વિપત્તિમાં પ્રભુનું સ્મરણ થાય, તો તે શ્રેષ્ઠ 'સંપતિ' ગણાય
કુંતામાતા નમ્રતાથી પ્રેમભાવથી કહે છે, નાથ ! પ્રભુ ! હું જે માગું છું તે યોગ્ય જ છે. દુ:ખ મારો ગુરુ છે. દુ:ખમાં મનુષ્યોને ડહાપણ આવે છે. દુ:ખમાં જીવને પરમાત્માના શરણે જવાની ઇચ્છા થાય છે. જે દુ:ખમાં નારાયણનું સ્મરણ થાય છે. એ તો 'સાચું સુખ' કહેવાય. તેને દુ:ખ કેમ કહેવાય ? વિપત્તિમાં મને તો તમારું સ્મરણ થાય છે તેને હું મારી સંપત્તિ ગણું છું.
દ્વારકાનાથ શ્રીકૃષ્ણ દ્વારકા જવા તૈયાર થયા. પાંડવોનાં માતા કુંતાજીનું હૃદય દુ:ખ અનુભવવા માંડયું. જે રસ્તે ભગવાનનો રથ જવાનો હતો, ત્યાં કુંતામાતા બે હાથ જોડી ઉભાં રહ્યાં.
શ્રીકૃષ્ણ રથમાં ત્યાં આવ્યા. કુંતામાતાને જોયાં એટલે રથ ઉભો રાખી પ્રણામ કરી કહ્યું, 'ફોઈબા ! માર્ગ વચ્ચે કેમ ઊભાં છો ?
કુંતાજીની આંખોમાંથી ચોધાર અશ્રુ શરૂ થયાં. બોલી પણ ન શકાયું. શ્રીકૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યો, કુંતાજીતો શ્રીકૃષ્ણને વંદન કરતાં રડતાં હતો. શ્રીકૃષ્ણે કહ્યું,' અરે ! ફોઈબા ! હું તો તમારા ભાઈનો દીકરો છું. તમે પ્રણામ કરો તે ન શોભે.'
કુંતામાતા રડતાં રડતાં હાથ જોડીને કહેવા લાગ્યાં, 'આજે મને સમજાયું કે આપ ઇશ્વર છો. યોગીઓ આપનું ધ્યાન ધરે છે. કુતામાતાની દાસ્યમિશ્રિત વાત્સલ્ય ભક્તિ છે.
કુંતામાતા શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં કહેવા લાગ્યાં, 'હૈ પ્રભુ ! તમારે લીધે અમે સુખી થયાં. તમે અમને અગર્ણિત દુ:ખોમાંથી ઊગાર્યા કૌરવોના કપટથી અમને બચાવ્યા. તમે ભરસભામાં દ્રૌપદીની લાજ રાખી. હે દ્વારકાનાથ ! અમારો ત્યાગ ન કરો. ભલે તમે દ્વારકા જાઓ..પણ મને એક વરદાન આપો.'
કુંતામાતાએ માગેલું વરદાન આજદિન સુધી કોઈએ માગ્યું હોય તેવું જાણમાં નથી. તેવું તે અદ્ભૂત હતું. ન ભૂતો ન ભવિષ્યતિ..!
તેમણે માગ્યું કે: હે જગતના ગુરુ ! અમારા જીવનમાં ડગલે ને પગલે સદા વિપત્તિઓ આવતી રહો. કારણકે દ્વિપત્રિઓમાં નિ:શ્ચર્યરૂપથી આપનાં દર્શન થાય છે. આપના દર્શન થયા પછી જન્મમૃત્યુના ચક્કરમાં આવવું પડતું નથી.'
વિપત્તિમાં જ પ્રભુ સ્મરણ થાય તે 'સંપત્તિ ગણાય.
સસ્નેહ શ્રીકૃષ્ણે કહ્યું, તમે, આશું માંગો છો ? તમે ભાન તો નથી ભૂલ્યાંને ? સુખનો વારો આવ્યો ત્યારે તમે દુ:ખ માંગો છો ?'
કુંતામાતા નમ્રતાથી પ્રેમભાવથી કહે છે, નાથ ! પ્રભુ ! હું જે માગું છું તે યોગ્ય જ છે. દુ:ખ મારો ગુરુ છે. દુ:ખમાં મનુષ્યોને ડહાપણ આવે છે. દુ:ખમાં જીવને પરમાત્માના શરણે જવાની ઇચ્છા થાય છે. જે દુ:ખમાં નારાયણનું સ્મરણ થાય છે. એ તો 'સાચું સુખ' કહેવાય. તેને દુ:ખ કેમ કહેવાય ? વિપત્તિમાં મને તો તમારું સ્મરણ થાય છે તેને હું મારી સંપત્તિ ગણું છું.
આ પ્રકારનો તેજસ્વી પ્રસંગ આજના જીવાતા જીવનમાં પળેવળે જાગૃત કરનારો છે. જીવાતા જીવનમાં કષ્ટો- દુ:ખો તો આવવાનાં જ. એને સ્વસ્થતાથી સ્વીકારી લેવાં પડે. કુંતામાતાની વિચાર સરણી પ્રમાણે દુ:ખોની પરિસ્થિતિને હકારાત્મક શક્તિશાળી વિચારોથી સ્વીકારવી પડે.
સંસારી જીવનમાં કે આધ્યાત્મિક જીવનમાં પોપટપણું ન ચાલે. અનેક સંઘર્ષો વચ્ચે પણ પ્રભુને સહારે ઝઝૂમવું પડે.
પૌરાણિક કથાઓના પ્રસંગો આધુનિક સમયમાં પણ દૃષ્ટિ આપી શકે તેવા હોય છે.
વિપત્તિ આવે તો પડી ભાંગવું, રોદણાં રડવાં, આપઘાત અપમૃત્યુનું શરણું લેવું. એવી નબળીવૃત્તિઓ છોડી દેવી પડે.
જેના શિરપર સરજન હાર, સોઈનર શીદને ડરે રે,
જેમ કેશરી કેરાં બાળ, નીડર થઈને ફરેરે..
હા, વિપદા પડે તોયે, 'કર્મવીર' બનીને સ્માર્ટસીટી, સ્માર્ટ હોમ, સ્માર્ટ ગોલ્સ, સ્માર્ટ કેરીયર અને સ્માર્ટ લાઈફ બનાવી' નવયુગને' માણવો જોઈએ.
- વિપત પડેના વલખીયે, વલખે વિપત ન જાય,
વિપત્તે ઉદ્યમ કીજીયે, ઉદ્યમ વિપતને ખાય.
- વિપદ વખતે પણ, શ્રદ્ધાદીપના અજવાશે, ધ્યેય- ધગશ અને પરિશ્રમથી, હિંમત-વીરતા અને ધીરતાથી જીવનયાત્રા પ્રસન્નતા પૂર્વક ચાલુ રહેવી જોઇએ.
- વિપત્તિઓ જીવનમાં નવી દિશાનું દર્શન કરાવનાર પણ હોય છે.
- વિપત્તિઓમાં પણ જીવન રળિયામણું રહેવું જોઈએ, દયામણું નહિ જ.
'જગતના સર્વોત્તમ ચારિત્ર્યશીલ માનવીઓનો અભ્યાસ કરવામાં આવે તો, મોટા ભાગના દાખલાઓમાં સુખ કરતાં દુ:ખેવધારે શિક્ષણ આપ્યું હશે. ધન કરતાં નિર્ધનતાએ વધારે શિક્ષણ આપ્યું હશે. અને પ્રશંસાથી મળે તે કરતાં વધુ 'પ્રહારોએ' આંતરિક સત્યને બહાર લાવવામાં વિશેષ સહાય કરી હશે.' - સ્વામીવિવેકાનંદ.
- લાભુભાઈ ર.પંડયા