભલે આપણા હાથમાં ન હોય પણ અર્થઘટન આપણા હાથમાં હોય છે. જિંદગીના રસ્તા પર સામે આવેલા સંજોગોનું મૂલ્યાંકન કરી સાચો નિર્ણય લેવો આપણા હાથમાં હોય છે ક્યારેક દુનિયા સામેથી ધસી આવતા પશુ જેવી અડબંગ હોય છે તેને સલાહ આપવા ના જવાય. કે આમ રસ્તા વચ્ચે દોડવું કોઈને ઘાયલ કરી શકે છે. કોઈનો જીવ લઈ શકે છે. આપણે બસ, એની અડફેટથી બચવા બાજુ પર ખસી તેને રસ્તો કરી આપવો પડે.
ગેલિલિયોએ ઘણા માણસોને દૂરબીનથી સૂર્યમાં રહેલા ડાઘ બતાવ્યા. પણ લોકો તેની વાત માનવા તૈયાર નહોતા. સૂર્ય દેવતા છે એમાં વળી ડાઘ ક્યાંથી હોય? તેની આ અધાર્મિકતાને લીધે તેને જેલમાં પૂરી દેવાયો. તેના એક સહકર્મીએ સમજાવ્યો. ''ભાઈ, આવા અણઘડ લોકો તારી વાત 'અત્યારે' નહિ સમજે! તારે હજુ આ જગતના ભલા માટે ઘણું કામ કરવાનું છે માફી માગી લે!!'' ગેલિલિયોએ માફી માગી. અને ચૂપચાપ પોતાની શોધયાત્રામાં આગળ વધ્યો. ત્યાર બાદ તેણે ચન્દ્રના નકશા બનાવ્યા, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે જેવી ઘણી શોધો કરી. મહાભારતમાં (૧૨-૧૪/૬૫) કહ્યું છે. (જીવિતં મરણાચ્છેયો જીવન્ધર્મમવાપ્નુયાત્) ધાર્મિક માણસે મરવા કરતાં જીવવું સારૃં. કારણ કે જીવતો માણસ ફરી ધર્મનું કાર્ય કરી શકે છે.
મર્ટિનલ્યુથર વિટેનબર્ગ વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર હતો. તેણે પૈસા લઈ 'ધર્મલાભ' વેચતા આલ્બ્રેકટનો સખત વિરોધ કર્યો. ધર્મલાભ એટલે કરેલા પાપનું દેવું માફ કરવા અપાતું સર્ટિફિકેટ !! તે વખતે આલ્બ્રેકટનું વર્ચસ્વ હતું. રાજા ચાર્લ્સ પંચમ પણ તેના પ્રભાવમાં હતો. તેણે માર્ટિનને બોલાવી ધર્મનો વિરોધ બંધ કરવા સમજાવ્યો. માર્ટિન ના માન્યો. તેના માટે રાજાએ ફાંસીનું ફરમાન જાહેર કર્યું. માર્ટિનનો એક મિત્ર હતો. સમજદાર, વ્યવહારૂ. ડયુક ઓફ સેક્ષની તેનું નામ તેણે માર્ટિન લ્યુથરને ચૂપચાપ ભગાડી દીધો અને વાર્ટ બર્ગના ખંડેર જેવા એક કિલ્લામાં સંતાડી દીધો. ત્યાં માર્ટિને બાઈબલનો ગ્રીકમાંથી જર્મનીમાં અનુવાદ કર્યો. પોતાની જિંદગી બચાવવા બદલ તેણે મિત્રનો આભાર માન્યો. ત્યારબાદ તે પચીસ વર્ષો જીવ્યો. તેણે લગભગ સો ગ્રંથો લખ્યા અને ત્યારથી પ્રોટેસ્ટંટ ધર્મનો જન્મ થયો. આજે જર્મની, નોર્વે, સ્વીડન જેવા ઘણા દેશોમાં તેના દશ કરોડથી વધુ અનુયાયીઓ છે જે સંપૂર્ણ લ્યુથેરન ખ્રિસ્તી તરીકે ઓળખાય છે.
છેતરપીંડી, અકસ્માતો, હડતાળો, દગાખોર સંબંધો, અગવડરૂપ કાયદાઓ, આતંકી બનાવો, યુદ્ધનો ઝળૂંબતો ભય, દુનિયામાં બનતા આવા બનાવો પર આપણો અંકુશ નથી હોતો. હા, નજર સામે ધર્મ હારતો દેખાય ત્યારે ધર્મનિષ્ઠને પીડા જરૂર થાય. આપણી નજીકનું કોઈ ખોટું કરતું હોય તો તેને એકવાર સમજાવાય, બે વાર સમજાવાય - પછી આપણે સમજી જવું પડે. ખરેખર તો દુનિયાની ફિકર સર્જનહાર પર છોડીને આપણી પાસે જે કંઈપણ હોય - શક્તિ, આવડત, કલા, સગવડ-તેનો યોગ્ય ઉપયોગ કરી, મનમાં સમભાવ, સમદ્રષ્ટિ અને સ્વસ્થતા કેળવી સુખના નાના નાના કણોનો સ્વાદ લઈ લેવો જોઈએ. પહેલાં આપણા દુર્ગુણોનું પડીકું વાળતાં શીખી લીધા પછી દુનિયાની ખામીઓનું પાર્સલ બાંધવાનો વિચાર કરવો જોઈએ.
- સુરેન્દ્ર શાહ