- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
દાન, શીયલ, તપ અને ભાવ એ ધર્મના ચાર અંગો છે. ભગવાન મહાવીરે ઉત્કૃષ્ઠ ચારિત્ર પાળ્યું. બાહ્યાભ્યંતર તપ એ પ્રભુની આંતર વિશુદ્ધિનો રાજમાર્ગ હતો અને સતત એમની વિશુદ્ધ ભાવમાં રમણતા હતી.
પૂર્વાચાર્યો અને શાસ્ત્રકાર પરામર્શિઓએ દાનને અગ્રસ્થાને મૂકી જીવનમાં તેની મહત્તાનું દર્શન કરાવ્યું છે.
આ પાવન પર્વસમૂહમાં વીરપ્રભુની દાનભાવાનાનું સ્મરણ કરીએ કારણ કે પર્યુષણનાં કર્તવ્યોમાં દાનને એક કર્તવ્ય જ ગણ્યું છે.
માતાના ગર્ભમાં ભગવાનનું ચ્યવન થયું ત્યારે માતા દેવાનંદાને અને ત્રિશલામાતાના ગર્ભમાં જ્યારે પ્રભુનો જીવ વિકસિત થઈ રહ્યો હતો ત્યારે માતાને અલૌકિક આનંદની અનુભૂતિ થઈ એમ પ્રભુએ આનંદના દાનથી શરૂઆત કરી. પ્રભુના ગર્ભાવતરણ (ચ્યવન) સાથે રાજ્યમાં ધન-ધાન્યની વૃદ્ધિ થઈ તે સમૃદ્ધિનું દાન. યશોદા સાથેના વિવાહમાં ફેરા ફરતી વખતે વાગ્દત્તાને હસ્તનું દાન.
યોગના ઉપાસક ભગવાન મહાવીરને સંસાર ભોગવટાની લગ્નવેલ પર પ્રિયદર્શના નામે પુત્રીરૂપ પુષ્પ ખીલ્યું તેને પ્રભુએ વાત્સલ્ય સાથે સંસ્કારનું દાન કર્યું. ૨૮ વર્ષની ઉંમરે માતા-પિતાનું દેહાવસાન થતાં ભાઈ નંદીવર્ધનને આઘાતમાંથી ઉગારવા બે વર્ષ દીક્ષા મુલતવી સધિયારાનું દાન કર્યું. સંયમ અંગીકાર કરી ષડ્જિવનિકાયને અભયનું દાન આપ્યું. 'સવિજીવ કરું શાસન રસી'ની ઉચ્ચતમ ભાવનાને ચરિતાર્થ કરનાર ભગવાને કરુણાનું દાન કર્યું.
દીક્ષા અંગીકાર કરતાં પહેલાં પ્રભુના વર્ષીદાનમાં તેમણે ત્રણસો એંશી કરોડ અને એંશી લાખ સૌનૈયાનું દાન કરી અકિંચન બની આગળ ચાલ્યા. શરીર પર વસ્ત્ર ન હોવાથી ઈન્દ્રે દેવદુષ્ય પ્રભુના ખભા પર મૂક્યું. એક બ્રાહ્મણ દાન લેવામાં મોડો પડયો. પ્રભુ પાછળ દોડયા અને દાનની યાચના કરતાં પ્રભુએ દેવદુષ્યનું દાન કર્યું. ડંખ દેનાર ચૈડકૌશિક સર્પને વાત્સલ્ય વેણુંના સ્પંદનો દ્વારા શાંત કર્યો અને તેને સ્મૃતિજ્ઞાાન થતાં તે સર્પનું પ્રભુએ આઠામા સહસ્રદેવલોકમાં સ્થાન મળે તેનું પ્રેરક દાન કર્યું.
સંગમે ક્ષમા વરસાવતાં વીશ જેટલા ઉપસર્ગો કર્યા. અડોલ મહાવીર સામે હારીને સંગમ ક્ષમા માગી ત્યારે ભગવાનનો ભાવ કરુણાના નીર રૂપે બે આંસુ પડયાં. આ અશ્રુદાન માટે પ્રભુએ કહ્યું કે, ત્રિભુવનને તારવાવાળો હું શું આ સંસારનું કારણ બની ગયો ?
મંખલિપુત્ર ગોશાલકે પ્રભુ પર તોજોલેશ્યા છોડી, સામે પ્રભુએ તેને શીતલેશ્યા દ્વારા બચાવ્યો. આમ, પ્રભુએ તેજોલેશ્યા બચાવનું દાન કર્યું. સાડાબાર વર્ષની ઘોર સાધના પછી ઋજુવાલિકાને કિનારે કૈવલ્યની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી સમવસરણમાં,-ઉપનેઈવા, વિગમેઈવા, ધ્રુવેઈવા, આ ત્રિપદીનું દાન કર્યું.
ચતુર્વિધ સંઘની સ્થાપના બાદ સંઘની સ્થાપના કરવા સમયે પ્રભુએ વસુમતી ચંદનાને દીક્ષા આપી. ચંદનબાળાને 'પ્રવર્તિની પદ'નું દાન આપ્યું. બાળ અતિમુક્ત ગૌતમ સ્વામીના પુરુષાર્થને કારણે અને પ્રભુની દેશનાને કારણે વૈરાગી બન્યા પછી પ્રભુએ તેને રજોહરણનું દાન કર્યું. સુકોમળ કાયાવાળા મેઘકુમારે દીક્ષા લીધા પછી તેનું મન વિચલિત થતાં વિચાર્યું કે સવારે પ્રભુની રજોહરણ પરત કરી અને સંસારમાં પાછો ચાલ્યો જઈશ. આ મનોદશામાં પ્રભુએ પૂર્વભવમાં તેણે જીવદયા પાળવા કેવું ઘોર કષ્ટ વેઠયું હતું તે કથા સંભળાવી. સમાધિનું દાન કરી મુનિપણામાં સ્થિર કર્યા.
રોહિણીયા ચોરને તેના પિતાએ અંતિમ શીખ આપી હતી કે, જીવનમાં ક્યારેય મહાવીરનાં ધર્મવચનોને ન સાંભળવાં. અકસ્માતે પ્રભુનાં વચનો સાંભળાયાં ને તે અભયકુમારની જાળમાંથી બચ્યા તેથી ૪૦૦ ચોર સાથે પ્રભુને શરણે ગયા. પ્રભુએ તેમને ધર્મશ્રદ્ધાું દાન આપ્યું. સુલસા શ્રાવિકાને ધર્મલાભનું દાન કર્યું. પ્રભુના શ્રમણ સંઘમાં રાજાઓએ જીવન સમર્પિત કર્યું હતું તેમાં પ્રભુએ સન્માનર્ગનું દાન દીધું. પ્રભુની ઉત્કૃષ્ઠ ભક્તિ કરનાર રાજા શ્રેણિકને પ્રભુએ તીર્થંકરત્વનું દાન દીધું. ગૌતમસ્વામી થકી હાલિક ખેડૂતને બોધિબીજનું દાન દીધું. પ્રભુના અગિયારમાંથી નવ ગણધરોને પોતાની વિદ્યમાનતામાં જ મુક્તિવધુંનું દાન કર્યું. સોળ પ્રહર એટલે અડતાલીસ કલાક અંતિમ દીર્ઘદેશનાનું દાન કર્યું. વીરપ્રભુના નિર્વાણને લીધે વિરહથી વ્યથિત બનેલ ગણધર ગૌતમને પ્રભુએ કૈવલ્યનું દાન દીધું.
આમ, ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરના જીવનની દાનશૃંખલાનાં કરી કરી આપણે પણ આપણા જીવનમાં દાનભાવનાને ચરિતાર્થ કરવાનો સમ્યક્ પુરુષાર્થ કરીએ.


