જ્ઞાન અને બુધ્ધિ .
પરમપવિત્રનો આદર અને ભય એ જ્ઞાન છે. અને તેમનો પરિચય કે ઓળખ એ બુધ્ધિ છે.
ગહન જ્ઞાન અને બુધ્ધિનું મૂલ્ય એટલું બધું ઊંચું છે કે સામાન્ય માણસ એની પરખ કરી શકતો નથી. કેમ કે તેનામાં પારખશક્તિની ક્ષમતાનો અભાવ છે.
ઈશ્વર પોતે અગાધ જ્ઞાનના સૂત્રધાર અને બેહદ બુધ્ધિના મહાસાગર છે. તેમનાં જ્ઞાન અને બુધ્ધિ અપરંપાર છે.
જ્ઞાન અને બુધ્ધિ ક્યાંથી મળે છે અને તેનું મૂલ્ય કેટલું છે, તે વિષે અધ્યાત્મવાદીઓ વિના અન્ય કોઈ જાણતું નથી. માણસોની ભીડમાં તે હોતાં નથી. સમુદ્રને પૂછીએ તો તે કહેશે કે જ્ઞાન અને બુધ્ધિ અમારામાં કે અમારી પાસે નથી.
સો ટચનું સોનું, મૂલ્યવાન હીરા, પરવાળાં કે સ્ફટિક મણિ સાથે તુલના કરીએ તો તેમાંની એક પણ ચીજ જ્ઞાન અને બુધ્ધિની બરાબરી કરી શકે તેમ નથી. આ વિશાળ અને ગુપ્ત જ્ઞાન ક્યાંથી આવે છે તથા બુધ્ધિનું નિવાસસ્થાન ક્યાં છે તે વિષે જનસામાન્ય અજ્ઞાત છે. જોકે મૂર્ખ અને નાસ્તિકજનો સમજ્યા વગર બોલે છે કે ''જ્ઞાન અને બુધ્ધિ જેવું કશું છે જ નહિ. એ એક અફવા છે.''
ઈશ્વર જ્ઞાન અને બુધ્ધિના ભંડાર છે. તે વાવાઝોડાના પવનનું વજન કરી શકે છે. ઊંડાં પાણીને માપી શકે છે. તેમણે વરસાદને માટે નિયમો ઠરાવ્યા છે. પડધા પાડીને ગર્જના કરતી વીજળીનો માર્ગ નિયત કરેલો છે. તેમણે પોતે અકળ જ્ઞાનથી સફળ સૃષ્ટિનું સર્જન કરેલું છે. સમાપનમાં જોઈએ તો ઈશ્વરને ઓત પ્રોત થનારા આસ્તિક ભક્તોને તે જ્ઞાન અને બુધ્ધિ ભરપૂર પ્રમાણમાં પ્રદાન કરે છે. આવા મહાન ઈશ્વરમાં વિશ્વાસ રાખવો, તેમનો ભય અને આદર રાખવો અને દુષ્ટતાથી દૂર રહેવું તે જ જ્ઞાન છે. તેનું આચરણ કરવું તે બુધ્ધિ છે.
- ડૉ. સુરેન્દ્ર આસ્થાવાદી