કરમાબાઈનો ખીચડો વિદૂરની ખાધી ભાજી શબરીબાઈના બોરમાં રામ થયા બહુ રાજી
દ્વા પરયુગની સમાપ્તિમાં યાદવકુળમાં પ્રગટ થયેલ શ્રી પૂર્ણ પુરૂષોત્તમ પરમાત્મા શ્રીકૃષ્ણની જન્મદાત્રી માતા દેવકીજી હતાં અને પાલક માતા શ્રીયશોદાજી હતા. આ ભૂતલ ઉપર સવાસો વર્ષની લીલા દરમ્યાન પ્રેમભૂમિ માત્ર વ્રજભૂમિ ગણાય છે. જ્યાંથી પ્રભુમથુરા અને ત્યારબાદ દ્વારકા બિરાજ્યા હતા. બીજી બાજુ પ્રભુના પાલક-માતા યશોદાજીનું પ્રારબ્ધ પૂર્ણ થવા આવ્યુ ત્યારે તેમને લાડકવાયા લાલ શ્રીકૃષ્ણ યાદ આવ્યા. સ્મરણ કરતાં જ પ્રભુ પ્રગટ થયા.
માતૃ હૃદયનો પ્રેમ જે વાત્સલ્યપૂર્ણ કહેવાય પ્રેમતણા ખેંચાણથી પ્રગટ થયા વ્રજરાય. પ્રભુએ માને માથે હાથ મૂક્યો. મારો બીજો અવતાર એવો મળે કે ફરીથી હું તને લાડ લડાવી શકુ. પ્રભુએ તથાસ્તુ કહ્યું અને તે પ્રમાણે શ્રી યશોદાજી જગન્નાથ પુરીપાસે કરમાબાઈ બન્યા. જે ખાસ ધનુર્માસમાં લાલા માટે ખીચડો સિધ્ધ કરતાં પ્રભુ બાલ સ્વરૂપે આરોગવા પધારતા અને મંગળાભોગ ભૂલી જતાં. વૃધ્ધાવસ્થાને લીધે એકવાર ખીચડાને સિદ્ધ કરતાં વાર લાગી ગઈ. લાલનતો પધાર્યા પણ બીજી તરફ મંદિરમાં મંગળાના દર્શન ખુલવાનો સમય થઈ જતાં પ્રભુને દોડવું પડયું જે જોઈને વાત્સલ્ય પ્રેમમાં વિહવળ બનેલા કરમાબાઈ એક હાથમાં લાકડી અને બીજા હાથમાં ભાવપૂર્ણ ખીચડાનો દડીયો લઈને મંદિર તરફ દોડયા. અરે લાલા ! આજે તે આવું કેમ કર્યું ? લે, હવે આ ખીચડો આરોગી લે એમ બોલતાં બોલતાં દેહભાન ભૂલાઈ ગયુ અને શ્રી જગન્નાથ મંદિરની વેદી ઉપર દેહ ઢળી પડયો. આત્મા પ્રભુના તેજમાં સમાઈ ગયો. બસ ત્યારથી પ્રત્યેક ધનુર્માસમાં શ્રીઠાકોરજીના મંદિરો તથા હવેલીમાં 'ખીચડા ભોગ'ની પરંપરા ચાલે છે. પ્રભુ પ્રદાર્થના નહી પણ પ્રેમના ભૂખ્યા છે.
જગના પાલનહાર છતાંયે ભૂખ્યાએ રહી જાય પુનિત ભક્તો પ્રેમ કરી જે ખવડાવે તે ખાય પ્રભુ પરવશ બને રે, ભક્તોના પ્રેમ કનેરે...
- મુકેશભાઈ ભટ્ટ