શ્રવણ, સ્મરણ, દર્શન અને વિરહના હીંડોળે, ગોપીઓએ બાલકૃષ્ણને ઝુલાવી યાદ કરેલા, તે 'વેણુગીત' અને 'ગોપીગીત'ની સ્મરણ પ્રસાદિ
હીંડોળા પર્વે ગામ- નગરોમાં ભાતભાતના હીંડોળા રચાય છે. હીંડોળાના, કલામય રસિકતાના વાતાવરણમાં ભાગવત કથાના પ્રસંગોનું સ્મરણ કરતાં, સૌ ધન્યતા અનુભવે છે.
હીંડોળો શબ્દ કાને પડે, ને.. આપણે મનોમન હીંચવા માંડીએ. માણસ જન્મે એટલે માતાનો વાત્સલ્યભર્યો ખોળો મળે, ને બીજું મળે પરિવારના પ્રેમની દોરીથી ઝુલતું..' પારણું. આ સુખ દેવોને પણ દુર્લભ.
બાળપણથી જ જોડાઈ ગયેલું પારણું ધીમેધીમે ઘરના ઓરડામાં હીંચકો- હીંડોળો બની માનવવૃદ્ધ બને ત્યાં સુધી એ..ઇ આનંદ આપ્યા કરે, હીંચકે બેસવું ને ઝૂલવું. ને અન્યને હીંચકે ઝૂલાવવુંએ, ઘટના પ્રસન્નતાથી ભર્યો ઉત્સવ બની જાય છે.
અહીં તો વાત કરવી છે, બાળકનૈયાને હીંડોળે ઝૂલાવતા પર્વની. આપણા હૃદયમાં અને સમસ્ત સૃષ્ટિમાં બાલમુકુંદ લીલા કરી રહ્યા છે. તેમને પ્રેમલક્ષણા ભક્તિ ભાવના રૂપ હીંડોળે બેસાડી, ઉત્સવ ઉજવી, ઝૂલાવવાનો મોકો પ્રાપ્ત કરો. કનૈયા સાથે ભાવસંબંધ બાંધી, તેની સાથેના ઐક્યનો આનંદ માણવાનો હેતું છે.
હીંડોળા પર્વે ગામ- નગરોમાં ભાતભાતના હીંડોળા રચાય છે. હીંડોળાના, કલામય રસિકતાના વાતાવરણમાં ભાગવત કથાના પ્રસંગોનું સ્મરણ કરતાં, સૌ ધન્યતા અનુભવે છે. પ્રેમલક્ષણા ભક્તિના પ્રેમાનંદની પવિત્ર લહેરો વહેવા માંડે છે.હૃદયમાં બાંધેલા નવધાભક્તિના હીંડોળે, લાલાને ઝૂલાવતાં હૃદય ગાય છે :-
ઝૂલો હો, નંદજીના લાલ !
ઝૂલો, નવધા પારણિયે...
એતો પારણિયું, હૈયામાં બાંધુ,
એ તો રંગાયું.. ભક્તિના ભાવથી.
ઝૂલો હો નંદજીનાલાલા, પ્રેમે ઝુલાવું.
ગોપીઓએ પણ કૃષ્ણકનૈયાને, હૈયાના પ્રેમલક્ષણા પારણિયે ઝૂલાવી, પ્રેમભક્તિના ઉન્નત શિખરે સ્થાન પ્રાપ્ત કરેલું.
ગોકુળ-વ્રજની ગોપીઓએ સ્મરણ, શ્રદ્ધા, પ્રેમ, દર્શન, વિરહના હૃદયમાં હીંડોળા બાંધી, શ્રીકૃષ્ણને લાડ લડાવેલાં.
- વૃંદાવનમાં ગાયોને ચારતા બાલકૃષ્ણ વાંસળી વગાડવા માંડયા. ગોપીઓ ઘરમાં રહીને, તે વાંસળી સાંભળે છે. શ્રીકૃષ્ણમય બનેલી ગોપીઓની સૂક્ષ્મદૃષ્ટિ થઈ છે. તેથી વનમાં વાંસળી વગાડી લીલા કરતા બાળકનૈયાનું, ગોપીઓ વર્ણન કરે છે, તે છે 'વેણુગીત' (દસમ સ્કંધ પૂવર્ધિ-૨૧ મો અધ્યાય) વેણુગીત દર્શન હીંડોળાનું ગીત બની જાય છે.
ગોપીઓ કહે છે : 'અરે સખી ! વેણુએ (બંસરીએ) પૂર્વજન્મમાં એવી ને શી તપશ્ચર્યા કરી છે કે શ્રીકૃષ્ણના અધરામૃતનું નિત્ય પાન કરે છે.
'અલીસખી ! કનૈયાની વાંસળી સાંભળી વનની હરિણીઓ પાગલ થઈ દોડી રહી છે. કનૈયાનું દર્શન કરતાં પાંપણો પણ હલાવતી નથી. પોતાની ચક્ષુરૂપી કમળથી તે પૂજા કરે છે.'
'અરે સખી ! શું કહું ! બંસીનાદ સાંભળવા ગાયોએ ખાવાનું છોડી દીધું છે. પોતાના કાનરૂપી પડિયા દ્વારા મધુર નાદનું પાન કરે છે. તેમની આંખોમાંથી પ્રેમાશ્રુ વહે છે.'
'અરે સખી (જો તો ખરી ! બંસી સાંભળવામાં પક્ષીઓ તલ્લીન બની ગયાં છે. ચૂપચાપ બંસીનાદ સાંભળી ' આત્માનંદ' પ્રાપ્ત કરે છે.
' અરે સખી (જો તો ખરી ! આ મેઘરાજા શ્રીકૃષ્ણ ઉપર છાંયો કહે છે. પેલા ગોવર્ધન ગિરિરાજ પરમાત્માના ચરણ સ્પર્શથી રોમાંચ અનુભવે છે.'
આમ જડ-ચેતન બંસીનાદથી મોહિન થયું છે.
'અય શ્યામ ! તેરી બંસરીને ક્યાં કમાલકિયા ?
તનકી ન રહી હોશ, હર મનકો હરલિયા.
દર્શનહીંડોળાનું 'વૈણુગીત' નાદબ્રહ્મની ઉપાસના બન્યું છે. દર્શન હીંડોળો 'સમાધિ' બની જાય છે.
- વિરહના હીંડોળે ઉદ્ભાવેલું 'ગોપીગીત' છે. (દસમ સ્કંધપૂર્વાધિ અધ્યાય ૩૧)
વિરહના હીંડોળે વ્યાકુળ થયેલી ગોપીઓ, શ્રીકૃષ્ણની ભાવના કરતી... શ્રીકૃષ્ણનાં જ ગુણગાન ગાવા લાગી. આ ગાન, તે 'ગોપીગીત' (દસમ સ્કંધ પૂર્વાધિ અધ્યાય ૩૧)
ગોપીઓ કહે છે,'હે કનૈયા ! અમારી વ્રજભૂમિમાં તમારું પ્રાગટય થયું, ત્યારથી વ્રજની શોભા વધી છે.
- 'કનૈયા ! અમે કેવળ તારા માટે જ જીવીએ છીએ. તમારા વિના અમને પીડા થાય છે. નાથ ! અમારી ઉપેક્ષા ન કરો. સર્વમાં અમે તમને જ શોધીએ છીએ. (ત્વાં વિચિન્વતે)
- 'હે નાથ ! અમે તમારી દાસીઓ છીએ, તો અમને દર્શન આપો.
- નાથ ! તમારું ચિંતન કરતાં કરતાં આ જંગલમાં ભટકીએ છીએ. હે નાથ ! અમે તમારી પાસે કંઈ માગતાં નથી. અમારે કોઈ આશા નથી અમારી ભક્તિ 'નિષ્કામ' છે. તમારાં નેત્રોથી અમે ઘાયલ છીએ.
- હે કૃષ્ણ ! સર્વ પ્રકારના ભયોમાંથી, તમે અમારું વારંવાર રક્ષણ કર્યું છે. તમારો વિરહ અમને બાળે છે. તમારો મંગલમય હસ્ત, અમારા મસ્તક ઉપર પધરાવો. તમે જ અમારો આધાર છો. હે કામ વિનાશક ! અમારી સર્વ કામનાઓનો નાશ કરો. અમે ગાયો કરતાં પણ વધુ દીન બની, તમારી પાસે આવ્યાં છીએ. તમારાં ચરણ, અમારા હૃદયના અભિમાનરૂપી ઝેરને અમૃત બનાવશે. અમારા હૃદયમાં તમારાં ચરણ સ્થાપો. અમે તમારા કથામૃતનું ' પાન કરીએ છીએ. તમારાં કથામૃત નામ અમૃતથી જ, અમારા પ્રાણ ટક્યા છે.
આ હતું વિરહના હિંડોળેથી ગવાયેલું ગોપીઓનું વિરહગીત
'હીંડોળા પર્વની આનંદાનુભૂતિ કરતાં કરતાં આપણે, નંદબાબાએ ઉદ્ધવજી સાથે શ્રીકૃષ્ણ ઉપર જે સંદેશો મોકલેલો, તેનું સ્મરણ કરીએ.
'મારા કૃષ્ણને કહે જો કે, મારું મન સદા સર્વદા શ્રીકૃષ્ણનું ચિંતન કરે તેવું હું ઇચ્છું છું. હું ઇચ્છું છું કે, સંસારમાં મારું મન ન જાય. મારી વાણી કૃષ્ણનો જાપ જપે. મારી આંખો જ્યાં જાય ત્યાં શ્રીકૃષ્ણનાં દર્શન થાય. ને કૃષ્ણકીર્તન કરતાં કરતાં, હું સેવા-પૂજામાં તન્મય બનું.'
શ્રીકૃષ્ણને હૃદયહીંડોળા ઉપર ઝૂલાવી આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ.
પ્રભુશ્રીકૃષ્ણ પણ બળદેવજી સાથે વ્રજમાં રહી બાળલીલાથી તે ગોપગોપીઓને પ્રીતિ ઉપજાવતા હતા.
।। શ્રી કૃષ્ણ શરણંમમ ।।
- લાભુભાઈ ર.પંડયા