રાજા ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્રો એક સામટાં મરી ગયા, તેમણે શ્રીકૃષ્ણને પૂછયું કે મેં એવું કોઈ ભયંકર પાપ તો નથી કર્યું કે મારા ૧૦૦ પુત્રો એક સામટા મરી જાય. શ્રીકૃષ્ણે દ્રષ્ટિ આપી. જોયું કે આશરે ૫૦ જન્મો પહેલાં તે એક પારધિ શિકારી હતો. વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓને પકડવા સળગતી જાળ વૃક્ષ ઉપર નાંખી હતી, તેથી કેટલાંક પક્ષીઓ આંધળા થઈ ગયા અને ૧૦૦ જેટલા નાના પક્ષીઓ બળીને ખાખ થઈ ગયા. આ પાપ કર્મ ૫૦ જન્મો સુધી સંચિત કર્મોમાં પડી રહ્યું અન્ય પુણ્યના પ્રતાપે આ જન્મમાં ૧૦૦ પુત્રો પ્રાપ્ત થયાં, પણ સંચિત પાપકર્મ આપવા તત્પર થયું, તેથી તેઓ અંધ થયા અને ૧૦૦ પુત્રો પણ મરી ગયાં. ૫૦ જન્મો પછી પણ સંચિત પાપ કર્મે તેમનો છાલ છોડયો નહીં. વધુ વિલંબ કર્યા વગર સંચિત કર્મ ફળ યોગ્ય ફળ આપી શાંત થયું.
'કર્મનો સિદ્ધાંત' જૈન ધર્મે, બૌદ્ધધર્મે, હિન્દુધર્મે અને શીખધર્મે સ્વીકારેલો છે. સંચિત સારા કર્મોનું ફળ પણ મળ્યા વગર રહેતું નથી. કર્મના સિદ્ધાંતને આધારે કેટલીક પંક્તિઓ, કહેવતો, પદો પ્રચલિત થયાં છે. જેમકે, જૈસા બોએગા વૈસા પાયેગા, કર્મની કથની છે ન્યારી, કર્મ કોઈ પણ કર્તાને છોડતું નથી, રાજાની રાણીને પ્રસુતિ દરમ્યાન બે બાળકો જન્મે તો પહેલાં અવતરે તેને સોનાનો કંદોરો પહેરાવાય અને પાંચ-દસ મિનિટના ગાળા પછી બીજું બાળક-બાબો અવતરે તો તેને કાળો કંદોરો પહેરેવાય. પહેલો રાજકુમાર અને બીજો ફટાયો જે (સાલીયાણા-વર્ષાસન ઉપર નભે). એક વાત ચોક્કસ છે કે સારા કર્મો મનને શાંતિ આપે છે અને જીવન શાંતિથી જીવાય છે.
- દિનેશ શાહ


