Get The App

કચ્છી- હાલારી- નૂતન વર્ષ- અષાઢી બીજ: સં.2076

Updated: Jun 26th, 2019

GS TEAM

Google News
Google News
કચ્છી- હાલારી- નૂતન વર્ષ- અષાઢી બીજ: સં.2076 1 - image


દેશમાં એક તરફ અષાઢી બીજનાં મહાપર્વે લાખો ભક્તો શ્રી જગન્નાથ ભગવાનની અભૂતપૂર્વ રથયાત્રાનાં પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા અનુભવતા હશે તો બીજી તરફ કચ્છી માડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવતા હશે.

અષાઢી બીજ એટલે કચ્છપ્રદેશનું નૂતન વર્ષ. હાલાર પ્રદેશ, ઝાલાવાડ, કચ્છ-કાઠીયાવાડનું નવું વર્ષ વિક્રમ સંવતનાં ચાર માસ બાદ શરૂ થાય છે. રણ, ડુંગરા, દરિયાઈ, સમૃદ્ધિ ધરાવતા કચ્છનાં પ્રથમ મહારાવે કચ્છ રાજયની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ-૫નાં રોજ કરી પણ કચ્છી નૂતન વર્ષાનો અષાઢી બીજથી જ કેમ પ્રારંભ થયો, તેની પાછળ એક રસપ્રદ ઇતિહાસ રહેલો છે.

કેરાકોટ ગામમાં કચ્છની રાજધાની ફેરવનાર રાજા જામ લાખો ફૂલાણી એક વિચારવંત રાજવી હતા. પોતાના રાજયનાં વિકાસ માટે હંમેશા નવાં પગલાં લેતા. એક સમયે રાજયની સીમા નક્કી કરવા, પોતાની સાથે કેટલાક બહાદુર સાહસિક યુવાનોને લઈને નીકળી પડયા. પાછા ફરતી વખતે  માર્ગમાં ખુબ વરસાદ પડયો. એ સમયે અષાઢ માસ શરૂ થયેલો. સારા વરસાદને કારણે ચારેય તરફ ખુબ હરિયાળી ફેલાયેલી હતી. આ જોઈને રાજા લાખો ફૂલાણી અતિ પ્રસન્ન થઈ ગયેલા. આમેય કચ્છ જેવાં સુકાપ્રદેશમાં પુરત વરસાદ પડવો, એ એક મોટા ઉત્સવ સમાન પ્રસંગ છે.

આથી રાજા જામ લાખો ફૂલાણીએ પૂરારાજ્યમાં ફરમાન મોકલ્યું કે કચ્છના નવા વર્ષનો પ્રારંભ અષાઢી બીજ થી કરવામાં આવે. અને આ રીતે ઇતિહાસમાં પોતાનું નામ રોશન કરી દીધું. ત્યારબાદ દર વર્ષે નૂતન વર્ષની ઉજવણીની તૈયારી એકાદ માસ પહેલાં શરૂ થઈ જતી. દિવાળી- નવા વર્ષના તહેવારની જેમ જ. ઘર-મકાનનો રંગ રોગાન થાય. લોકો નવાં કપડા સીવડાવે.

ઘરનાં બારણા પર મુખ્ય દરવાજાની બંન્ને તરફ અંબાડીધારી હાથી અને સામે સિંહનું ચિત્ર હોય, તો એ સાથે આસોપાલવનાં પાન અને ફૂલોની વેલનું ચિત્રાંકન થાય. ઘરમાં મિઠાઈઓ તૈયાર થાય. દરવાજા બાજુના ગોખલામાં માટીનાં કોડિયા ઝગમગે. આ શણગાર સાથે આતશબાજી તો ખરી.

કચ્છી નવા વર્ષની ઉજવણી રાજદરબારમાં ભારે દબદબા ભેર થતી. વહેલી સવારથી રાજ્યનાં વહીવટદારો, અગ્રણીઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ, શાસક રાજવીના ચરણોમાં ભેટ, સોગાદો, મૂકીને વંદન કરતા. લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી મંદિરોમાં દેવદર્શન કરવા જતા. આ નૂતનવર્ષ વડિલોને સાકર-શ્રીફળ આપી પગે લાગણુ કરીને આશીર્વાદ માંગવાનો હજુ આજે પણ રિવાજ છે. દેવસ્થાનોમાં મળસ્કે મંગળ આરતી થાય, ત્યારે નોબત- ઘંટારવનો નાદ દૂર-દૂર સુધી ગુંજી ઉઠે છે.

આ નવા વર્ષે દરિયાકાંઠે વસનારા નાવિકો અને માછીમારો પોતાનાં વહાણોને શણગારી, અષાઢી બીજનું દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી, શ્રીફળ વધારે. આ દિવસે પ્રત્યેક સતી શૂરાનાં પાળિયાને સિંદુર લગાવીને પૂજન-અર્ચન કરવામાં આવે છે. એ સમયે ભૂજનાં મહાદેવનાકા પાસેની ટંક શાળામાં સોના-ચાંદીનાં પાંચિયા કે કોરીનાં સિક્કા બહાર પાડવામાં આવતા. કચ્છના નવા વર્ષનું 'કચ્છી અષાઢી પંચાગ' પણ આ દિવસે પ્રકાશિત થાય છે. એ વખતે ભૂજમાંના દરબારગઢમાં આતશબાજી થતી અને વ્યાપારીઓ ચોપડા-પૂજન પણ.

લગભગ છેલ્લા આઠસો વર્ષથી કચ્છનું આ નૂતન વર્ષારંભ કચ્છીઓમાં ધામધૂમથી તો ઉજવાય જ છે, પણ આ સિવાય રાજય. દેશ પરદેશમાં સ્થાયી થયેલા કચ્છી માડુઓ દર વર્ષે પોતાના મંદિરે વતનનો આ મોટો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવીને પોતાની માતૃભૂમિ કચ્છને વંદન કરે છે.

Tags :