Get The App

કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડ .

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડ                        . 1 - image

મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે વેદો, ઉપનિષદો વગેરનો સંબંધ તો માત્ર ધર્મ તથા અધ્યાત્મના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો જ છે. આપણે તેમની સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ વાસ્તવમાં વેદોનું જ્ઞાન સમગ્ર માનવજાત માટે એક સમાનરૂપે ઉપયોગી છે. આ જ્ઞાન સર્વ માટે મંગલકારી તથા કલ્યાણકારી માર્ગદર્શન આપે છે. તેમાં ઉચ્ચ તથા દિવ્ય જ્ઞાન રહેલું છે.

ભારતીય જ્ઞાનના ઉદ્ભવ અને વિકાસનું મૂળકેન્દ્ર વેદો જ છે.  વેદો જ્ઞાન તથા વિજ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. વેદોનું જ્ઞાન સૂત્રાત્મક, ગુહ્ય અને રહસ્યમય છે. ભારતીય સંસ્કૃતિની બધી જ જ્ઞાનધારાઓ તથા વિદ્યાઓ બીજરૂપમાં વેદોમાં સમાયેલી છે. સુવિધા માટે તે જ્ઞાનરૂપ ભંડારને જુદા જુદા વિષયો પ્રમાણે સંહિતાઓના રૂપમાં લિપિબદ્ધ કરવામાં આવ્યો છે. તેને આપણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ નામે જાણીએ છીએ.

ઋષિઓની આ ગૂઢ જ્ઞાનસંપદાને વિદ્વાનોએ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચી છે. કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડ. વાસ્તવમાં વેદો જીવન તથા જગતના સંપૂર્ણ આધ્યાત્મિક જ્ઞાનનો પર્યાય છે. આજના યુગમાં વેદોનો આ સમન્વયકારી દ્રષ્ટિકોણ મહર્ષિ દયાનંદ સરસ્વતી પછી શ્રીરામ શર્મા આચાર્યજીના ભાષ્યમાં જ જોવા મળે છે. સમગ્ર વિશ્વને વ્યવહારિક, સામાજિક તથા સાંસ્કૃતિક માર્ગદર્શન આપવાની ક્ષમતા આપણા વૈદિક જ્ઞાનમાં રહેલી છે. આમ તે સમગ્ર વિશ્વ માટે અમૂલ્ય જ્ઞાનનો ભંડાર છે.

માનવ જીવન માટે દરેક વિષયોનું જે જ્ઞાન જરૂરી છે તે બધું જ જ્ઞાન વિજ્ઞાન વેદોમાં રહેલું છે. ઐતિહાસિક તથા સાહિત્યિક મહત્વની દ્રષ્ટિએ પણ વેદો સંસારનો સૌથી પુરાતન અમૂલ્ય વાસરો છે. ઋગ્વેદ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. વેદોના શાસ્ત્રીય મહત્વને સમગ્ર વિશ્વ જાણે છે. આપણા વેદોમાં તત્વજ્ઞાન, ઉચ્ચ સિદ્ધાંતો, અધ્યાત્મ, મનોવિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ગણિત, રસાયણશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, જીવવિજ્ઞાન, ભૂગર્ભવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, નાટય શાસ્ત્ર, કામવિજ્ઞાન, ટેકનોલોજી, ભાષા વિજ્ઞાન એમ તમામ વિષયોને લગતા અનેક મંત્રો વેદોમાં જોવા મળે છે.

સામાજિક અને આર્થિક ક્ષેત્રની આદર્શવાદી વ્યવસ્થાના સૂત્રો તથા સિદ્ધાંતોનું જ્ઞાન પણ વેદોમાં જોવા મળે છે.

કૃષિ, વેપાર, વાણિજ્ય, માપતોલ, મુદ્રાઓ, શિલ્પકળા, આભૂષણો વગેરેનું પણ અનેક મંત્રોમાં વર્ણન જોવા મળે છે.

ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જ્ઞાનની દ્રષ્ટિએ તો વેદોનું સ્થાન સર્વોપરી છે. આ બાબતમાં વેદો આપણા સનાતન ધર્મ તથા સંસ્કૃતિનો પાયો છે. વેદોનું જ્ઞાન માત્ર કોઈ એક જાતિ કે વર્ગ માટે નથી. પરંતુ સમગ્ર વિશ્વ માટે છે. વેદોને ભારતીય પરંપરાનું પ્રતિનિધિત્વ કરતી અઢાર વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે.

વેદોમાંથી જ તમામ પ્રકારની વિદ્યાઓનો પ્રવાહ નીકળ્યો છે. એટલે જ આપણા ઋષિમુનિઓએ વેદોને 'સર્વજ્ઞાન મયો હિ સ:' કહીને તેમનું મહત્વ બતાવ્યું છે. ભારતીય સમાજ વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા અને ેરાજનીતિ શાસ્ત્રનો વિકાસ પણ વેદોના આધારે જ થયો છે. રાજ્ય ચલાવવાના સિદ્ધાંતો, રાજના કર્તવ્યો, રાજ્યધર્મ, રાજ્યનું સંચાલન, ન્યાય વ્યવસ્થા, દંડપ્રક્રિયા, ગુપ્તચર વિભાગ, સૈન્ય વ્યવસ્થા શાસનની વિભિન્ન પદ્ધતિઓ વગેરે રાજનીતિ શાસ્ત્ર સંબંધી જ્ઞાન તેમજ નાગરિકોના કર્તવ્યો, માનવજીવનના બધા જ કર્તવ્યો જેવા કે પિતા-પુત્ર, માતા-પિતા, પતિ-પત્ની, ગુરૂ-શિષ્ય, પરિવાર-સમાજ, વ્યક્તિ-રાષ્ટ્ર ઉપરાંત વિશ્વબંધુત્વ, પરોપકાર, પુરુષાર્થ, દાન, ધર્મ, અતિથિ સત્કાર, સેવા સહાયતા વગેરે વિશે આપણા શાસ્ત્રોમાં વિષદ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આજે સમગ્ર વિશ્વના લોકોમાં ચરિત્રહિનતા જોવા મળે છે તથા નૈતિક અને સામાજિક મૂલ્યોનો હ્રાસ થઈ ગયો છે. આવી સ્થિતિમાં આપણું વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરવું અનિવાર્ય બની જાય છે.

- હસમુખલાલ ચુનીલાલ વ્યાસ