સપ્ત ઋષિઓનું પૂજન શા માટે ?
ઋષિના અંત:કરણમાં સેવા, સદ્ભાવ, સહાનુભૂતિ, પ્રેમ, આત્મીયતા, ક્ષમા અને ઉદારતા જેવી સૂક્ષ્મ સંપત્તિઓ સચવાઈને પડેલી છે. એટલે તેને માનવ પ્રત્યે પ્રેમ છે.
ભારતીય સંસ્કૃતિમાં માનવને માનવ બનાવવા માટે ઋષિઓએ કરેલું અમૂલ્ય પ્રદાન ભુલાય તેમ નથી આવા ઋષિઓનું સ્મરણ અને પૂજન કરવાનું પુનિત પર્વ એટલે ભાદરવા સુદ પાંચમ-ઋષિ પંચમી. કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ જેવા ઋષિઓએ માનવજાત પર અનેક ઉપકારો કર્યા છે.
ભારતદેશ ઋષિઓનો દેશ છે. જ્યાંથી વિશ્વને પ્રકાશ મળતો રહ્યો છે. અહીંથી ઋષિઓએ ઉચ્ચ કોટિના વિચાર કરવાની પધ્ધતિ આપી હતી. એટલે સર્વનાં જીવન શ્રેષ્ઠ હતાં. શ્રાવણી પર્વ પર આપણે સપ્ત ઋષિઓની પૂજા કરીએ છીએ. કારણકે તેમણે આપણને મન, વચન, અને કર્મથી સત્કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે.
વર્તમાન સમયમાં મનુષ્ય જો 'સાદું જીવન અને ઉચ્ચ વિચાર' ના આદર્શને અપનાવે અને પોતાના હૃદયમાં હંમેશાં શુધ્ધ અને પવિત્ર ભાવનાઓને આશ્રય આપે તો તેનામાં રહેલી લોભ, મોહ અને ક્રોધની ખરાબ વૃત્તિઓ દૂર થાય અને સદ્ગુણોની વૃદ્ધિ થાય. આપણા ઋષિઓએ આ જીવન પધ્ધતિને અપનાવી હતી. તેઓ નિરંતર પ્રભુ-ચિંતનમાં મગ્ન રહી લોકહિતનાં કામોમાં પોતાને સમર્પિત કરતા હતા. અને લોકો સાત્ત્વિક ગુણવાળા તેમજ ગુણસંપન્ન બને તે માટે માર્ગદર્શન આપતા હતા.
આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે ઋષિ સદા વંદનીય અને પૂજનીય છે. તેની આંખમાં સંસારના કલ્યાણનું સ્પષ્ટ દર્શન છે. તે માનવનો સાચો આપ્તજન છે. તેની બુધ્ધિ ઇશ- સમર્પિત છે. એટલે આવા ઋષિઓની વાણી પાછળ અર્થ સ્વયં દોડતો આવે છે. એટલે ઉપનિષદોએ આ ઋષિઓને કવિ તરીકે બિરદાવ્યા છે. ભારતવર્ષમાં થઈ ગયેલા આવા અનેક ઋષિઓ પોતાની સમાજસેવા- માનવસેવાથી સદા પૂજનીય છે. એટલે ઋષિપંચમીના પવિત્ર પર્વ પર તેમનું શ્રદ્ધાઅને ભક્તિભાવથી પૂજન કરી, તેમના સૂક્ષ્મ આશીર્વાદ મેળવી માણસે પોતાના જીવનને કૃતાર્થ બનાવવાનું છે.
ઋષિના અંત:કરણમાં સેવા, સદ્ભાવ, સહાનુભૂતિ, પ્રેમ, આત્મીયતા, ક્ષમા અને ઉદારતા જેવી સૂક્ષ્મ સંપત્તિઓ સચવાઈને પડેલી છે. એટલે તેને માનવ પ્રત્યે પ્રેમ છે. માનવ સાચો માનવ બને. તેનામાં સંસ્કારોનું સંવર્ધન થાય. તેનું સર્વથા કલ્યાણ થાય તે માટે ઋષિ સતત ચિંતન કરતો રહે છે. ઋષિના મનમાં પ્રાણીમાત્ર પ્રત્યે કેવી કરુણા હોય છે ! એક સવારે મહર્ષિ વાલ્મીકિ તમસા નદીમાં સ્નાન કરવા જતા હતા.
એવામાં તેમણે જંગલમાં એક શિકારીને જોયો. તેણે એક ક્રૌંચ પક્ષીનો વધ કર્યો ત્યારે માદા ક્રૌંચી કરુણ સ્વરમાં વિલાપ કરવા લાગી. આ દૃશ્ય જોઈ મહર્ષિને ખૂબ દુ:ખ થયું. તેમણે શિકારીને ' મા નિષાદ : પ્રતિષ્ઠાં' એવા શ્લોક સાથે શાપ આપ્યો. આ ઘટના પછી તેમને રામાયણ જેવું મહાકાવ્ય રચવાની પ્રેરણા મળી. આ છે ઋષિની દીર્ઘદૃષ્ટિ !
આ ઋષિઓના સ્ત્રી જાતિ પર પણ અનેક ઉપકારો છે. જ્યારે રામે સીતાનો ત્યાગ કર્યો ત્યારે મહર્ષિ વાલ્મીકિએ તેને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો. તેનાં બંને સંતાનો લવ અને કુશનો પણ મહર્ષિની છત્રછાયામાં સુપેરે ઉછેર થયો. સીતાની અગ્નિપરીક્ષાની વાત પોતાની તપ અને સ્વાધ્યાય નિરત વાણીથી લોકોને સમજાવવામાં સફળ થયા છે.
ભરત- જનની શકુંતલા પણ કણ્વ ઋષિના આશ્રમમાં ઉછરી હતી. વિવાહ પછી રાજા દુષ્યંતથી નકારાયેલી શકુંતલા છેવટે મરીચિ ઋષિના આશ્રમમાં રહી હતી. આમ સ્ત્રી જાતિ પર ઋષિના આવા અનેક ઉપકારો છે. આવા પ્રાત: સ્મરણીય ઋષિઓને ઋષિ-પંચમીના પુનિત પર્વ પર કોટિ કોટિ વંદન.
- કનૈયાલાલ રાવલ