કણ કણમાં શ્રીકૃષ્ણ .
- "હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈમૈં જાના"
શાસ્ત્રમાં ભગવાનની સર્વ વ્યાપક્તાનું નિરૂપણ કર્યું છે, કે ભગવાન બધી જગ્યાએ વ્યાપક છે. રામચરિત માનસમાં પણ ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે, "હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મૈં જાના." ભગવાન તો બધી જગ્યાએ વ્યાપક છે, તમે જ્યાં પ્રેમથી બોલાવો ત્યાં એ પ્રગટ થાય. કબીરજી પણ પોતાના દુહામાં એમ કહે છે કે, "સબઘટ મેરો સાંઈયા ખાલી ઘટ નહીં કોઈ બલિહારી વાઘટ કી જાઘટ પરઘટ હોઈ." કણ કણમાં શ્રીકૃષ્ણ આ સંદર્ભ મને સ્મરણ થાય છે કે ભગવત ગીતાના આધારે.! ગીતાજીનો જે ૧૧ મો અધ્યાય છે એ વિશ્વરૂપ દર્શન યોગ છે. ત્યારે અર્જુનજીએ શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું કે, "તમે જે વિભૂતીનું વર્ણન કર્યું તેના મારે દર્શન કરવા છે." ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે, "હે અર્જુન ! તું મારું સ્વરૂપ જો - મારી અંદર પર્વતો છે, નદીઓ છે, સપ્તદ્વીપ છે, સમગ્ર બ્રહ્માંડો છે. આ બધું જ મારી અંદર છે." ત્યારે અર્જુને કહ્યું કે, "હે કેશવ ! મને એવું કશું જ દેખાતું નથી." ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે, "હે અર્જુન ! મારા સ્વરૂપને જોવું હોય તો ચર્મચક્ષુથી નહીં દેખાય. એના માટે જોઈએ દિવ્યદ્રષ્ટિ." તો ગીતાજીનો પ્રસંગ આપણને એ સમજાવે છે કે, કણ કણમાં જો શ્રીકૃષ્ણને જોવા હશે તો માણસે દિવ્યદ્રષ્ટિ કેળવવી પડશે અને એ દિવ્યદ્રષ્ટિ આપણને શાસ્ત્રો પાસેથી જ પ્રાપ્ત થશે.
શાસ્ત્રનો એક અર્થ એવો થાય છે કે, 'જે આપણી અંદર શાસન કરે.' આમ, આપણી અંદર ધર્મનું શાસન થાય, આપણી અંદર જ્ઞાાનનું શાસન થાય ત્યારે જેમ અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણનું દિવ્ય સ્વરૂપ દેખાયું તેમ કણ-કણમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને દેખાય. માટે જ શ્રી અવિનાશભાઈની પંક્તિઓ આ પ્રસંગે સ્મરણ થાય છે અને તેઓ પણ કહે છે કે, "સાચું છે એ સચરાચર છે, સાચું છે એ પરમેશ્વર છે, સાચું છે એ અજરાઅમર છે. ચોધારે વરસે મેહુલિયો, તો મળે એક ટીપામાં, ઈશ્વર પડયો નથી રસ્તામાં. કૃષ્ણની પાસે જાવું હોય તો થાવું પડે સુદામાં, ઈશ્વર પડયો નથી રસ્તામાં." સુરદાસજી ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં ગયા. બાંકે બિહારીજીનું મંદિર હતું. કોઈએ સુરદાસજીને પુછયું કે, "તમારી પાસે તો દ્રષ્ટિ નથી તો તમને મંદિરમાં ભગવાન કેવી રીતે દેખાશે ?" ત્યારે સુરદાસજીએ બહુ સુંદર ઉત્તર આપ્યો અને તેમણે કહ્યું કે, "ભલે હું એ ભગવાનને નથી જોઈ શકતો પણ, એ તો મને જુવે છે ને ! માટે હું મંદિરમાં આવું છું જેથી એની દ્રષ્ટિ મારા ઉપર પડી જાય." બસ આ જ છે ભગવાનની સર્વવ્યાપક્તા. એ જ છે કણ કણમાં શ્રીકૃષ્ણ.
ભગવાનને માત્ર મંદિરમાં જ અનુભવવાના એવું નથી, તેને દરેક ક્ષણે આપણે અનુભવવાના છે. એ આપણી અંદર અને બહાર બધે સમાવિષ્ટ છે, સર્વત્ર છે. જેમ હિરણ્ય કશ્યપુએ પ્રહલાદજીને પૂછયું કે, "ક્યાં છે તારા વિષ્ણુ ?" ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે, "જલે વિષ્ણુ, થલે વિષ્ણુ", વિષ્ણુ જળમાં પણ છે અને સ્થળમાં પણ છે. વિષ્ણુ બધે જ છે.
આમ, આ જ છે ભગવાનની સર્વવ્યાપક્તા જે પ્રહલાદે નિહાળી. પ્રહલાદને ભગવાનના દર્શન કેમ થયાં ? તેનું એક જ કારણ છે કે, પ્રહલાદે માત્ર મંદિરમાં જ ભગવાનને નથી જોયાં. પણ થાંભલામાં પણ ભગવાન દેખાયાં. આમ, પ્રત્યેક ક્રિયામાં શ્રી કૃષ્ણ હોવા જોઈએ. મહારાષ્ટ્રના એક ભક્ત છે જનાબાઈ અને તેમના થાપેલા છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલનો નાદ ગૂંજતો હતો. જનાબાઈ છાણાથી લીંપણ લીપતા હતા એ તેમનું કર્મ હતું પણ કર્મમાં ભક્તિ ભળી અને તે એવી ભળી કે શ્રી કૃષ્ણ એ છાણામાં પણ બીરાજમાન થઈ ગયાં.
આમ, કહેવાનું તાત્પર્ય એ છે કે આવી જ ભગવાનની સર્વવ્યાપક્તા આપણે નિહાળીએ અને ખરેખર કૃષ્ણભક્ત આપણે તો જ કહેવાઈશું કે કણ કણમાં જેવી રીતે પ્રહલાદે ભગવાનના દર્શન કર્યા, જેવી રીતે અર્જુને ભગવાનને જોયાં, જેવી રીતે જનાબાઈએ ભગવાનને નિહાળ્યા એવી રીતે આપણે પણ કૃષ્ણની સર્વ વ્યાપક્તાને નિહાળીએ એ જ અભ્યર્થના સાથે અસ્તુ !
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી