લાભ પાંચમ પાંડવ પંચમી જ્ઞાન પંચમી .
ઉ ત્સવ સંસ્કૃતિનું તોરણ છે. નવા વર્ષનો પહેલો તહેવાર લાભ પાંચમ છે. નૂતન વર્ષનો પ્રારંભ શુભ દિવસ છે. મૂર્તિપૂજક જૈન સમાજ જ્ઞાનપૂજા કરે છે.
પ્રભુને પ્રાર્થના કરો કે દિપોત્સવીના દીવડા હવે તમો આખુ વર્ષ મારા મન મંદિરમાં પ્રભુ પ્રકટાવજો.
"દિપાવો દિવડો અખંડ સુખનો
હે પ્રભુ ! મારા હૃદય મંદિરનો."
લાભ સવાયા થાય તેવી શક્તિ આપજો. નૂતન વર્ષે શ્રદ્ધાનો ભક્તિનો દિવડો પ્રકટાવવાનો છે.
લાભ પાંચમ એ જ્ઞાન પંચમી છે. સૌભાગ્ય પંચમી છે. બધું સારૂ સૌભાગ્ય મળે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુને ભજી લો તો સૌભાગ્ય જરૂર મળશે.
સંત એ પ્રભુનું દ્વાર છે તે દ્વારે હરિ મળે છે. લાભ પાંચમ એ જ્ઞાનની આરાધનાની તિથિ છે. જૈનો જ્ઞાનની પૂજા આરાધના કરે છે. જૈન ધર્મમાં દર મહિનાની સુદ પાંચમને જ્ઞાનની તિથિ માનવામાં આવે છે. પંચમી (કારતક) પછી બીજી મોટી પંચમી વસંત પંચમી હોય છે. પૂજામાં વપરાતી પાંચ વસ્તુમાં પંચામૃત કહેવામાં આવે છે. (દુધ, ઘી, સાકર, મધ, દહીં) જૈન સંસ્કૃતિમાં કરાતી પાંચ પૂજામાં આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર પ્રભુનો સમાવેશ થાય છે. પંચમ રાગ છે તે ગાવાનો સમય પ્રાતઃકાળ છે. કોયલના ગાનને પંચમ કહેવામાં આવે છે. ઘણા આયુર્વેદને પાંચમો વેદ ગણે છે. પાંચનું ઘણું મહત્ત્વ છે.
જૈન ધર્મમાં મોક્ષને પંચમ ગતિ કહે છે.
પાંચનો અંક શુકનવંતો, પવિત્ર ઈશ્વરી શુભ અને શ્રેષ્ઠ મનાય છે.
- બંસીલાલ જી. શાહ