બી. એ.પી.એસ. સંસ્થાના સ્થાપક બ્રહમસ્વરૂપ શાસ્ત્રી મહારાજે અમદાવાદમાં આંબલીવાળી પોળમાં પ્રમુખ સ્વામીને ૧૯૫૦ માં સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા હતા. પ્રમુખ વરણીના આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રમુખ સ્વામી મહારાજના પ્રેરક પ્રસંગોની સ્મૃતિ કરીએ...
એપીજે અબ્દુલકલામ દિલ્હીના અક્ષરધામનું લોકાર્પણ કરવા માટે આવવાના હતા તેને અડધો કલાક બાકી હતો અને બાપાને એક સંતે ધરમપુરનો એક કાગળ આપ્યો. ધરમપુરના એક દરજીએ કાગળમાં લખ્યું હતું કે મારે મુશ્કેલી છે. મને એક સિવવાનો સંચો જોઈએ છે. તે મળી જાય તો મારી મુશ્કેલી ટળી જાય.
બાપાએ તે જ વખતે એ દરજીને ધરમપુર કાગળ લખ્યો અને તરત એનો અમલ થયો. ધરમપુર એક સંચો પહોંચી ગયો. રાષ્ટ્રપતિ આવવાના હોય, અડધો કલાક બાકી હોય તો બાકીનું કાંઈ કામ ન થાય. એને બદલે તે કામ કરૂણામુર્તિ સંત પ્રમુખસ્વામી પતાવે....!! સાચે જ, બાપા કરૂણાના શિખર સમાન સંતપુરૂષ હતા.
૧૯૯૦ની સાલમાં ચોમાસુ લગભગ નિષ્ફળ ગયું હતું. તે સમયે લંડન બિરાજતા બાપાએ સારો વરસાદ થાય તેમજ દુષ્કાળ દૂર થાય તે માટે અનેકવાર રાત્રે બે વાગે જાગીને માળા-પ્રાર્થનાઓ કરી છે. સમાજ કે રાષ્ટ્ર પર જ્યારે જ્યારે પ્રાકૃતિક આપત્તિના ઓળા ઉતરતા ત્યાર તો બાપાનો આ કરૂણાપ્રવાહ અનેકશ: વેગથી વહેવા લાગતો... દુષ્કાળ હોય કે હોનારત, ભૂકંપ હોય કે સુનામી દુર્ઘટના, વ્યસનમુક્તિ હોય કે માંસાહાર મુક્તિ, પારિવારિક કલહ હોય કે સામાજીક દાવાનળ, પીડિત હોય કે સમાજે મુક્ત કરવા બાપાને આકુળ-વ્યાકુળ થતા નિરખ્યા છે.
પીડિતોની સેવામાં હજારો સ્વયંસેવકો જાગૃત કરીને, તેમણે વૃધ્ધ વયે પણ સેવાના વિરાટ કાર્યોના બોજ ઉચક્યા છે. ક્યારેક તો પીડિતો માટે તેમના હૈયે કરૂણાનો એવો ઉછાળ ઉઠે છે કે અડધી રાત્રે ઉઠી ઉઠીને તેમણે દુ:ખી લોકોના દુ:ખ ટાળવા પ્રાર્થનાઓ કરી છે....!! પ્રમુખ વરણી અમૃત મહોત્સવ નિમિત્તે તારીખ મુજબ ૭ ડીસેમ્બર, ૨૦૨૫ના રોજ એટલે કે પૂ. પ્રમુખસ્વામીના જન્મદિને અમદાવાદમાં સાબરમતી રીવફ્રન્ટ ખાતે તેઓના આધ્યાતિમ અનુગામી એવા પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં નૌકામાં પ્રખુખસ્વામીના ગુણોનું દર્શન કરાવતો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો.
- કિશોર ગજ્જર


